________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ઈત્યાદિ સ્તુતિ કરતા શ્રીકૃષ્ણને છોડીને તે નિઃસ્પૃહી મુનિ આગળ ચાલ્યા. આ સર્વ હકીકત કોઈ ગૃહસ્થ પોતાના ગોખમાં બેઠા-બેઠા જોઈ, તેથી તેણે વિચાર કર્યો કે “અહો ! આ કોઈ મહામુનિ છે કે જેને શ્રીકૃષ્ણ પોતે વંદના કરી.” એમ વિચારી નીચે ઉતરીને તે ગૃહસ્થ મુનિને પોતાને ઘેર લઈ જઈને સિંહકેસરીઆ મોદક વહોરાવ્યા. તે લઈને મુનિ પ્રભુ પાસે ગયા. પ્રભુના ચરણને નમીને મુનિ બોલ્યા કે “હે સ્વામી ! આજે મારો અભિગ્રહ પરિપૂર્ણ થયો.” પ્રભુ બોલ્યા કે “હે ઢંઢણ ! એ આહાર તારી લબ્ધિથી તને મળ્યો નથી, પણ હરિએ તારી સ્તુતિ કરી તેથી તે વણિકે તને પ્રતિલાભિત કર્યો છે, માટે તે હરિની લબ્ધિથી મળ્યો છે.”
આ પ્રમાણે પરમાત્માનું વચન સાંભળીને હૃષ્ટતુષ્ટ થયેલા મુનિ અત્યંત પ્રીતિભાવ પામ્યા. ઘણે માસે આહાર મળ્યા છતાં પણ લોલુપતા અને ઉત્સુકતાદિક દોષથી રહિત, અભિગ્રહમાં આસક્ત અને પ્રભુના પરમભક્ત એવા તે નિઃસ્પૃહમુનિએ વિચાર્યું કે “પરની લબ્ધિથી મળેલી આ ભિક્ષા ત્યાગ કરવા યોગ્ય છે.” એમ વિચારીને તે મુનિ ઈંટ પકવવાના નીંભાડા પાસે ગયા અને
ત્યાં શુદ્ધ અંડિલમાં તે મોદકનું ચૂર્ણ કરીને રાખમાં નાખતા-નાખતા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા કે “અહો ! અભિગ્રહની અપેક્ષા વિનાનો જે આહાર તેના અભિલાષી થયેલા મને ધિક્કાર છે, અને અહો ! ભગવાનના જ્ઞાનને ધન્ય છે કે જેણે મારા અભિગ્રહનું રક્ષણ કર્યું. સૂક્ષ્મ જ્ઞાન વિના અંતરમાં રહેલા સૂક્ષ્મ ભાવને કોણ જાણી શકે?” આ પ્રમાણે શુક્લધ્યાનમાં આરૂઢ થયેલા મુનિએ મોદકનું ચૂર્ણ કરવાના મિષથી સર્વ કર્મોને ચૂરી નાંખી તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી દેવતાઓએ રચેલા સુવર્ણકમળ પર બેસી તે કેવળી મુનિએ પોતાના જ અંતરાય કર્મ સંબંધી દેશના આપીને કહ્યું કે, “હે ભવ્ય પ્રાણીઓ ! આ પ્રમાણે અંતરાય કર્મનું ફળ જાણીને કોઈએ કોઈને પણ અન્તરાય કરવો નહીં.” પછી શ્રી જિનેશ્વર પાસે આવી પ્રભુને પ્રદક્ષિણા કરી “નમસ્તીથય' એમ બોલીને કેવળીની સભામાં બેઠા અનુક્રમે મોક્ષપદને પામ્યા.
“કર્મનું ફળ અહીં જ મળે તો તે સારું છે, કેમકે તે કર્મને જીતવા માટે તેનો પ્રતિકાર કરનાર મળી શકે; તેથી જ ઢંઢણઋષિ જિનેન્દ્રના ગુણોનું ધ્યાન કરીને સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા.”
૩૨૬
ચિત્તની એકાગ્રતા तैलपात्रधरो यद्वद्राधावेधोद्यतो यथा । क्रियास्वनन्यचित्तः स्याद्भवभीतस्तथा मुनिः ॥१॥