________________
૧૫૫
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તે જ વખતે પંચમુષ્ટિ લોચ કર્યો, દેવતાઓએ આવી સાધુનો વેષ આપ્યો. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યા. પછી પશ્ચાત્તાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા; અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની જેમ અપ્રતિબદ્ધ વિહાર કર્યો. (સાધુના કલ્પને અનુસરી વિહાર કરતાં અને દુઃખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને તેની પછવાડે તેની સ્પર્ધાથી જ કે શું! મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું
(ચિત્રગતિ મુનિ રાજા પ્રત્યે કહે છે કે, તે હું જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારો મોહ દૂર કરવા માટે અહીં આવ્યો. હવે બાકીનો સમગ્ર સંબંધ કહું છું. વસુમિત્રનો જીવ દેવલોકમાંથી અવીને તું રાજા થયો, અને સુમિત્રનો જીવ આવીને તારી પ્રીતિમતી નામે રાણી થઈ એ રીતે તમારી બંનેની પ્રીતિ પૂર્વભવથી દઢ થયેલી છે. પોતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણે જણાવવા કોઈ કોઈ વખત સુમિત્રે કપટ કર્યું, તેથી તે સ્ત્રીપણું પામ્યો. ખેદની વાત છે કે, સમજુ મનુષ્યો પણ પોતાનું હિત અને અહિત જાણવામાં મુંઝાઈ જાય છે. "મહારા કરતાં પહેલાં મારા ન્હાના ભાઈને પુત્ર ન થાઓ.” એમ ચિંતવ્યું, તેથી આ ઘણા વખત પછી પુત્ર થયો. એક વાર કોઈનું ખોટું ધાર્યું હોય તો પણ તે પોતાને ઘણું જ આકરૂં ફળ આપ્યા વગર રહે નહીં.
ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સવિધ જિનેશ્વરને પૂછયું કે, હું અહીંથી આવીને કયાં ઉત્પન્ન થઈશ? ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થયાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, "માતા-પિતા ધર્મ પામ્યા ન હોય, તો પુત્રને ધર્મની સામગ્રી કયાંથી મળે? મૂળ કૂવામાં જો પાણી હોય, તો જ પાસેના હવાડામાં સહજથી પાણી આવે.” એમ વિચારી પોતે બોધિબીજનો લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તને સ્વપ્ન દેખાડીને બોધ કર્યો. એ રીતે ભવ્ય જીવો દેવતાના ભવમાં છતાં પણ પરભવે બોધિલાભ થવાને અર્થે ઉદ્યમ કરે છે. બીજા કેટલાક લોકો મનુષ્યભવમાં છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બોધિરત્નને (સમ્યકત્વ)ને ખોઈ બેસે છે.
તે સમ્યકત્વધારી દેવતા (ધન્યનો જીવ) સ્વર્ગથી અવીને તમારો પુત્ર થયો. એની માતાને સારા સ્વપ્ન આવ્યાં અને સારાં દોહલા ઉત્પન્ન થયા, તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યની પછવાડે તેનો પ્રકાશ અને મેઘની પછવાડે વીજળી જાય છે. તેમ એની પછવાડે પૂર્વભવથી ભક્તિ આવેલી છે. તેથી દોહલા અને સ્વપ્નાં સારાં આવ્યાં.
ગઈ કાલે એને જિનમંદિરે લઈ ગયા, ત્યારે ફરીફરીને જિનપ્રતિમાને જોવાથી અને હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂર્છા આવી અને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવનું સર્વ કૃત્ય એની યાદમાં આવ્યું. ત્યારે એણે પોતાના મનથી જ એવો નિયમ લીધો કે, "જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યા વિના હારે વાવજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કલ્પે.”