________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૮૭
શ્રેષ્ઠિએ જિનચૈત્ય, જિનબિંબ, પુસ્તક અને ચતુર્વિધ સંઘ એ સાતે ક્ષેત્રમાં ઘણું ધન ખરચ્યું. એ પ્રમાણે હંમેશા દ્રવ્યપૂજા, ભાવપૂજા કરતાં ધનસાર શ્રેષ્ઠિ સમકિત પામી, દેવનું આયુષ્ય બાંધી મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ સ્વર્ગમાં દેવતા થયાં. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થઈ સદ્ગુરુ સમીપે દીક્ષા લઈ મુક્તિસુખને પામશે.
“આ શ્રાદ્ધધર્મી ધનસાર શ્રેષ્ઠિએ જિનેશ્વરની પૂજાનું ફળ શીઘ્રપણે આ ભવમાં જ મેળવ્યું અને પછીના ભવમાં ચારિત્ર લઈને ભાવપૂજાની વિશુદ્ધિ વડે તે મુક્તિને પામ્યો. તેનું દૃષ્ટાંત સાંભળીને અન્ય ભવ્ય પ્રાણીઓએ પણ દ્રવ્ય તથા ભાવ એ બન્ને પ્રકારની પૂજા અવશ્ય કરવી.’
૩૩૪
ધ્યાન
ध्याता ध्यानं ध्येय - मेकतावगतं त्रयम् ।
तस्य ह्यनन्यचित्तस्य, सर्वदुःखक्षयो भवेत् ॥१॥
ભાવાર્થ ઃ- “ધ્યાન કરનાર, ધ્યાન અને ધ્યેય તે ધ્યાતાને યોગ્ય - એ ત્રણેની એક્યતારૂપ ધ્યાન જેને પ્રાપ્ત થયેલું છે તે એકાગ્ર ચિત્તવાળાના-તદ્રુપ ચેતનાવાળાના અર્હત્સ્વરૂપ ને આત્મસ્વરૂપને તુલ્ય ઉપયોગપણે ગ્રહણ કરનારા આત્મિક ગુણને આવરણ કરનારા-રોકનારા સર્વ દુઃખોનો (સર્વ કર્મોનો) ક્ષય થાય છે.” આ પ્રસંગમાં ક્ષપકમુનિનો સંબંધ છે તે આ પ્રમાણે –
ક્ષપકમુનિની કથા
કોઈ એક મુનિ નિરંતર માસક્ષપણાદિક અનેક દુષ્કર તપસ્યાનું આચરણ કરતા હતા. એક ઉદ્યાનમાં રહીને આત્મસ્વરૂપનું ધ્યાન કરતા હતા. તેમના ગુણથી પ્રસન્ન થયેલી કોઈ દેવી હમેશાં તે મુનિને વંદન કરી તથા સ્તુતિ કરીને કહેતી કે ‘હે મુનિ ! મારા પર પ્રસાદ કરીને મારા યોગ્ય કાંઈ કાર્ય બતાવશો.’ એકદા તે મુનિ કોઈ બ્રાહ્મણના દુષ્ટ વચન સાંભળીને ક્રોધ પામી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. મુનિ તપસ્યા વડે અતિ કૃશ થયેલા હોવાથી તે બ્રાહ્મણે તેને મુષ્ટિ વગેરેના પ્રહારથી મારીને પૃથ્વી પર પાડી નાખ્યા. ફરીથી મુનિ ક્રોધ કરીને યુદ્ધ કરવા લાગ્યા, તો પણ તેને તે બ્રાહ્મણે પ્રહાર કરી પાડી નાખ્યા. એમ અનેક વાર તે બ્રાહ્મણે તેમને પ્રહારાદિક વડે જર્જરિત કરી નાખ્યા, એટલે તે મુનિ પરાજય પામીને માંડ માંડ પોતાને સ્થાને આવ્યા. બીજે દિવસે પ્રાતઃકાળમાં હંમેશની જેમ તે દેવીએ આવીને મુનિને વંદના કરી, પણ મુનિએ દેવીની સામું પણ જોયું નહીં, તેમ કાંઈ બોલ્યા પણ નહીં; તેથી તે દેવીએ પૂછ્યું “હે સ્વામી ! કયા અપરાધથી મારી સાથે આજે તમે બોલતા નથી ?” મુનિ ઉચ્ચ સ્વરે બોલ્યા કે “કાલે પેલા બ્રાહ્મણે મનો માર્યો તો