________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૮૫
પ્રતિજ્ઞા-ભંગદોષ લાગ્યો પછી હાથીના પગ શસ્ત્રવડે વિંધાયાથી તે પડયો, ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી તેના કપાળે આ મારી દાસીનો પતિ એવી છાપ ચોડી.
પછી ઉદાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રતિમા લેવા માટે વિદિશા નગરીએ ગયો. પ્રતિમાનો ઉદ્ધાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો તથાપિ તે કિંચિત્ માત્ર પણ સ્થાનકથી ખસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે, રાજન્ ! તું આગ્રહ ન કર. તે વીતભય પત્તનમાં ધૂળની વૃષ્ટિ થશે, માટે હું આવતી નથી." તે સાંભળી ઉદાયન રાજા પાછો વળ્યો. રસ્તામાં ચોમાસું આવ્યું. ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો, સંવત્સરીપર્વને દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઈયાએ ચંડપ્રદ્યોતને પૂછયું કે, આજે રસોઈ શી કરવાની? ચંડપ્રદ્યોતના મનમાં એ મને કદાચ અન્નમાં વિષ આપશે એવો ભય ઉત્પન્ન થયો.”
તેથી તેણે કહ્યું કે તે ઠીક યાદ કરાવ્યું, મારે પણ ઉપવાસ છે, મારા માતા-પિતા શ્રાવક હતા.” તે જાણી ઉદાયને કહ્યું કે, "એનું શ્રાવકપણે જાણ્યું. તથાપિ તે જો એમ કહે છે, તો તે નામ માત્રથી પણ મારો સાધર્મી થયો, માટે તે બંધનમાં હોય ત્યાં સુધી મારું સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય?” એમ કહી ઉદાયને ચંડપ્રદ્યોતને બંધનમાંથી મુક્ત કર્યો, ખમાવ્યો અને કપાળે લેખવાળો પટ્ટ બાંધી તેને અવંતીદેશ આપ્યો.
ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સંતોષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી છે. ચોમાસું પૂરું થયા પછી ઉદાયન રાજા વીતભય પત્તન ગયો. સેનાને સ્થાનકે આવેલા વણિક લોકોના રહેઠાણથી દશપુર નામે એક નવું નગર વસ્યું. તે નગર ઉદાયન રાજાએ જીવંતસ્વામીની પૂજાને માટે અર્પણ કર્યું. તેમજ વિદિશાપુરીને ભાયલસ્વામીનું નામ દઈ તે તથા બીજાં બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આપ્યાં. '
હવે ઉદાયન રાજા, પ્રભાવતીનો જીવ જે દેવતા, તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતો હતો. એક વખતે પાખિ પૌષધ હોવાથી તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાતઃકાળે તેણે કપિલકેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાને માટે ઘણા ગામ, આકર, પુર વગેરે આપ્યાં. "રાજ્ય અંતે નરક આપનારું છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપું?" મનમાં એવો વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પોતાના ભાણેજને રાજ્ય આપ્યું, અને પોતે શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દિક્ષા ઉત્સવ કર્યો.
એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના શરીરે મહાવ્યાધિ ઉત્પન્ન થયો. "શરીર એ ધર્મનું મુખ્ય સાધન છે.” એમ વિચારી વૈધે ભક્ષણ કરવા કહેલા દહીંનો જોગ મળે, તે માટે ગોવાળોના ગામોમાં મુકામ કરતા તે વીતભય પત્તને ગયા, કેશી રાજા ઉદાયનમુનિનો રાગી હતો, તો પણ તેના પ્રધાન વર્ગે તેને સમજાવ્યો કે, "ઉદાયન રાજ્ય લેવા માટે અહીં આવ્યો છે.” પ્રધાનોની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયનમુનિને વિષમિશ્ર દહીં અપાવ્યું.