________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૬૭ આ તરફ આઝભટ્ટ (આંબડે) પિતાના શ્રેય કાજે ભૃગુપુર એટલે ભરૂચમાં શકુનિકા વિહાર નામે શ્રી મુનિસુવ્રત ભગવાનના મહાપ્રાસાદનો સંવત ૧૨૨૦ માં ઉદ્ધાર કરાવ્યો. વડના ઝાડ નીચે પડેલી સમળીને નવકાર સંભળાવતા મુનિરાજના દશ્યવાળી લેપ્યમયમૂર્તિ કરાવી. મહારાજા કુમારપાળ સહિત સમસ્ત સંઘને આમંત્રી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના વરદ્હસ્તે શ્રી મુનિસુવ્રતસ્વામીની મોટા મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. પહેલા કુમારપાળે દક્ષિણના દંડનાયકે આદ્મભટ્ટ (આંબડ)ને નીમ્યા હતા ને આમ્રભટ્ટે ત્યાંના યુદ્ધમાં વિજય મેળવી મલ્લિકાર્જુનને જીત્યો હતો ને તેનો દ્રવ્યકોશ લઈને આવ્યા હતા. તે કોષ રાજા કુમારપાળ દંડનાયકને જ અર્પણ કર્યો હતો ને પિતામહની પદવી પણ આપી હતી. બત્રીશ ધડી સોનાના કળશ ને ધ્વજાદંડ કરાવી પ્રાસાદના શિખરો પર પ્રતિષ્ઠિત કર્યા હતા ને પટ્ટકુળની ધ્વજાઓ લહેરાવી હતી. બધું કાર્ય સારી રીતે પાર પડ્યા પછી હર્ષાવેશથી ઉલ્લસિત હૃદયવાળા આદ્મભટ્ટ મલ્લિકાર્જુનનો ખજાનો લઈ દહેરાસરના શિખર પર ચડ્યા અને સુવર્ણ-રત્નમણિ-મુક્તાની ખોબે ખોબે વૃષ્ટિ કરી. આથી તેમની ઘણી પ્રશંસા થઈ. એક કવિએ કહ્યું :
निरीक्षिता पुराप्यासीत्, वृष्टिर्जलमयी जनैः । तदा तु ददृशे क्षौम-स्वर्णरत्नमयी पुनः ॥१॥
અર્થ:- લોકોએ પહેલાં પણ જળની વૃષ્ટિ તો જોઈ જ હતી, પણ ક્ષૌમ (મૂલ્યવાન વસ્ત્રો) સોના ને રત્નનો વરસાદ તો ત્યારે (પ્રતિષ્ઠા વખતે) જ જોવામાં આવ્યો.
પછી મોટા ઉછરંગપૂર્વક ચૌલુક્યવંશ વિભૂષણ મહારાજા કુમારપાળ તેમજ આદ્મભટ્ટ આદિએ શ્રી મુનિસુવ્રત ભગવાનની આરતી ઉતારી. તે વખતે બોંતેર સામંતો સોનાની દાંડીવાળા ચામર વીંજવા ઊભા રહ્યા. વાગુભટ્ટ આદિ મંત્રીઓ પૂજાવિધિની સામગ્રીની તૈયારી કરવામાં સાવધાન થયા. આરતી પછી મંગળદીવો પ્રગટ થયો. ત્યારબાદ પ્રભુજીના ગુણગાન ગાનાર સંગીતકાર આદિને બત્રીસ લાખ દ્રવ્યનું દાન આપ્યું. આવું વિસ્મયકારી ચરિત્ર આદ્મભટ્ટનું જાણીમાણસની સ્તુતિ કદી ન કરનારા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી એકાએક બોલી ઊઠ્યા કે –
किं कृतेन यत्र हि त्वं, यत्र त्वं किमसौ कलिः । कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ॥१॥
અર્થ :- ઓ આંબડ ! જ્યાં તું છે ત્યાં કૃતયુગ-સતયુગથી શું પ્રયોજન છે? અર્થાત્ તું છે ત્યાં સતયુગ જ છે. જયાં તું છે ત્યાં શું કળિયુગ છે? અર્થાત્ કળિયુગનો તારી સામે કોઈ પ્રભાવ જ નથી. તારા જેવાનો જન્મ જો કળિયુગમાં જ થતો હોય તો કળિયુગ ભલે રહ્યો, અમારે કૃતયુગની કાંઈ આવશ્યકતા નથી. કેમ કે -
कते वर्षसहस्त्रेण, त्रेतायां हायनेन च । द्वापरे यच्च मासेन, अहोरात्रेण तत् कलौ ॥२॥