________________
પરમ પૂજ્ય આચાર્યદેવેશ રાજેશ્વર રાજશેખરસૂરીશ્વરજી મ.સા.નો સંક્ષિપ્ત પરિચય
વિછીયા (ઝાલા) નિવાસી દશાશ્રીમાળી ઝવેરી શિવલાલ નાગરદાસ - માતા કાંતાબેનની કુક્ષીએ ઈન્દોરમાં જન્મ્યા ને મુંબઈમાં મોટા થયા. શ્રી રમેશભાઈ દીક્ષિત થયા પહેલા પોતાના મોટાભાઈ વિશાલવિજયજીના પ્રભાવમાં રહ્યા. ત્રણ વર્ષ તેમની પાસે રહ્યા અને કર્મગ્રંથ, તત્ત્વાર્થ, સંસ્કૃત બુક આદિનો સુંદર અભ્યાસ કર્યો. તેમની પરિપક્વતા જાણી મહાસુદ-૧૩ ના રોજ કીનોલી (મુરબાડ) મુકામે આ. શ્રી પ્રિયંકરસૂરિજી મ.સા.ના વરદ્ હસ્તે દીક્ષા વડીદીક્ષા થઈ. નામ રાખ્યું રાજશેખરવિજયજી. મુનિ શ્રી વિશાલવિજયજીના શિષ્ય તેર વર્ષના નાનકડા રાજશેખરવિજયજી દીક્ષાદિનથી જ ગુરુ સંગાથે વિચરતા રહ્યા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમની કુશાગ્ર બુદ્ધિ ખીલતી રહી. ડહાપણ ઝળકતું રહ્યું. સમર્પણભાવમાં આત્મા રંગાતો રહ્યો. થોડા વખતમાં જ વ્યાકરણ-ન્યાય-સિદ્ધાંતસાહિત્ય-સ્તવનો-સજ્ઝાયોનો અદ્ભુત અભ્યાસ કર્યો. તેઓશ્રીનો સુમધુર કંઠ દહેરાસર-ઉપાશ્રયને મંત્રમુગ્ધ કરતો રહ્યો. તેઓશ્રી અદ્ભુત કાર્યદક્ષતા ધરાવતા હતા. એ સમયે ગુરુમ. સાથે કોઈની પણ સહાય વીના આખું હિન્દુસ્તાન વિચર્યા અને શાસન પ્રભાવનાના મહાન કાર્યો-તીર્થયાત્રાઓ કરી. પૂ. મેરુસૂરિજી મ., પૂ. દેવસૂરિજી મ., પૂ. હેમચંદ્રસૂરિજી મ.ની નિશ્રામાં પોતાના ગુરુમહારાજ સાથે મોટા યોગો કર્યા અને આચાર્યપદવી સુધી પહોંચ્યા. આમ શ્રી રાજશેખરસૂરિજી સર્જક અને વ્યાખ્યાનદાતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
સંવત ૨૦૩૦ માં ગુરુ મહારાજની નિશ્રામાં રહીને પાલીતાણામાં મ્યુઝીયમ માટે ટ્રસ્ટ કાયમ કર્યું. આ સંસારનું એકમાત્ર જૈન મ્યુઝીયમ છે. પાલીતાણામાં આવ્યા અને મ્યુઝીયમ ન જોયું તેણે કશું નથી જોયું એમ કહેવું પણ અસ્થાને નહિ ગણાય. આવા અલૌકિક મ્યુઝીયમની સ્થાપના-વિકાસ-જાળવણી આદિમાં તેઓશ્રીનો અનન્ય ફાળો હતો.