________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૭૩
બીજો કાંઈ ઉપાય ન હોવાથી બન્ને જણા કોઈ મ્હોટા શેઠને ઘેર જુદા જુદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કર્મસાર રહ્યો હતો, તે શેઠ કપટી અને અતિ કૃપણ હતો, ઠરાવેલો પગાર પણ આપે નહીં. "ફલાણે દિવસે આપીશ." એમ વારંવાર ઠગ્યા કરે. આમ હોવાથી કર્મસારે ઘણો વખત થયા છતાં કોઈ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણ્યસારે તો થોડા ઘણા પૈસા ભેગા કર્યા અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું, છતાં ધૂર્ત લોકો તે સર્વ હરણ કરી ગયા. પછી કર્મસાર જુદા જુદા ઘણા શેઠીઆની પાસે ચાકરીએ રહ્યો, તથા કિમિયા-ભૂમિમાંથી દ્રવ્ય કાઢવાની વિદ્યા, સિદ્ધ રસાયન, રોહણાચલે ગમન કરવાને અર્થે મંત્રસાધન, રૂદંતી આદિ ઔષધિની શોધખોળ વગેરે કૃત્યો તેણે મોટા આરંભથી અગીયારવાર કર્યો, તો પણ પોતાની કુબુદ્ધિથી તથા વિધિવિધાનમાં વિપરીતપણું હોવાથી તે કિંચિત્માત્ર પણ ધન સંપાદન કરી શકયો નહીં. ઉલટું ઉપર કહેલાં કામ કરતાં તેને નાનાવિધ દુઃખો ભોગવવાં પડયાં.
પુણ્યસારે તો અગિયાર વાર ઘન મેળવ્યું અને તેટલી જ વાર પ્રમાદાદિકથી ખોયું. છેવટે બને જણા બહુ ખેદ પામ્યા અને એક વહાણ ઉપર ચઢી રત્નદ્રીપે ગયા. ત્યાંની ભક્તજનોને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી બન્ને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે દિવસે દેવીએ કહ્યું કે, "તમે બન્ને ભાગ્યશાળી નથી.દેવીનું વચન સાંભળી કર્મસાર ઉઠયો. એકવીસ ઉપાવસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તો ચિંતામણિ રત્ન આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો ત્યારે પુણ્યસારે કહ્યું, "ભાઈ ખેદ કરીશ નહીં. આ ચિંતામણિરત્નથી તારી કાર્યસિદ્ધિ થશે.” પછી બને ભાઈ આનંદ પામી પાછા વળ્યા અને એક વહાણ ઉપર ચઢયા. રાત્રે પૂર્ણ ચંદ્રમાનો ઉદય થયો ત્યારે હોટા ભાઈએ કહ્યું, "ભાઈ! ચિંતામણિરત્ન કાઢ, આપણે જોઈએ કે, રત્નનું તેજ વધારે છે કે ચંદ્રમાનું તેજ વધારે છે?” પછી વહાણના કાંઠા ઉપર બેઠેલા ન્હાના ભાઈએ દુર્દેવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચંદ્રમાં ઉપર એમ આમતેમ દષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડ્યું. તેથી પુણ્યસારના સર્વ મનોરથનો ભંગ થયો. પછી એક સરખા દુ:ખી થયેલા બન્ને ભાઈ પોતાને ગામે આવ્યા.
એક સમયે તેમણે બન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પોતાનો પૂર્વભવ પૂછયો ત્યારે જ્ઞાનીએ કહ્યું "ચંદ્રપુરનગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા એક સમયે શ્રાવકોએ ઘણું એકઠું થયેલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સોંપ્યું. તે બન્ને શેઠો સોંપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પોતાને માટે કોઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું. અને પાસે બીજું દ્રવ્ય ન હોવાથી એ પણ જ્ઞાનનું જ કામ છે એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી બાર દ્રમ્મ લખનારને આપ્યા.
જિનદાસ શેઠે તો એક દિવસ વિચાર કર્યો કે, "સાધારણ દ્રવ્ય તો સાતે ક્ષેત્રે વપરાય છે, તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મારા કામને અર્થે વાપરું તો શી હરકત છે?" એમ વિચારી કાંઈ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે બીજુ નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દ્રમ્મ ઘરકામમાં વાપર્યા. પછી તે બન્ને જણા કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. ૦ વીશ કોડીએ એક કાંકિણી, ચાર કાંકિણીએ એક પણ, અને તેવા સોળ પણે એક દ્રમ્મ થાય.