________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ :- “જેનું ચિત્ત ઈન્દ્રિયોના વિષયોને છોડીને સમાધિસુખનું લાલસુ (તલ્લીન) થયું છે, તેવા મગ્નતા ગુણ ધારણ કરનારને નમસ્કાર છે.”
મગ્નતા ગુણનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે આ જીવ અનાદિ કાળથી પુદ્ગલના સ્કન્ધથી ઉત્પન્ન થયેલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ વગેરે વિષયોમાં ભ્રમણ કરતાં કરોડો કલ્પના કરીને ઈષ્ટ વિષયોને ઈચ્છતો સતો વાયુએ ઉપાડેલા પલાશના સૂકાં પાંદડાંની જેમ ભટક્યા કરે છે. તે જીવ કોઈ વખત સ્વપરના વિવેકરૂપ ભેદજ્ઞાનને પામીને અનન્ત જ્ઞાનદર્શનના આનંદવાળા આત્મભાવનો સત્તાપણે નિશ્ચય કરીને પછી ‘આ વિભાવથી ઉત્પન્ન થયેલું સુખ મારું નહીં, હું તેનો ભોક્તા નહીં. એ તો માત્ર ઉપાધિ જ છે, મેં આજ સુધી આ પરવસ્તુઓમાં મમતા રાખીને તેનો કર્તા, ભોક્તા (ભોગવનાર) અને ગ્રાહક (ગ્રહણ કરનાર) હું છું એમ જે માન્યું હતું તે યોગ્ય નથી. ત્રિકાળજ્ઞ કેવળી ભગવાનના વાક્યરૂપી અંજન વડે જેને સ્વપરનો વિવેક પ્રાપ્ત થયેલો છે, તેને પરવસ્તુમાં રમણરૂપ આસ્વાદન યોગ્ય નથી.” એવી રીતે વિચાર કરીને આત્માને અનન્ત આનંદમય જાણી ૫રમાત્મસત્તારૂપ સ્વરૂપમાં મગ્ન થાય છે. આવો માણસ મગ્નતા ગુણને ધારણ કરનાર કહેવાય છે.
આ મગ્નતા ગુણ નયનિક્ષેપાદિક વડે ઘણા પ્રકારનો છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. ધન અને મદિરાપાન વગેરેમાં જે મગ્ન હોય તે દ્રવ્યમગ્ન કહેવાય છે. અથવા દ્રવ્યમગ્નના બે પ્રકાર જાણવા. આગમથી મગ્ન અને નોઆગમથી મગ્ન. તેમાં આગમથી મગ્ન એટલે પદાર્થોને જાણે, પણ તેમાં ઉપયોગ વર્તે નહીં તે અને નોઆગમથી મગ્ન પૂર્વે કહ્યા પ્રમાણે ધન-મદિરાદિકમાં મગ્ન હોય તે. તચતિરિક્ત તે મૂઢ, શૂન્ય, જડ હોય તે. ભાવમગ્ન બે પ્રકારે છે, અશુદ્ધ અને શુદ્ધ. તેમાં અશુદ્ધ ભાવમગ્ન તે નિરંતર ક્રોધાદિકમાં મગ્ન, વિભાવમાં આત્માને ભાવનારો. શુદ્ધ ભાવમગ્નના બે પ્રકાર છે, તેમાં પ્રથમ સાધક એટલે આત્મસ્વરૂપને સાધનાર તે આત્મસ્વરૂપની સન્મુખ રહેલો. નયની અપેક્ષાએ વિચારીએ તો પહેલા ચાર નયની અપેક્ષાએ વિધિ સહિત બાહ્ય સાધનામાં પ્રવૃત્તિ કરનાર અને વસ્તુસ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છાવાળો સાધક કહેવાય છે અને શબ્દાદિક ત્રણ નયની અપેક્ષાએ તો સમ્યગ્દર્શન, જ્ઞાન અને સંયમ વગેરે આત્મસમાધિમાં મગ્ન થયેલો સાધક કહેવાય છે. બીજો સિદ્ધમગ્ન તે આવરણ રહિત સંપૂર્ણ વસ્તુસ્વરૂપમાં મગ્ન થયેલો જાણવો.
અહીં જ્ઞાનાદિક આત્મસ્વરૂપમાં મગ્નપણું ગુણાન્વિત જાણવું. પરભાવમાં આસક્ત થયેલામાં ખરું મગ્નપણું જાણવું નહીં. કહ્યું છે કે
स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः ।
कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥१॥
ભાવાર્થ :- “જગતના તત્ત્વનું અવલોકન કરનાર સ્વભાવસુખમાં મગ્ન થયેલાને અન્ય ભાવોનું કર્તાપણું હોતું નથી, માત્ર સાક્ષીપણું જ અવશેષ રહે છે.”
૧. આત્માથી વ્યતિરિક્ત પુદ્ગલાદિક સર્વ વિભાવ કહેવાય છે.