________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૫૭
આર્તધ્યાને મૃત્યુ પામી કોઈક ગામમાં કૂતરી થઈ. ત્યાં તે વસુભૂતિ મુનિને ગૌચરી માટે ફરતા જોઈને પૂર્વરાગના વશથી તે કૂતરી શરીરની છાયાની જેમ તે મુનિની સાથે જ ચાલવા-રહેવા લાગી. સર્વ કાળે અને સર્વ સ્થાને તે કૂતરીને સાથે રહેતી જોઈને લોકો તે મુનિને શુનીપતિ (કૂતરીનો સ્વામી) કહેવા લાગ્યા. આવા લોકવાક્યથી લજ્જા પામીને મુનિ કોઈ પ્રકારે તે કૂતરીની દૃષ્ટિ ભૂલાવી ત્યાંથી જતા રહ્યા. મુનિને નહિ જોવાથી તે કૂતરી આર્ત્તધ્યાનથી મૃત્યુ પામી કોઈ વનમાં વાનરી થઈ. ત્યાં પણ કોઈવાર વસુભૂતિ મુનિને માર્ગમાં વિચરતા જોઈને કૂતરીની જેમ તેમની પાછળ પડી ને સાથે જ ફરવા લાગી. તેવી રીતે જોઈને લોકો મુનિને વાનરીપતિ કહેવા લાગ્યા.
જેમ જેમ લોકો મુનિને વાનરીપતિ કહેતા, તેમ તેમ તે વાનરી અત્યંત હર્ષ પામતી અને હંમેશા મુનિની પાસે વિષયની ચેષ્ટા કર્યા કરતી. આ સર્વ જોઈને મુનિ વિચારતા કે “અહો ! મારા કર્મની ગહન ગતિ છે !” પછી શુનીની જેમ આ વાનરીને પણ કોઈ પ્રકારે ભૂલાવો ખવરાવીને મુનિ જતા રહ્યા, એટલે તે વાનરી પણ આર્તધ્યાનથી મૃત્યુ પામીને કોઈ જલાશયમાં હંસી થઈ. તે જલાશય પાસે તે મુનિ એકદા શીતપરિષહ સહન કરવા માટે પ્રતિમા ધારણ કરીને ઊભા હતા, તેને જોઈને હંસી કામાતુર બની ગઈ, તેથી બે હાથ વડે સ્ત્રીની જેમ પાણીથી ભીંજાયેલી બન્ને પાંખો વડે તેણે મુનિને આલિંગન કર્યું અને વારંવાર કરુણ સ્વરે અવ્યક્ત મધુર અને વિરહ વેદનાવાળી વાણી બોલવા લાગી. મુનિ તો શુભધ્યાનમાં જ મગ્ન રહ્યા અને ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. મુનિને નહિ જોવાથી તે હંસી આર્ત્તધ્યાન વડે તેનું જ સ્મરણ કરતી મૃત્યુ પામીને વ્યન્તર નિકાયમાં
દેવી થઈ.
ત્યાં તેણે વિભંગ જ્ઞાનથી પોતાનો અને મુનિનો સર્વ સંબંધ જાણીને “આ મારા દિયરે મારું વચન માન્યું નથી.” એ વાત સંભારી ક્રોધાયમાન થઈને તે મુનિને હણવા તૈયાર થઈ, પણ મુનિના ધ્યાનતપના પ્રભાવથી તે તેને મારી શકી નહિ. પછી તે દેવી મુનિની પાસે પોતાની દિવ્ય શક્તિથી અનેક સ્ત્રીઓના રૂપો વિકુર્તીને બોલી કે “હે મુનિ ! તમે શું વિચારો છો ? તમારું સંયમ સઘઃ સફળ થયું છે, માટે આ દિવ્ય ભોગ ભોગવો. હવે શા માટે ફોગટ તપ કરો છો ? તમારી વયને યોગ્ય પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું સુખ અંગીકાર કરો.” ઈત્યાદિ પ્રતિકુળ અનેક ઉપસર્ગો તે દેવીએ કર્યા, પણ મુનિ કિંચિત્ માત્ર ક્ષોભ પામ્યા નહીં. તેઓ વિચારવા લાગ્યા કે “સંસારમાં આસક્ત થયેલા બાહ્યદૃષ્ટિવાળા જીવોને સુંદર સ્ત્રી અમૃતના ઘડા જેવી લાગે છે, તે સ્રીને માટે ધન ઉપાર્જન કરે છે અને તેને જ માટે મોહનિમગ્ન થઈને રાવણાદિકની જેમ પ્રાણનો પણ ત્યાગ કરે છે, પરંતુ જેઓ નિર્મળ અને એકાન્ત આનંદમય આત્મસ્વરૂપને જોવામાં દક્ષ થયેલા છે તેઓને તો આ સ્ત્રીઓ મળ, મૂત્ર, માંસ, મેદ, અસ્થિ મજ્જા અને શુક્ર વગેરે અશુચિ પદાર્થનું પાત્ર માલમ પડે છે. તેવી સ્ત્રીઓનો ત્યાગ કરનાર જંબૂસ્વામી વગેરે જ સર્વોત્તમ છે.” ઈત્યાદિ નિર્મળ ધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી સર્વ લોકોની સમક્ષ પોતાનો અને તે દેવીનો સર્વ સંબંધ કહીને અનુક્રમે તે મુનિ મુક્તિપદને પામ્યા.