________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
८०
કહ્યું છે ? માટે નેમિ જ મારા સ્વામી હો. બીજાને હું મન-વચનથી ઈચ્છતી નથી.” એમ કહીને તે રાજીમતી કેટલેક કાળે શોકરહિત થઈ અને જેમ ચક્રવાકી પોતાના પતિના સમાગમની ઉત્કંઠાથી ચંદ્રોદયની રાહ જુએ, તેમ દીક્ષા લેવાની ઉત્કંઠાથી ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાની રાહ જોતી દિવસો દુઃખથી નિર્ગમન કરવા લાગી.
અહીં ભગવાને દીક્ષા લીધી, ત્યારે તેના નાના ભાઈ રથનેમિ રાજીમતીને પરણવાની વાંચ્છાથી તેને નવાં નવાં ભેટણાં મોકલવા લાગ્યો. તે જોઈ રાજીમતી એમ ધારતી કે, “પોતાના ભાઈના પ્રેમને લીધે આ રથનેમિ મને ભેટો મોકલે છે, માટે મારે તે ગ્રહણ કરવી જોઈએ.” એમ ધારીને તે ગ્રહણ કરવા લાગી. એક દિવસે વિવાહની ઈચ્છાથી રથનેમિએ રાજીમતીને પ્રાર્થના કરી, એટલે રાજીમતીએ કહ્યું કે, “મદનફળ (મીંઢોળ) સુંઘીને તું વમન કર, પછી તે વમન કરેલું ખાઈ જા.” તે બોલ્યો કે, “શું હું કૂતરો છું કે વમન કરેલું ખાઉં ?” રાજીમતી બોલી કે, “ત્યારે તમારા ભાઈએ ત્યાગ કરેલી એવી મને ભોગવવાને શા માટે ઈચ્છા કરો છો ? વળી કયો માણસ હસ્તીને છોડીને ગધેડાની ઈચ્છા કરે ? અને કયો માણસ રત્નનો અનાદર કરીને કાચના કકડાને ઈચ્છે ? હું તો જન્માંત૨માં પણ નેમિનાથ વરને જ ઈચ્છું છું, બીજાને ઈચ્છતી નથી.” ઈત્યાદિ યુક્તિથી સમજાવીને રથનેમિનો મનોરથ ભંગ કરી પાછો મોકલ્યો.
એકદા જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા નેમિનાથ પ્રભુ ગિરનાર પર સમવસર્યા. તે વખતે રાજીમતીએ ત્યાં જઈ પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુના નાના ભાઈ રથનેમિએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું.
અન્યદા જિનેશ્વરની આજ્ઞા લઈને રથનેમિ ભિક્ષાને માટે નગરીમાં ભ્રમણ કરી પાછા ફર્યા. રસ્તામાં વરસાદ પડવા લાગ્યો. તેથી તેણે વિચાર્યું કે “મારા શરીરના સંપર્કથી અપ્લાય જીવોનો વિનાશ ન થાઓ.” એમ વિચારીને તે એક ગુફામાં પેઠા. અહીં રાજીમતી પણ પ્રભુને વાંદીને પાછી વળતી હતી, તે પણ વૃષ્ટિથી ભય પામીને રથનેમિ વાળી જ ગુફામાં પેઠી. તે ગુફામાં રથનેમિ સ્થિરતા કરી રહેલા છે તેની તેને ખબર નહોતી અને પેઠા પછી પણ અંધકારને લીધે એક ખૂણામાં બેઠેલા રથનેમિને તેણે જોયા નહીં, એટલે પોતાના ભીંજાયેલા વસ્ત્રને તે નીચોવવા લાગી. તે વખતે સ્વર્ગલોકને જીતવાને માટે જ તપ કરતી હોય નહીં એવી રૂપવતી તે સાધ્વીને વસ્રરહિત જોઈને રથનેમિ સાધુ વિષયોત્કંઠિત થયા. તે વખતે “આ મુનિના ભાઈએ મારો જન્મથી આરંભીને તિરસ્કાર કર્યો છે.” એમ ધારીને કામદેવ પણ ભાઈના વેરને લીધે તે મુનિને પીડા કરવા લાગ્યો. રથનેમિ મુનિ કામવિકારથી ગ્રસ્ત થયા છતાં વિચાર કરવા લાગ્યા કે, “જાણે સમસ્ત જગતના સૌંદર્યનો પિંડ હોય એવી આ મૃગેક્ષણાને
૧. ગિરનાર પરથી ઉતરતાં રાજીમતી એક ગૂફામાં પ્રથમ જ્યાં રથનેમી કાયોત્સર્ગે રહેલા તેમાં પેઠા અને વરસાદથી ભીંજાયેલા કપડાં ઉતારીને સુકવ્યાં તે વખતે તેનું નિર્વસ્ત્ર શરીર જોઇને રથનેમિને કામ ઉપજ્યો. આ પ્રમાણે અન્યત્ર કથન છે.