________________
પ્રસ્તાવના આ સંસાર અનાદિનો છે, અને અનંતકાળ રહેવાનો છે. આ જગતમાં જીવ પણ અનાદિનો છે, જીવને કર્મનો સંયોગ પણ અનાદિનો છે, કર્મસંયોગના યોગે જ આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે.
આ સંસારથી મુકત થવા માટે પરમોપકારી શ્રી વીતરાગ-પરમાત્માએ બતાવેલ ધર્મને પ્રાપ્ત કરનારા ઘણા જીવો અપૂર્વ વીર્ષોલ્લાસથી કર્મનો સામનો કરી સંસારથી વિમુકત બની અવ્યાબાધ શાશ્વત સુખને પામ્યા છે.
શ્રી વીતરાગ ધર્મની આરાધના કરવા માટે ત્રણ મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચવારૂપ લક્ષમાં રાખવા જોઈએ. ૧. શાસ્ત્રની આજ્ઞા, ૨. જ્ઞાનિની નિશ્રા, ૩. વિધિપૂર્વકની ધર્મની પ્રવૃત્તિ.
આ ત્રણ હકીકતો લક્ષમાં રાખી જો વીતરાગ શાસનની આરાધના થાય તો ભારે કર્મી જીવ પણ અલ્પકાળ માં મોક્ષના અધિકારી બની શકે છે.
જૈનકુળમાં જન્મ પામી વિવિધ ધર્મોની ઘણા ઘણા ભવોમાં આરાધના કરવા છતાં ઉપરની ત્રણ બાબતો લક્ષમાં ન રાખનાર સમકિતનો પણ લાભ મેળવી શકતો નથી.
આ કાળમાં ગતાનુગતિકતાએ ધર્મ-આરાધનાઓ વધુ પ્રમાણમાં થવા લાગી છે. જેના યોગે બહુલતાએ ધર્મનો અનાદર અને ધર્મમાં થતી અવિધિઓ ધર્મના સાચા મહત્ત્વનો પ્રાય: નાશ કરનાર બને છે. આ છે-વર્તમાન કાલીન બહુલ સંસારી જીવોનું લક્ષણ શાસ્ત્રમાં પણ કહેલ છે કે –
आसन्नसिद्धिजिआणं, विहि परिणामो होइ सयकालं ।
विहिचाओ अविहिभत्ति, अभवजीअ दूरभव्वाणं ।। १।। અર્થ-આસન્ન એટલે થોડાકાળમાં જ મોક્ષગામી આત્માઓને વિધિનો પરિણામ સદાકાળ હોય છે. અને વિધિનો ત્યાગ, અનાદર ઉપેક્ષા-અવિધિમાંજ ભકિતનો રાગ, એ અભવ્યો અને દુભવ્યોનું લક્ષણ છે.
સૂરિપુરંદર સહસ્ત્રાવધાની પૂ. મુનિસુંદરસૂરિ મહારાજ ઉપદેશ રત્નાકર નામના ગ્રંથની શરૂઆતમાં જ બતાવે છે કે -
મોક્ષને આપનાર ધર્મ મોક્ષ આપે જ, પણ ધર્મ યોગ્ય હોવો જોઈએ, ધર્મને ગ્રહણ કરનાર પણ યોગ્ય જ જોઈએ, ધર્મને આપનાર પણ યોગ્ય જ જોઈએ, ધર્મની ગ્રહણ-સ્વીકાર વિધિ પણ યોગ્ય જ જોઈએ.
અહીં પ્રથમ વાત એ છે કે-ધર્મ યોગ્ય જોઈએ, કારણ કે, કપડાં ઉજ્જવળ બનાવવા ગટરનું મલિનતાવાળું પાણી લેવાય તો ઉલટાં કપડાં ખરાબ કરે, પણ કપડાંનો મેલ દૂર કરવા નિર્મલ-ચોખું પાણી જ કામ આપે છે. . તેમ અનાદિ કર્મની મલિનતાથી આત્માને ઉજ્જવલ બનાવવા ધર્મ પણ શંકાકાંક્ષા આદિ દોષોની મલિન વાસનાવાળો ન જોઈએ, પણ કેવળ સંવેગ-નિર્વેદાદિ લક્ષણોવાળો એક જ મોક્ષની અપેક્ષાવાળો જોઈએ. .
બીજી વાત એ બતાવી છે કે, ઉજ્જવલ ધર્મ આપનાર પણ યોગ્ય જ જોઈએ, અયોગ્યથી ગ્રહણ કરાયેલ સાચો ધર્મ પણ વિકૃતિને પામવા યોગ્ય બને છે, કારણ કે ચોખા પાણીનો ભરેલ ચંડાળનો કૂપ સજ્જનોને પાણી પીવા યોગ્ય નથી જ બની શકતો.
પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ પણ આમ જ કહે છે કે – "શાનદર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે! લુંટીયા તેણે જગ દેખતાં; કિહાં કરે લોક પોકાર રે સ્વામી.
ત્રીજી વાત એ બતાવી છે કે ધર્મ-યોગ્યને જ અપાય, પણ ધર્મની યોગ્યતા રહિતને ધર્મ આપવામાં અનર્થનું કારણ બને છે. જેમ કાચા ઘડામાં નાંખેલ પાણી ઘડાનો વિનાશ કરે છે અને પાણી પણ વિનાશ પામે છે.