SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ હે જગબંધુ મે દુષ્ટ, નિર્દયી અને મહાપાપીએ શંખદત્તને સમુદ્રમાં ફેંકી દીધો છે, તો હવે તેને મળવાની શી આશા? જ્ઞાનીએ કહ્યું કે, હે ભદ્ર! આમ તું ખેદ ન કર. બહુમાનથી તે બોલાવ્યો જ હોય નહિ! એમ તારો મિત્ર હમણાં જ અહિં આવશે. આવી વાત સાંભળીને તે આશ્ચર્યપૂર્વક વિચાર કરે છે. એટલામાં તો શંખદત્ત ત્યાં તત્કાળ આવ્યો અને શ્રીદત્તને દેખતાં જ વિકરાળ-વદને ક્રોધાયમાન થતો યમરાજાની જેમ તેને મારવા દોડયો, પરંતુ રાજા પ્રમુખની મોટી સભા જોઈને તેમાં નેત્ર ક્ષોભાયમાન થવાથી તે જરા અટક્યો કે તુર્ત જ તેને કેવલી મહારાજ કહેવા લાગ્યા, કે શંખદત્ત! ક્રોધાગ્નિની તીવ્રતા પરના હૃદયને બાળે તેમાં શી નવાઈ? માટે તું ક્રોધને દૂર કર. ક્રોધી પુરુષ ચંડાળના જેવો ગણાય છે અને ચંડાળ સર્વ પ્રાણીઓને સ્પર્શ કરવા યોગ્ય નથી. લૌકિકશાસ્ત્રમાં પણ એમ જણાવેલું છે કે – જાતિચંડાળ ગંગામાં સ્નાન કરે તો તે કાંઈક પવિત્ર થાય, પણ કર્મ ચંડાળ તો બિલકુલ પવિત્ર થઈ શકતો નથી. જેમ જાંગુલીવિદ્યાના પ્રભાવથી સર્પનું ઝેર ઉતરી જાય છે, તેમ કેવળી મહારાજની આવી તત્ત્વ સંબંધી વાણી સાંભળીને તે (શંખદત્ત)નો ક્રોધ તરત જ શમી ગયો. ત્યારપછી શ્રીદતે શંખદત્તનો હાથ પકડીને પોતાની પાસે બેસાડયો. ત્યારબાદ જ્ઞાનમાં શ્રેષ્ઠ એવા તે મુનિને શ્રીદત્તે પૂછયું કે, હે પૂજ્ય! આ શંખદત્ત સમુદ્રમાં પડયા પછી કેવી રીતે નીકળીને અહિંયા આવ્યો? તે કૃપા કરી કહેશો? મુનિમાં શ્રેષ્ઠ જ્ઞાની ગુરુએ તેના ઉત્તરમાં જણાવ્યું કે, આ શંખદત્ત સમુદ્રમાં પડયો કે તરત જ જેમ સુધાતુરને ખાવાને માટે ફળ તેમ એના હાથમાં એક પાટિયું આવ્યું; કેમકે જેની આયુષ્યરૂપ દોરી તુટી નથી તેનું આવું અકસ્માતું મૃત્યુ કેમ થાય? અનુકૂળ પવનની પ્રેરણાથી સમુદ્રમાં તરતો તરતો, જેમ અનુભવી વૈદ્યના બતાવેલા ઉપાય પ્રમાણે વર્તવાથી રોગ મટી જાય છે તેમ, તે સાતમે દિવસે સમુદ્રનો પાર પામી કાંઠે આવ્યો. ત્યાં નજીક સારસ્વત નામના ગામમાં આવી વિશ્રામ લેવાની તૈયારી કરે છે, તેટલામાં સમુદ્રના પાણીથી શ્યામ અને નિસ્તેજ શરીરવાળા તે શંખદત્તને પોતાનો સ્નેહવંત સંવર નામનો મામો મળ્યો. તે તેને ઓળખવાથી તરત જ પોતાના ઘેર લઈ ગયો અને ખાનપાન ઔષધાદિ તેમજ તેલ વિગેરેનું મર્દન કરી, તેનું અંગ જો કે બળી ગયા જેવું કે ખવાઈ ગયા જેવું થયેલું હતું તો પણ જેમ જડ શિષ્યને ગુરુ ઉપદેશરૂપી ઉપાયથી સુ-શિક્ષિત કરે તેમ, સાજો કર્યો. ત્યારપછી તેણે પોતાના મામાને પૂછયું કે, અહિંથી સુવર્ણફૂલ બંદર કેટલું દૂર છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે, વીસ જોજન દૂર છે, અને ત્યાં હાલ મોટા ધનવાન વેપારીનાં કરિયાણાં વિગેરે માલ ભરેલાં વહાણો આવેલાં છે. આવું સાંભળતાં માત્ર તે રોષ અને તોષભર્યો પોતાના મામાની રજા લઈ અહીં સત્વર આવ્યો, અને તને દેખીને ક્રોધાયમાન થયો. પણ નિશ્ચય કરી સંસારમાં સંયોગ અને વિયોગ કર્માધીન છે. દયાના જ એક મોટા સાગરરૂપ તે કેવલી મહારાજ પૂર્વભવનો સંબંધ કહી શંખદત્તને શાંત કરી ફરીથી કહે છે. જેમ કોઈ ગાળ દે તેને સામી ગાળ દેવાય તેમ તે પૂર્વભવે તેને હણવાની ઈચ્છા કરી હતી તેથી આ ભવે તેણે તને ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દીધો. હવે પછી બંને જણ પરસ્પર એવી પ્રીતિ રાખજો, કે જેથી તમને આ ભવ અને પરભવમાં સુખની પ્રાપ્તિ થાય; કેમકે સર્વ પ્રાણી પર મૈત્રી રાખવી એ ખરેખર સર્વાર્થની સિદ્ધિ કરનાર છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy