________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩
ઊભો છે; આપની આજ્ઞા હોય તો અહીં આવે.” રાજાએ તે દૂતને સત્વરે બોલાવી લાવવાની દ્વારપાળ ને આજ્ઞા કરી, ત્યારે તે સ્વ-કર્તવ્યને જાણનારો દૂત રાજા પાસે આવી વિનયપૂર્વક વંદન કરીને કહેવા લાગ્યો કે, "મહારાજ! સાક્ષાત્ દેવનગરી સમાન દેવપુરનગરમાં વિજયદેવ નામે રાજા રાજ્ય કરે છે; તે વાસુદેવના જેવો પરાક્રમી છે, જેમ યોગ્ય રાજનીતિથી શામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાય પેદા થાય, તેમ તેની પ્રીતિમતી નામે સતી મહારાણીએ ચાર પુત્ર પ્રસવ્યા પછી જેમ હંસલીની બંને પાંખો ઉજ્વળ હોય તેમ માતા-પિતાના બન્ને કુળની ઉદ્યોતક હંસી' નામે એક કન્યા પ્રસવી છે. એ નિયમ છે કે, જે વસ્તુ સ્વલ્પ હોય તે અતિશય પ્રિય લાગે, તેમ આ પુત્રી પણ માતા-પિતાને અત્યંત પ્રિય છે, તે હંસી બાલ્યાવસ્થાનો ત્યાગ કરીને જ્યારે આઠ વર્ષની થઈ ત્યારે પ્રીતિમતી મહારાણીને સારસી’ નામે વળી બીજી કન્યા ઉત્પન્ન થઈ. સાક્ષાત્ જળાશયને શોભાવનારી જાણે બીજી સારસી જ ન હોય શું? પૃથ્વીમાં જે સાર સાર નિર્મળ પદાર્થો હતા તે જ લઈને જાણે વિધાતાએ તેને ઘડી ન હોય શું? એવી તે બંને બાલિકાઓ એટલી બધી સ્વરૂપવતી હતી કે, તે બન્નેને પરસ્પર તેમના સિવાય જગતની બીજી ઉપમા આપી શકાય નહીં. વળી તે બંનેની પરસ્પર એવી ઓ અલૌકિક પ્રીતિ છે કે, બન્નેનાં શરીર જુદાં દેખાય છે, તે પણ તેમને ખેદકારક થઈ પડ્યાં છે.
કામરૂપ હસ્તિને ક્રીડાવન સમાન યૌવનવયને પ્રાપ્ત થયેલી હંસીએ પોતાની લઘુબેન સારસીનો વિયોગ થવાના ભયથી પોતાના વિવાહની વાત જ માંડી વાળી, જ્યારે સારસી યૌવનાવસ્થાની સન્મુખ આવી પહોંચી ત્યારે બન્ને જણીઓએ પ્રીતિપૂર્વક એવી પ્રતિજ્ઞા કરી કે, આપણાથી એકબીજાનો વિયોગ સહન થઈ શકશે નહીં, માટે આપણે એક જ વરને વરવું. તે બન્નેએ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી એટલે માતા-પિતાએ તેમને મનગમતો વર મેળવવા માટે ત્યાં યથાવિધ સ્વયંવર મંડપ રચ્યો, તેમાં એવી તો અલૌકિક મંચરચના કરવામાં આવી છે કે, જેનું વર્ણન મોટા કવિઓ પણ કરવાને અસમર્થ છે. ટૂંકમાં એટલું કે ત્યાં આપના જેવા બીજા પણ ઘણા રાજાઓ આવશે અને તે નિમિત્તે ત્યાં ઘાસ તેમ જ ધાન્યના એવા તો પુંજ ખડકાવ્યા છે કે – જેની આગળ મોટા પર્વતોની પણ શી ગણના ! અંગ, બંગ, કલિંગ, આંધ્ર, જાલંધર, મારવાડ, લાટ, ભોટ, મહાભોટ, મેદપાટ (મેવાડ), વિરાટ, ગૌડ, ચૌડ, મહારાષ્ટ્ર, કુરુ, ગુજરાત, આભીર, કાશ્મીર, ગોયલ્લ, પંચાલ, માલવ, હૂણ, ચીન, મહાચીન, કચ્છ, વચ્છ, કર્ણાટક, કોંકણ, નેપાળ, કાન્યકુબ્ધ, કુંતલ, મગધ, નૈષધ, વિદર્ભ, સિંધ, દ્રાવિડ ઈત્યાદિક અનેક દેશોના રાજા ત્યાં આવનાર છે; માટે મારા સ્વામિએ આપ (મલય દેશના મહારાજા)ને પણ નિમંત્રણ આપવા મને મોકલ્યો છે, તેથી આપ ત્યાં પધારી તે સ્વયંવરને શોભાવશો એવી આશા છે." - દૂતનાં આવાં વાકયો સાંભળતાં તેમનું ચિત્ત પ્રસન્ન થયું પણ સ્વયંવરમાં મળેલા ઘણા રાજાઓ વચ્ચે એ કન્યાઓ મને પરણશે કે બીજાને, એવા સંશયરૂપ હિંડોળામાં મનરૂપ માંકડું હિંચકવા લાગ્યું. પછી પંચ વચ્ચે મારે પણ જવું એ જ વધારે સારું છે એમ ધારી છેવટ તે જવાને તૈયાર થયો. પક્ષીઓના શુભ શુકનથી ઉત્સાહિત થયેલો તે દેવપુરનગરમાં જઈ પહોંચ્યો; ત્યાં બીજા પણ ઘણા રાજાઓ આવી પહોંચ્યા. વિજયદેવ રાજાએ બહુમાનપૂર્વક તેઓનો નગરપ્રવેશ કરાવ્યો. નિર્ધારેલા દિવસે અતિ-આદરસહિત યથાયોગ્ય ઉચ્ચ માંચડાઓ ઉપર સર્વ રાજાઓએ બેસીને દેવના વિમાનની જેમ તે