________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૦૩
વ્યાપારમાં ગાંધીનો જ વ્યાપાર સરસ છે, કારણ કે, તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુ સો ટકે વેચાય છે. આ વાત સાચી છે કે વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ જેને જે કારણથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ હમેશાં બની આવવાની ઈચ્છા રાખે છે. કહ્યું છે કે-સુભટો રણસંગ્રામની, વૈદ્યો મોટા મોટા ધનવંત લોકોની માંદગીની, બ્રાહ્મણો ઘણા મરણોની અને નિગ્રંથ મુનિઓ લોકોમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઈચ્છા રાખનાર જે વૈદ્ય લોકો માંદા પડવાની ઈચ્છા કરે છે. રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવી દ્રવ્યલોભથી ઉલટી તેની હાનિ કરે છે, એવા વૈદ્યના મનમાં દયા કયાંથી હોય?
કેટલાક વૈદ્ય તો પોતાના સાધર્મી દરિદ્રી, અનાથ મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવા ઈચ્છે છે. અભક્ષ્ય વસ્તુ પણ ઔષધમાં નાંખીને રોગીને ખવરાવે અને દ્વારિકાના અભવ્ય વૈદ્ય ધવંતરીની જેમ જાતજાતના ઔષધ આદિના કપટથી લોકોને ઠગે છે. હવે થોડો લોભ રાખનારા પરોપકારી, સારી પ્રકૃતિના જે વૈદ્યો છે તેમની વૈદ્યવિદ્યા ઋષભદેવ ભગવાનના જીવ જીવાનંદ વૈદ્યની જેમ ઈહલોકે તથા પરલોકે ગુણકારી જાણવી.
ખેતી હવે ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કૂવા આદિના પાણીથી તથા ત્રીજી બન્ને-વરસાદ તથા પાણીથી થનારી. ગાય, ભેંસ, બકરી, ઊંટ, બળદ, ઘોડા, હાથી વગેરે જાનવરો પાળીને પોતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહેવાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બન્ને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે –
હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના ખંધ ઉપર પામર લોકોની, ખડ્ઝની ધારા ઉપર સુભટોની લક્ષ્મી તથા શૃંગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષ્મી રહે છે. કદાચિત્ બીજી કાંઈ વૃત્તિ ન હોય અને ખેતી જ કરવી પડે તો વાવવાનો સમય વગેરે. બરાબર ધ્યાનમાં રાખવો. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તો મનમાં ઘણી દયા રાખવી. કેમકે જે ખેડૂત વાવવાનો વખત ભૂમિનો ભાગ કેવો છે? તે તથા તેમાં કયો પાક આવે? તે જાણે અને માર્ગમાં આવેલું ખેતર મૂકી દે, તેને જ ઘણો લાભ થાય, તેમજ જે માણસ દ્રવ્યપ્રાપ્તિને અર્થે પશુરક્ષાવૃત્તિ કરતો હોય, તેણે પોતાના મનની અંદર રહેલો દયાભાવ છોડવો નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પોતે જાગૃત રહી છવિચ્છેદ વગેરે વર્જવું.
કળા કૌશલ્ય હવે શિલ્પકળા સો જાતની છે, કહ્યું કે-કુંભાર, લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચના પાંચ શિલ્પ જ (કારીગરી) મુખ્ય છે. પાછા એક એક શિલ્પના વીસ વીસ પેટભેદ ગણતાં સર્વ મળી સો ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા એકની બીજાથી જુદી પાડનારી હોવાથી જુદી ગણીએ તો ઘણા જ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થયેલું તે શિલ્પ કહેવાય છે, ઉપર કહેલા પાંચ શિલ્પ ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલાં છે.