________________
૩૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ હવે પેલી સુજસિરિ ગોવિંદના ઘરમાં રહેતી હતી ત્યાંથી તેને લોભ પમાડીને એક આભીરી પોતાને ઘેર લઈ ગઈ. ત્યાં દૂધ, દહીં વગેરે ખાઈને તે મનોહર રૂપવાળી થઈ. તેનો પિતા જે સુજ્જશિવ હતો તે મનુષ્ય અને પશુનો ક્રયવિક્રય કરવા વડે પાંચ મહોર મેળવી ફરતો-ફરતો એકદા રાત્રિ રહેવા માટે તે આભીરીને ઘેર આવ્યો. ત્યાં પોતાની પુત્રી સુજસિરિના રૂપથી મોહ પામીને ઘણા દ્રવ્યનો વ્યય કરી તેને પરણ્યો. એકદા બે સાધુને જોઈને સુજસિરિના નેત્રમાં જળ ભરાયું. તેનું કારણ તેના પતિએ પૂછયું ત્યારે તે બોલી કે “મારા સ્વામી ગોવિંદની પત્ની આવા ઘણા સાધુઓને પ્રતિભાભીને પંચાંગ નમસ્કાર કરતી હતી, તેનું સ્મરણ થવાથી મને શોક થાય છે.”
તે સાંભળીને સુજ્જશિવે તેને પોતાની પુત્રી તરીકે ઓળખી અને તેણે પણ પોતાના પિતા તરીકે સુજ્જશિવને ઓળખ્યો. તેથી તે બને લજ્જિત થયા. પછી તે બન્ને અગ્નિમાં બળી મરવાનો નિશ્ચય કરી ચિતા ખડકીને તેમાં પેઠા, પણ કાષ્ઠ નિર્દાહક જાતિના હોવાથી અગ્નિ પણ બૂઝાઈ ગયો. લોકોએ તેમનો અત્યંત તિરસ્કાર કર્યો, એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. અનુક્રમે એક મુનિ મળ્યા, એટલે તેની પાસે સુજ્જશિવે દીક્ષા લીધી. સુજસિરિ ગર્ભવતી હતી, તેથી તેને દીક્ષા આપી નહીં. પછી તે ગર્ભના દુઃખથી વિચાર કરવા લાગી કે “આ ગર્ભને વિવિધ પ્રકારના ક્ષારાદિકના ઉપાયથી પાડી નાંખું.” ઈત્યાદિ રૌદ્રધ્યાન કરતી સતી પ્રસવની વેદનાથી મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ.
તેના ગર્ભથી નવા જન્મેલા પુત્રને કોઈ કૂતરાએ મુખમાં લઈને એક કુંભારના ચક્ર ઉપર મૂક્યો. કુંભારે તેને પુત્ર તરીકે રાખ્યો. સુસઢ તેનું નામ પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. એકદા તે સુસઢ મુનિના ઉપદેશથી બોધ પામી દીક્ષા ગ્રહણ કરી; પરંતુ જપતપાદિમાં તેમજ વ્રતનું આચરણ કરવામાં ને ક્રિયામાં શિથિલાચારી થયો. ગુરુએ તેને ઘણો ઉપદેશ આપ્યો તો પણ તેણે શિથિલપણું છોડ્યું નહીં. છેવટ તે કાળ કરીને પહેલા દેવલોકમાં સામાનિક દેવતા થયો. ત્યાંથી અવીને તે ભરતક્ષેત્રમાં વાસુદેવ થશે. ત્યાંથી સાતમી નરકે જઈને હાથી થશે, ત્યાંથી અનન્તકાયમાં ઉત્પન્ન થશે. ઈત્યાદિ બહુ કાળ સુધી ભમીને અત્તે તે સિદ્ધિપદને પામશે.” આ સુસઢની કથા નિશીથસૂત્રમાં કહેલી છે, તે અહીં ટુંકામાં પ્રસંગે કહેવામાં આવી છે.
“ઉત્તમ જીવે આલોચના લેતી વખતે નિરંતર કુટિલપણાનો અવશ્ય ત્યાગ કરવો. આગમના અર્થને જાણનાર પુરુષોએ આલોચના દેવી તેમ જ લેવી, કેમકે આલોચનાની ઈચ્છા માત્ર પણ શુભ ફળદાયક છે.”
૧. બળે સળગે નહિ એવી જાતના.