________________
૧૯૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ વિનય હોય તો જ વૈયિકી બુદ્ધિ સ્કુરે છે. આમાં મારો દોષ નથી. આ પ્રમાણે વિનય હોવા છતાં બહુમાન અને અબહુમાનનું તારતમ્ય જાણવું. વિનય અને બહુમાન આ બન્નેથી યુક્ત શ્રી કુમારપાલ મહારાજાનું દષ્ટાંત -
શ્રી કુમારપાલ મહારાજાનું દૃષ્ટાંત પાટણનાં મહારાજા કુમારપાલ ધર્મમાં સાવધાન અને જિનાગમ ઉપર અનન્ય નિષ્ઠાવાળા હતા. તેમણે શ્રી જિનાગમના એકવીશ ભંડારો ભિન્ન-ભિન્ન સ્થળોએ કરાવ્યા હતા. આગમગ્રંથોમાં વર્ણવેલા ત્રેસઠશલાકા પુરુષોનાં સ્વતંત્ર જીવન ચરિત્ર સાંભળવાની તેમને ઇચ્છા થતાં તેમણે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીને વિનંતી કરી. શ્રી હેમચંદ્રસૂરિજીએ ૩૬૦૦ શ્લોક પ્રમાણ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રની અદ્ભુત રચના કરી. આ ગ્રંથને રાજાએ ઉત્તમ લહિયા (લેખક) પાસે સોના તેમજ રૂપાની સ્યાહીથી લખાવી મહેલમાં પધરાવી રાત્રિ-જાગરણ કર્યું. પછી પ્રભાતે પોતાના પટ્ટહસ્તી પર પધરાવી તેના ઉપર છત્ર ધરી સોનાની ડાંડીવાળા ૭૨ ચામર વીંજાવવાપૂર્વક વાજતે-ગાજતે મહામહોત્સવ ઉપાશ્રયે લાવ્યા. ત્યાં રત્નો, સોના-રૂપાથી ને પટ્ટકુળ આદિથી બહુમાનપૂર્વક ગ્રંથોનું પૂજન કરી-ગુરુ મહારાજશ્રીનું વંદન-બહુમાન કરી ૭૨ સામંત રાજાઓ સહિત શ્રી કુમારપાળ રાજાએ વિધિપૂર્વક વ્યાખ્યાન સાંભળ્યું.
એ જ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગ વગેરે સિદ્ધાંતોની એકેક નકલ સુવર્ણ આદિથી લખાવી અને વિધિપૂર્વક શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના શ્રીમુખેથી સાંભળી રાજાએ પોતાના સ્વાધ્યાય માટે યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ અને વિતરાગ સ્તવનાના ૨૦ પ્રકાશ, કુલ ૩૨ પ્રકાશો સુવર્ણાક્ષરે લખાવેલા. તેઓ દરરોજ મૌનપણે આ ૩૨ પ્રકાશનોનો અચૂક સ્વાધ્યાય કરતા. આ પોથીને દરરોજ પૂજતા. “પરમ ઉપકારી ગુરુવર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ રચેલા બધા જ ગ્રંથો મારે અવશ્ય લખાવવા.” એવા અભિગ્રહ પૂર્વક તેમણે ૭૦૦ લહિયા જ્ઞાનશાળામાં લખવા બેસાડ્યા. એકવાર પ્રાતઃકાળમાં આચાર્યશ્રી તથા સર્વ સાધુ મહારાજોને વંદન કરી રાજા લેખશાળા જોવા ગયા. તેમને કાગળ પર લખતા જોઈ ગુરુમહારાજને પૂછ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું કે લખવાનું ઘણું છે અને તાડપત્રની ઘણી તંગી છે. માટે કાગળ પર લખાય છે.
આ સાંભળી લજ્જિત થયેલા રાજા વિચારે છે કે “અહો ! નવા ગ્રંથો રચવાની ગુરુમહારાજમાં કેવી અખંડ શક્તિ છે, ત્યારે હું એ લખાવવામાં પણ અશક્ત છું! મારું કેવું શ્રાવકપણું? આમ વિચારી ઊભા થઈ હાથ જોડી તેમણે ઉપવાસનું પચ્ચખાણ માગ્યું.” ગુરુશ્રીએ પૂછ્યું “આજે પર્વતિથિ વિના શાનો ઉપવાસ છે?' રાજાએ કહ્યું “જયારે તાડપત્ર પૂરતા પ્રમાણમાં મળી રહે પછી જ હું પારણું કરીશ.” આ સાંભળી આચાર્યદેવે કહ્યું “તાડનાં ઝાડ અહીં ઘણા છેટે છે. તરત તો ક્યાંથી મળી શકે?” ગુરુશ્રીએ તેમજ સામંતાદિએ સાદર સમજાવ્યા. પણ તેમણે ઉપવાસ કર્યો જ. શ્રી સંઘે તેમની આ પ્રમાણે સ્તુતિ કરી.