________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ તે બોલી કે, “મારે તમારાથી બીજો કોઈ અધિક નથી.” એમ કહીને તે મારી દૃષ્ટિ ચૂકાવીને પેલા જારવાલા સ્થળની પૂજા કરવા ગઈ. મેં તે જાણીને કહ્યું કે “હે અપ્રાથ્યપ્રાર્થિકે! (મૃત્યુને માગનારી!) હજુ સુધી તું તારું ચરિત્ર છોડતી નથી.” ત્યારે તેણે જવાબ આપ્યો કે “મેં કોઈપણ વખત તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, હું કોઈ વખત કડવું વચન પણ બોલી નથી અને શા માટે કારણ વિના ઠપકો આપો છો?” એમ બોલીને ક્રોધથી અશ્રુપાત કરતી તેણે તપાવેલા તેલથી ભરેલો લોઢાનો તવો મારી ઉપર ફેંક્યો. તેમાંથી ઉછળતા તેલના બિંદુઓ એટલા બધા મારા શરીર ઉપર પડ્યા કે મારા શરીરની બધી ચામડી નાશ પામી ગઈ..
પછી હું ભયથી એકદમ નાસીને મહામુશ્કેલીએ મારી માના ઘરમાં પેસી ગયો. ત્યાં જતા જ હું મૂછ ખાઈને પડી ગયો. મારા સ્વજનોએ મને શતપાક તૈલ વગેરે ઉપચારો કરીને સાજો કર્યો. પછી મેં સર્વ કુટુંબને સત્ય વૃત્તાંત કહીને સાધુ પાસે આવી ધર્મોપદેશ સાંભળીને વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. અત્યારે પણ તે ભયનું મને સ્મરણ થયું.” તે સાંભળીને અભયકુમાર બોલ્યા કે, હે પૂજય! તમે તો બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના ભયથી રહિત છો, પણ અમે જ કર્મના સમૂહથી ભારે થતાં સર્વે ભયની મધ્યે રહીએ છીએ.” ઈત્યાદિ ઘણી રીતે તેમની પ્રશંસા કરીને અભયકુમારે રાત્રિ પોસહ પૂર્ણ કર્યો.
સૂર્યોદય થયો ત્યારે મંત્રી ઉપાશ્રયની બહાર નીકળ્યા. ત્યાં કાયોત્સર્ગમાં તત્પર અંત:કરણવાળા સુસ્થિતમુનિના કંઠમાં પેલો હાર જોઈને તેણે વિચાર્યું કે, “અહો ! રાત્રિના દરેક પ્રહરે તે ચારે મુનિઓ “મહાભય પ્રાપ્ત થયો” એમ બોલ્યા હતા તે સત્ય છે; કેમકે નિઃસ્પૃહ મુનિઓને તો કાંચન મહાભય રૂપ જ છે. અહો ! સાધુઓની નિર્લોભતા કેવી છે ! રાજ્ય સમાન દિવ્ય હાર જોઈને પાંચમાંથી કોઈએ કિંચિત્ પણ લોભ કર્યો નહીં. ખરેખર સર્વ ભયો લોભમાં જ રહેલા છે. આ પ્રમાણે વિચારી સુસ્થિતમુનિને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તથા સ્તુતિ કરીને અભયકુમાર બોલ્યા કે “અહો ! તમે જ ખરેખર લોભને જીત્યો છે.” પછી તે હાર મુનિના કંઠથી પોતે જ ઉતારીને હર્ષ પામતા રાજસભામાં જઈ શ્રેણિક રાજાને આપ્યો, અને રાત્રિનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે “મુનિઓના ગુણની સ્તુતિ વગેરે કરવાથી અનન્ત ભવના દુઃખ-ચિંતાદિકનો નાશ થાય છે. તો પછી તમારી ઐહિક ચિંતાનો નાશ થાય તેમાં તો કહેવું જ શું! તેમના મહિમાથી સ્વયમેવ સર્વ દુઃખનો ક્ષય થાય છે.
ઉપાશ્રયની બહાર કાયોત્સર્ગમાં ઉભા રહેલા સુસ્થિત સાધુ ચારે પ્રહર સુધી યોગમાં નિશ્ચલ રહ્યા, તે છેલ્લા તપાચારને આચરતા સદ્ગુણી મુનીશ્વરની હું સ્તુતિ કરું છું.”
O