________________
૮૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ પચ્ચખાણ કરવું. વિવેકી પુરુષે સદ્ગુરુની પાસે સમ્યકત્વ-મૂળ શ્રાવકનાં યથાશક્તિ બારવ્રત અંગીકાર કરવાં. એ બારવ્રતને અંગીકાર કરવાથી સર્વ પ્રકારથી વિરતિપણું મળવાનો સંભવ રહે છે. વિરતિવંતને મહાફળની પ્રાપ્તિ થાય છે. અવિરતિને તો નિગોદીયા જીવોની જેમ મન, વચન, કાયાના વ્યાપાર ન હોવા છતાં પણ બહુ કર્મબંધાદિ મહાદોષનો સંભવ થાય છે. કહ્યું છે કે:- "જે ભાવવાળા ભવ્ય પ્રાણીએ થોડી પણ વિરતિ કરી છે તેને દેવતા પણ ચાહે છે, કેમકે તે વિરતિ (પચ્ચકખાણ) દેવતા પોતે કરી શકતા નથી. એકેન્દ્રિય જીવો કળવાહાર નથી કરતા, પણ વિરતિપરિણામના અભાવથી તેઓને ઉપવાસનું ફળ મળતું નથી. મન, વચન, કાયાથી પાપ કરતા નથી તો પણ અનંતકાળ સુધી એકેન્દ્રિય જીવો એકેન્દ્રિયપણે જે રહે છે તે પણ અવિરતિનું જ ફળ છે. તિર્યંચો (અચ્છાદિક) કોરડા, આર, ભારવહન, વધ, બંધન વિગેરે સેંકડો દુઃખ પામે છે, તે જો પૂર્વ ભવમાં વિરતિ કરી હોત તો પામત નહીં.”
અવિરતિના ઉદયથી દેવતાઓની જેમ ગુરુ-ઉપદેશાદિકનો યોગ છતાં પણ નવકારશી માત્રનું પચ્ચકખાણ ન કીધું એવા શ્રેણિક રાજાએ ક્ષાયિક સમકિત હોવા છતાં અને વળી ભગવંત મહાવીરસ્વામીની વારંવાર વાણી સાંભળવા છતાં પણ કાગડા પ્રમુખના માંસ માત્રનું પચ્ચક્કાણ ન કીધું. પચ્ચખાણ કરવાથી જ અવિરતિને જીતાય છે. પચ્ચકખાણ વળી અભ્યાસથી થાય છે. અભ્યાસથી જ સર્વ ક્રિયામાં કુશળપણું આવે છે. અનુભવસિદ્ધ છે કે, લેખનકળા, પઠનકળા, ગણિતકળા, ગીતકળા, નૃત્યકળા વિગેરે સર્વ કળાઓ અભ્યાસ વિના સિદ્ધ થતી નથી, માટે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે. કહેવું છે કે :
अभ्यासेन क्रिया सर्वा अभ्यासात्सकलाः कलाः ।
अभ्यासाद्धयानमौनादिः, किमभ्यासाय दुष्करम् ॥ અભ્યાસથી સર્વ ક્રિયા, સર્વકળા અને ધ્યાન - મૌનાદિક સિદ્ધ થાય છે. અભ્યાસને શું દુષ્કર છે? નિરંતર વિરતિ પરિણામનો અભ્યાસ રાખ્યો હોય તો પરલોકમાં પણ તે પાછળ આવે છે. કહેલ
जं अब्भसेइ जीवो, गुणं च दोसं च एत्थ जम्मंमि ॥
तं पावइ परलोए, तेणय अभासजोएण ॥ ગુણ અથવા દોષનો જેવો અભ્યાસ જીવ આ ભવમાં કરે તે ગુણ અને દોષ અભ્યાસના લીધે પરભવમાં પણ આવે છે. આ સ્થળને વિષે શ્રાવકે અને શ્રાવિકાએ પોતાની ઈચ્છાથી પરિમાણ કેટલું રાખવું? તેની સવિસ્તાર વ્યાખ્યા કરવી જોઈએ. જેથી સારી રીતે જાણી, ઈચ્છા મુજબ પરિમાણ રાખી નિયમનો સ્વીકાર કરે તો તેનો ભંગ ન થાય, નિયમ તો વિચાર કરીને એવી રીતે જ લેવો કે, જે રીતે આપણે પાળી શકીએ, સર્વ નિયમોમાં સહસાનાભોગાદિ ચાર આગાર છે એ ધ્યાનમાં રાખવા, માટે અનુપયોગથી અથવા સહસાગારાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તો પણ નિયમનો ભંગ થતો નથી, પણ અતિચાર માત્ર થાય છે. જાણી જોઈને નિયમ કરતાં વધારે લેશમાત્ર પણ ગ્રહણ ૦ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં.