________________
વર્તમાનકાલે સર્વ સંઘને માન્ય એવા પૂર્વાચાર્યોના બનાવેલ કેટલાક ગ્રંથો પ્રતિ ધ્યાન ખેચાય માટે જણાવાય છે. ૧. શ્રાદ્ધવિધિ-ગ્રંથ ૨. વંદિતા સૂત્રની ટીકાનું ભાષાંતર અપર નામ અર્થદીપિકા ૩. ધર્મરત્ન પ્રકરણ બે ભાગ, ૪. ધર્મસંગ્રહ બે ભાગ, ૫, ઉપદેશપ્રાસાદ ભાષાંતર-પાંચ ભાગ, ૬. પૂ. યશોવિજયજી મહોપાધ્યાય રચિત ટબાના ભાષાંતર, દેવેન્દ્રસૂરિકૃત ત્રણ ભાષ્ય સાથે. આ ઉપરાંત મહાપુરુષોએ બાલ જીવો માટે દ્રવ્ય ચરણ કરણાનુયોગના દળદાર સમજપૂર્વકના અનેક પ્રકરણોથી ભરેલ પ્રકરણરત્નાકર ચાર વિભાગ રૂપે કેટલાક વર્ષો પહેલાં ભીમશી માણેક તરફથી છપાયેલ છે, અનુભવ જ્ઞાન માટે ઘણા જ ઉત્તમ કોટીના વિષયો ટબાર્થ સાથે આપેલા છે જે વાંચવા લીધા પછી છોડવાનું મન થાય નહિ એવા છે.
આજે છાપાંઓ અને નોવેલ ઢબનાં પુસ્તકો નવા નવા ઢબના બ્લોકોથી, ચિત્રોથી, ભાષાથી, તોછડા હાસ્યાસ્પદ શબ્દોથી ભરપૂર વાંચન જોરદાર વધી રહેલ છે, કેવળ ધર્મના નામે આવાં વાંચન જીવનમાં જરા પણ સંવેગ-નિર્વેદના કારણરૂપ બનતાં નથી, ધર્મ ઘેલછા વધુ પ્રમાણમાં વધી રહેલ છે વળી આજે પરમોપકારી આપ્તપુરુષોના ગ્રંથોની ઉપેક્ષાથી મહાન આપ્તપુરુષોની ઓળખાણ, તેઓના જીવનની સંયમસુવાસ, તેઓની અડગ-શ્રદ્ધા આદિ કંઈ પણ જાણવા મળે તેવું પ્રાયઃ ઓછું થઈ રહેલ છે આ એક દુઃખદ વાત છે, આપ્ત પુરુષોના ગ્રંથોની અવગણનાથી સાચા અને વિધિ કથિત માર્ગથી ધજીવો શ્રુત થતા જાય છે.
ત્યારે ટુંકમાં-જિનદર્શન, વંદન-પૂજન ગુરુવંદન પૂજન ધર્મની વિવિધ આરાધનાઓના અને જીવનપર્યતના શ્રાવકુલના વહેવાર અને ધર્મ આચારોને બતાવનાર શ્રાદ્ધવિધિ ગ્રંથ મહાન ઉપકારી છે.
શ્રાવકધર્મના વિધિ માર્ગો માટે આ શ્રાદ્ધવિધિ ગ્રંથ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ મૂળ ગ્રંથ સત્તર ગાથાનો માગધી ભાષામાં રચાયેલો છે, માત્ર સત્તર ગાથા પ્રમાણ આ ગ્રંથમાં અનેકાનેક અતિ ઉપયોગી વિષયો સંક્ષિપ્ત છતાં સુસ્પષ્ટ રીતે સાંકળી ગ્રંથકારે કાવ્યમય ૧૭ ગાથા પર લગભગ પોણા સાત હજાર શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ વિસ્તૃત સંસ્કૃત ટીકા રચી છે, વિષયો અને પ્રસંગો પર સુંદર વિવરણ કરીને તેને અનુરૂપ હૃદયંગમ દષ્ટાંતો પણ ચિતારરૂપે આલેખ્યાં છે.
આ ગ્રંથોમાં (૧) દિનકૃત્ય, (૨) રાત્રિકૃત્ય, (૩) પર્વકૃત્ય, (૪) ચાતુર્માસકૃત્ય, (૫) વાર્ષિકકૃત્ય અને (૬) જન્મકૃત્ય એમ છ વિભાગમાં શ્રાવકના આચરણ ધર્મનું બહુધા વર્ણન કરવામાં આવ્યું છે. લોકોત્તર માર્ગના એકાંત હિતને લક્ષમાં રાખી લૌકિક-વ્યાવહારિક બોધ પણ ઘણો જ ઉત્તમોત્તમ કોટીનો આપી યોગ્ય યોગ્ય સ્થળે નીતિ માર્ગના સુવાક્યોનો ઉપયોગ કરી ગ્રંથો આદિના પ્રમાણ આપી પ્રસ્તુત વિધાનને પ્રબળ પુષ્ટિ આપવા સાથે પોતાની સર્વતોમુખી પ્રતિભાનો પણ પરિચય કરાવ્યો છે.
મૂળ ગ્રંથ રચ્યા પછી ગ્રંથકાર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. સાહેબે, વિ.સં. ૧૫૦૬ માં શ્રાદ્ધવિધિ કૌમુદી નામની વિસ્તૃત ટીકા રચી હતી. તેઓશ્રીનો જન્મ વિ.સં. ૧૪પ૭માં થયો હતો. છ વર્ષની વયે દીક્ષિત થયા હતા. ૩૬ વર્ષની ઉમરે ઉપાધ્યાય થયા હતા. ૪૫ વર્ષની વયે આચાર્ય થયા અને ૬૦ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા હતા.
ખંભાતમાં બાંધી નામના ભટ્ટે તેઓશ્રીને બાલસરસ્વતીનું બિરૂદ આપ્યું હતું. બેદરપુર (દક્ષિણ)માં તેમણે મહાન બ્રાહ્મણ ભટ્ટને પરાજિત કર્યા હતા. સોમ સૌભાગ્ય કાવ્ય તથા ગુણ રત્નાકર કાવ્યમાં તેમની ઉજ્વલ કારકિર્દી, અદૂભુત પ્રતિભા અને શાસન પ્રભાવના સભર સક્રિય જીવનનાં દર્શન થાય છે. તેઓશ્રી યુગપ્રધાન શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય હતા અને શ્રી સંતિકર સ્તોત્રના રચયિતા સહસ્ત્રાવધાની આ. શ્રી નિસુંદરસૂરીશ્વરજીની પાટે આવ્યા હતા. તેઓશ્રીની હયાતિમાં વિ.સં. ૧૫૦૮માં જિનપ્રતિમા પૂજા નિષેધક લુકામતની ઉત્પત્તિ થઈ.
આવા મહાપુરુષે રચેલ આ ગ્રંથ સજ્જનોના હાથમાં જવાથી કલિકાલના દોષે થતી ધર્મની હાનિ, ધર્મનો અનાદર અને ધર્મની અવિધિઓના દોષથી જરૂર બચી શકાય અને મોક્ષસાધક ધર્મની ઉજ્વલ આરાધનાનો માર્ગ વિસ્તૃત બને એ જ એક શુભાભિલાષા.
- આ. સોમચરિ