________________
૧૪૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
વિષા અને દામન્નકને સહી સલામત ઘરે આવેલા જોઈને અને સમુદ્રદત્તને મંદિરે ગયેલો જાણીને સાગરદત્ત શેઠના હોશકોશ ઊડી ગયા અને જબરદસ્ત આઘાત લાગ્યો અને તત્કાળ મૃત્યુ પામ્યા.
શેઠ મૃત્યુ પામ્યા. તેમના પુત્ર સમુદ્રદત્તનું પણ મૃત્યુ થયું. બીજું કોઈ શેઠનું વારસદાર ન હતું, આથી જમાઈ દામનક હવે શેઠના મકાન અને મિલકતનો માલિક બન્યો. પેલા મુનિની ભવિષ્યવાણી સાચી પડી.
થોડા દિવસ બાદ દામનક વહેલી સવારે જાગ્યો ત્યારે તેણે કોઈ મંગળપાઠકના મોઢે ગવાતી એક ગાથા સાંભળી. તેનો ભાવાર્થ આવો હતો: કોઈ દુબુદ્ધિવાળો જીવ નિરપરાધીને નુકસાન પહોંચાડવા ગમે તેટલા કાવાદાવા કરે તો પણ તેને કશું નુકસાન થતું નથી ઊલટું એ કાવાદાવા પણ તેના ફાયદામાં ફળે છે. દુઃખ દેવા માટે કરેલા બધા પ્રયત્નો સુખનું જ કારણ બને છે. કેમ કે ભાગ્ય જેના પક્ષે હોય તેને બીજો કોઈ શું કરી શકે?”
દામન્નકે એ ગાથા ગાનારને ત્રણ લાખ સોનામહોર બક્ષિસમાં આપી. રાજાએ આ વાત જાણી ત્યારે તેમણે પૂછ્યું: “ભાઈ દામન્નક! ઉદારતા હોય, દાનની ભાવના હોય અને આપવાની ક્ષમતા પણ હોય પરંતુ આટલી બધી સોનામહોર તો મારા જેવો રાજા પણ નથી આપતો. તમે આટલી મોટી બક્ષિસ આપી તેનું કારણ શું?” દામન્નકે જવાબમાં માંડીને બધી વાત કરી.
એ પછી દામન્નકે જ્ઞાની ગુરુ ભગવંત પાસેથી પોતાનો પૂર્વભવ જાણ્યો. એ જાણીને તેને પચ્ચકખાણનો મહિમા વધુ સારી રીતે સમજાયો અને તે માટે તે વધુ ઉદ્યમી બન્યો. કાળક્રમે તે મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ કરીને તેનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને નિર્વાણપદને પામશે.
ભવ્ય જીવોએ આ દૃષ્ટાંતમાંથી બોધપાઠ લઈને યથાશક્ય પચ્ચકખાણ કરવા માટે ભાવપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. રોજ અવશ્ય પચ્ચકખાણ ભાવપૂર્વક કરવું અને ઉત્તરોત્તર વધારો પણ કરતા રહેવું જોઈએ.
© –
૨૫૦ વ્રત ભાંગવાનું કડવું ફળ यथा श्रेष्ठिसुतः पूर्वं धर्मखण्डनयानया । धनदाख्यः फलखण्डं मत्स्योदरापराभिधः ॥१॥