________________
૩૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તપાચાર, અને વીર્યાચાર. એના દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હોય છે. તેનો અનુક્રમ આ પ્રમાણે –
જ્ઞાનાચારને વિષે મૂળસૂત્ર વાંચવારૂપ સજ્રાય કરવી, વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું અને યથાશક્તિ અજવાળી પાંચમને દિવસે જ્ઞાનની પૂજા કરવી.
દર્શનાચારને વિષે જિનમંદિરમાં કાજો કાઢવો, લીંપવું, ગહુંલી માંડવી વગેરે જિનપૂજા. ચૈત્યવંદન અને જિનબિંબનો ઓપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવાં.
ચારિત્રાચારને વિષે જળો મૂકાવવી નહિ, જૂ તથા શરીરમાં રહેલા ગંડોળ પાડવા નહિ, કિડાવાળી વનસ્પતિને ખાર ન દેવો, લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં ત્રસ જીવની રક્ષા કરવી. કોઈને આળ ન દેવું, આક્રોશ ન કરવો, કઠોર વચન ન બોલવું, દેવ-ગુરુના સોગન ન ખાવા, ચાડી ન ખાવી તથા પારકો અવર્ણવાદ ન બોલવો. પિતાની તથા માતાની દષ્ટિ ચૂકવીને કામ ન કરવું, નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાત્રિને વિષે પુરુષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પરપુરુષની સેવા ન કરવી. ધન, ધાન્ય વગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડો કરવો. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઈને મોકલવું, સંદેશો કહેવરાવવો, અધોભૂમિએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસ્તૂરી એ વસ્તુનું તથા રત્ન, હીરા, મણિ, સોનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું.
ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તતિય, નાળિએર, કેળાં, મીઠાં લીંબુ, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીજોરાં, કાકડી, અખરોટ, વાયફલ, કોઠ, બિરૂ, બિલીફળ, આમલી, બોર, બિલૂક ફળ, ચીભડાં, ચીમડી, કેરાં, કરમદાં, ભોરડ, લીંબુ, આમ્બવેતસ, એમનું અથાણું, અંકુરા, જાતજાતનાં ફૂલ તથા પત્ર, સચિત્ત, બહુબીજ, અનંતકાય પણ એક પછી એક વર્જવા.
વિગઈનું અને વિગઈની અંદર આવનારી વસ્તુનું પરિમાણ કરવું. વસ્ત્ર ધોવાં, લિંપવું, ખેત્ર પણવું, હરાવવું, બીજાની જૂ કાઢવી, ક્ષેત્ર સંબંધી જાતજાતનાં કામો, ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવુ, ઉવટણ લગાડવું વગેરેનો ઘટાડો કરવો. તથા ખોટી સાક્ષી પૂરવી નહિ. દેશાવકાશિક વ્રતને વિષે ભૂમિ ખોદવાનું, પાણી લાવવાનું, કપડાં ધોવાનું, હાવાનું, પીવાનું, અગ્નિ સળગાવવાનું, દીવો કરવાનું, લીલોતરી કાપવાનું, મોટા વડિલોની સાથે છૂટથી બોલવાનું, અદત્તાદાનનું તથા સ્ત્રીઓ પુરુષની સાથે તથા પુરુષ સ્ત્રીની સાથે બેસવું, સુવું, બોલવું, જોવું વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણ રાખવું, દિશિનું માન રાખવું, તથા ભોગોપભોગનું પણ પરિમાણ રાખવું. તેમજ સર્વે અનર્થદંડનો સંક્ષેપ કરવો.
સામાયિક, પૌષધ તથા અતિથિસંવિભાગમાં પણ જે છૂટ રાખી હોય, તેમાં દરરોજ કંઈક કમી કરવું, ખાંડવું, રાંધવું, જમવું, ખણવું, વસ્ત્રાદિ રંગવું, કાંતવુ પીંજવું, લોઢવું, ઘર વગેરે ધોળાવવું, લીંપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જોવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, ઓછણ કરવું વગેરે કાર્યોને વિષે દરરોજ બનતાં સુધી સંવર જ રાખવો. ભણવું, જિનમંદિરે દર્શન કરવું,