________________
પ્રકાશકીય
ગણિત અને જ્યોતિષના વિષયને વર્ણવતાં બે હજાર વર્ષ પ્રાચીન શ્રીજ્યોતિષ્મદંડક ગ્રન્થને સુવિખ્યાત ટીકાકાર આ.શ્રી મલયગિરિસૂરિજીની ટીકા અને તેના અનુવાદ સાથે પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
આ ગ્રન્થ ટીકા સાથે ઈ.સ. ૧૯૨૮માં પ્રગટ થયેલો. આગમોદ્વારક પૂ.આ.ભ.શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. સંપાદિત આ ગ્રન્થનું પ્રકાશન ઋષભદેવજી કેશરીમલજી સંસ્થા રતલામ દ્વારા ૮૪ વર્ષ પૂર્વે થયેલું.
પ્રસ્તુત પ્રકાશન માત્ર પુનર્મુદ્રણ નથી પરંતુ પાછળથી મળેલી પ્રતિઓના આધારે આ.પ્ર. મુનિશ્રી પુણ્યવિજયજી મ.સા.એ કરેલી શુદ્ધવાચનાનો આ સંસ્કરણમાં સંપાદકશ્રીએ લાભ લીધો છે. એમાં મળતી અધિક ગાથાઓનો ટિપ્પણમાં સમાવેશ પણ કર્યો છે. મૂળ અને ટીકાનો ગુજરાતી અનુવાદ સહુ પ્રથમવાર પ્રગટ થઈ રહ્યો છે તે પણ આ સંસ્કરણની વિશેષતા છે. પૂ. મુનિરાજશ્રી પાર્શ્વરત્ન સાગરજી મ.સા.એ ભારે જહેમતથી આ ગ્રંથનો સંપૂર્ણ અનુવાદ તૈયાર કરેલ છે. એ માટે અમારી સંસ્થા પૂ. મુનિરાજ શ્રીની શ્રુતોપાસનાની ખૂબ ખૂબ અનુમોદના કરે છે અને ભવિષ્ય માં પણ તેઓ આવા ગ્રંથ સર્જન દ્વારા અમારી સંસ્થાની ગ્રંથમાળામાં નવા નવા મણકા ઉમેરતા રહે એવી અમો આશા રાખીએ છીએ.
પૂ.આ.ભ. અરવિંદસૂરિશ્વરજી મ.સા. પૂ.આ.ભ. શ્રી યશોવિજયસૂરિ મ.સા. પૂ.આ.ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા.નું સતત માર્ગદર્શન આ ગ્રન્થમાળાના પ્રકાશનો માટે મળી રહ્યું છે. તેઓની કૃપાથી જ આ ગ્રન્થમાળામાં અનેક અનેક સુંદર પ્રકાશનો થયા છે થઈ રહ્યા છે. ઉપકારી ગુરુભગવંતોના ચરણે વંદના.
આ ગ્રન્થનો અધિકારી વિદ્વાનો અધ્યયન-અધ્યાપન કરી સ્વાધ્યાયાદિ કરી આગમના રહસ્યોને હૃદયસ્થ આત્મસ્થ કરે એજ પ્રાર્થના.
લી.
પ્રકાશન