________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૮૧
બહુ લાભ દેખાય છે. કોઈ શ્રાવક માઠી અવસ્થામાં હોય અને તેને જો તે દ્રવ્યથી સહાય કરાય, તો તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એવો સંભવ રહે છે.
લૌકિકમાં પણ કહ્યું છે કે-હે રાજેન્દ્ર ! તું દરિદ્ર માણસનું પોષણ કર, પણ ધનવાન પુરુષનું કરીશ નહીં, કારણ કે, રોગી માણસને જ ઔષધ આપવું હિતકારી છે પણ નીરોગી માણસને ઔષધ આપવાથી શું લાભ થવાનો?" માટે જ પ્રભાવના, સંઘની પહેરામણી, દ્રવ્ય યુક્ત મોદક (લાડુ) અને લ્હાણા આદિ વસ્તુ સાધર્મિકોને આપવી હોય, ત્યારે નિર્ધન સાધર્મિકને સારામાં સારી વસ્તુ હોય તે જ આપવી યોગ્ય છે. એમ ન કરે તો ધર્મની અવજ્ઞા આદિ કર્યાનો દોષ આવે, યોગ હોય તો ધનવાન્ કરતાં નિર્ધન સાધર્મિકને વધારે આપવું; પણ યોગ ન હોય તો સર્વેને સમાન આપવું.
સંભળાય છે કે, યમુનાપુરમાં જિનદાસ ઠક્કરે ધનવાન સાધર્મિકને આપેલા મોદકમાં બે બે સોનૈયા નાંખ્યા હતા. ધર્મ ખાતે વાપરવા કબૂલ કરેલું સર્વ દ્રવ્ય તે જ ખાતે વાપરવું જોઈએ.
માતાપિતાદિ અંગે તો પુચ જીવતાં જ કરવું મુખ્યમાર્ગે જોતાં તો, પિતા આદિ લોકોએ પુત્ર વગેરે લોકોની પાછળ અથવા પુત્ર આદિલોકોએ પિતા પાછળ જે પુણ્યમાર્ગે ખરચવું હોય, તે પ્રથમથી જ સર્વની સમક્ષ કરવું. કારણ કે, કોણ જાણે કોનું કયાં અને શી રીતે મરણ થશે? માટે પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું હોય, તેટલું અવસર ઉપર જુદું જ વાપરવું પણ પોતે કરેલા સાધર્મિક વાત્સલ્ય વગેરે કૃત્યોમાં ન ગણવું. કારણ કે, તેથી ધર્મસ્થાનને વિષે વ્યર્થ દોષ આવે છે.
તીર્થયાત્રા અંગે કાટેલું દ્રવ્ય એમ છતાં કેટલાક લોકો યાત્રાને અર્થે આટલું દ્રવ્ય ખરચીશું' એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથી જ ગાડીભાડું, ખાવું-પીવું, મોકલવું વગેરે માર્ગ આદિ સ્થાનકે લાગેલું ખરચ તે દ્રવ્યમાં ગણે છે, તે મૂઢ લોકો કોણ જાણે કે, કઈ ગતિ પામશે? યાત્રાને અર્થે જેટલું દ્રવ્ય માન્યું હોય, તેટલું દેવ-ગુરુ આદિનું દ્રવ્ય થયું. તે દ્રવ્ય જો પોતાના ઉપભોગમાં વાપરે તો દેવાદિ દ્રવ્ય ભક્ષણ કર્યાનો દોષ કેમ ન લાગે?
એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કોઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યનો ઉપભોગ થયો હોય તેની આલોયણા તરીકે, જેટલા દ્રવ્યનો ઉપભોગ અનુમાનથી ધ્યાનમાં આવતો હોય તેના પ્રમાણમાં પોતાની ગાંઠનું દ્રવ્ય દેવાદિ દ્રવ્યમાં નાંખે, એ આલોયણા મરણ સમય નજીક આવે ત્યારે તો અવશ્ય કરવી. વિવેકી પુરુષે પોતાની અલ્પ શક્તિ હોય તો ધર્મના સાત ક્ષેત્રોને વિષે પોતાની શક્તિ પ્રમાણે અલ્પ દ્રવ્ય વાપરવું, પણ માથે કોઈનું ઋણ રાખવું નહીં. પાઈએ પાઈ ચૂકતે કરવી. તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણ તો બિલકુલ ન જ રાખવું, કહ્યું છે કે -
શ્રેષ્ઠ પુરુષે કોઈનું ઋણ એક ક્ષણ માત્ર પણ કોઈ પળે ન રાખવું, તો પછી અતિ દુસહ દેવાદિકનું ઋણ કોણ માથે રાખે ?