________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૯૫
કનકધ્વજ રાજાને તથા તેના પરિવારને કુમારે કરેલી નવાનવા પ્રકારની પરોણાગતનો લાભ મળવાથી તથા તીર્થની સેવા પણ થતી હોવાથી પોતાના દિવસ લેખે લાગે છે, એમ જણાયું.
એક વખતે સ્વાર્થના જાણ એવા કનકધ્વજ રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, "હે સપુરુષ ! ધન્ય એવા તે જેમ મારી આ બે કન્યાને કૃતાર્થ કરી, તેમ જાતે આવીને અમારી નગરીને પણ કૃતાર્થ કર." એવી ઘણી વિનંતિ કરી ત્યારે કુમારે કબૂલ કરી. પછી રત્નસારકુમાર, કન્યાઓ તથા બીજા પરિવાર સાથે રાજા પોતાની નગરી તરફ ચાલ્યો. તે વખતે વિમાનમાં બેસી સાથે ચાલનાર ચક્રેશ્વરી, ચંદ્રચૂડ વગેરે દેવતાઓએ ભૂમિને વ્યાપનારી સેનાની સ્પર્ધાથી જ ન હોય તેમ પોતે આકાશ વ્યાપી નાખ્યું. સૂર્યના કિરણ જ્યાં પ્રવેશ કરી શકતા નથી એવી ભૂમિ જેમ તાપ પામતી નથી, તેમ ઉપર વિમાન ચાલતાં હોવાથી એ સર્વેએ જાણે માથે એક છત્ર જ ધારણ કર્યું ન હોય ! તેમ કોઈને પણ તાપ લાગ્યો નહીં. કનકધ્વજ રાજા કુમારની સાથે અનુક્રમે નગરીના નજીક ભાગમાં આવ્યો ત્યારે વધૂ-વરને જોવા માટે ઉત્સુક થયેલા શહેરી લોકોને ઘણો હર્ષ થયો. પછી કનકધ્વજ રાજાએ શક્તિથી અને નીતિથી જેમ ઉત્સાહ શોભે છે, તેમ બે પ્રિય સ્ત્રીથી શોભતા રત્નસારકુમારનો ઘણા ઉત્સાહથી પોતાની નગરીમાં પ્રવેશ કરાવ્યો.
તે નગરી જ્યાં ત્યાં કેસરના છંટકાવ કરેલા હોવાથી તરૂણ સ્ત્રી સરખી શોભતી, ઢીંચણ સુધી ફૂલ પાથરેલાં હોવાથી તીર્થકરની સમવસરણ ભૂમિ સરખી દેખાતી, ઉછળતી ધ્વજારૂપ ભુજાથી જાણે હર્ષવડે નાચતી ન હોય ! એવી દેખાતી, ધ્વજાની ઘુઘરીઓના મધુર સ્વરથી જાણે ગીત ગાતી ન હોય ! એવી દેખાતી હતી. તથા તે નગરીની દેદીપ્યમાન તોરણની પંક્તિ જગતની લક્ષ્મીનું ક્રીડાસ્થાન જ ન હોય એવી હતી. ત્યાંના માણસો ઉચા ખાટલા ઉપર બેસી સુંદર ગીતો ગાતાં હતાં. પતિ-પુત્રવાળી સ્ત્રીઓનાં હસતાં મુખોથી પદ્મસરોવરની શોભા તે નગરીને આવી હતી. તથા સ્ત્રીઓનાં કમળપત્ર સરખાં નેત્રોથી નીલકમળના વન સરખી તે નગરી દેખાતી હતી.
એવી નગરીમાં પ્રવેશ થયા પછી રાજાએ માનનીય પુરુષોમાં શ્રેષ્ઠ એવા કુમારને હર્ષથી અનેક જાતનાં ઘોડા, દાસ-દાસીઓ, ધન વગેરે ઘણી વસ્તુ આપી. રીતભાતના જાણ પુરુષોની એવી જ રીત ' હોય છે. પછી જેને વિલાસ પ્રિય છે એવો રત્નસારકુમાર પુણ્યના ઉદયથી સસરાએ આપેલા મહેલમાં બીજા રાજાની માફક બે સ્ત્રીઓની સાથે કામવિલાસ ભોગવવા લાગ્યો. સોનાનાં પાંજરામાં રહેલો પોપટ ઘણો કૌતુકી હોવાથી વ્યાસની માફક કુમારની સાથે હંમેશાં સમસ્યાપૂર્તિ, આખ્યાયિકા, પ્રહેલિકા વગેરે વિનોદના પ્રકાર કરતો હતો. ત્યાં રહેલા કુમારે દેદીપ્યમાન શ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ હોવાથી જાણે માણસ કાયાથી જ સ્વર્ગે ગયો ન હોય! તેમ પૂર્વની કોઈપણ વાત સંભારી નહીં. એવા સુખમાં કુમારે એક વર્ષ એક ક્ષણની માફક ગાળ્યું. તેવામાં દૈવયોગથી જે વાત થઈ તે કહું છું.
એક વખત હલકા લોકોને હર્ષ આપનારી રાત્રિના વખતે કુમાર પોપટની સાથે ઘણીવાર સુધી વાર્તાલાપરૂપ અમૃતપાન કરી રત્નજડિત ઉત્તમ શય્યાગૃહમાં બિછાના ઉપર સૂતો હતો, અને નિદ્રાવશ થઈ ગયો. અંધકારથી સર્વ લોકોની દષ્ટિને દુઃખ દેનારો મધ્ય રાત્રિનો વખત થયો. ત્યારે સર્વે પહોરાયત લોકો પણ નિદ્રાવશ થયા. એટલામાં દિવ્ય આકાર ધારણ કરનારો, દેદીપ્યમાન અને મૂલ્યવાન શૃંગારથી