________________
૫૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ નગરના રાજા સહિત અનેક બ્રાહ્મણો, તાપસો આદિ ત્યાં આવ્યાં. પેટી લેવા તૈયાર થયાં. પેટી ઉઘાડવા માટે પ્રયત્ન કર્યો. પરંતુ ન પેટી ઉચકાય કે ન પેટી ખૂલે. એમ કરતાં બપોર થવા આવી. રાણીએ દાસીને મોકલી રાજાને ભોજન માટે બોલાવ્યાં. રાજાએ કહેવડાવ્યું કે અહીં એક એવી પેટી આવી છે કે કોઈનાથી ખૂલતી નથી. તે પેટીમાં પરમાત્માની પ્રતિમા છે.
રાણી પ્રભાવતીએ વિચાર્યું કે પરમાત્મા તો વિતરાગ છે. તે કોઈ દેવતા નથી. આથી તેમની સ્તુતિ કરવામાં આવે તો જ તે પેટી ઉઘડી શકે. રાણી એમ વિચારીને પૂજાની સામગ્રી લઈ સમુદ્રકાંઠે આવી. પ્રથમ તેણે પેટીની પૂજા કરી અને પછી આ પ્રમાણે સ્તુતિ કરી.
આઠ પ્રતિહાર્યધારી, રાગાદિ દૂષણોને અત્યંતપણે દૂર કરનારા અને ત્રિકાલજ્ઞાની હે દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા! મને તમારા દર્શન કરાવો.”
અને પેટીનું ઢાંકણું આપોઆપ ખૂલી ગયું, પ્રતિમા પોતે જ પ્રગટ થઈ. પ્રભાવતીએ વાજતે-ગાજતે એ પ્રતિમાને પોતાના ચૈત્યમાં પધરાવી અને રોજ તેની ત્રિકાળપૂજા કરવા લાગી.
- - એક સમયની વાત છે. દ્રવ્યપૂજા કરી રાણી પ્રભાવતી ભાવવિભોર હૈયે પ્રતિમા સમક્ષ નૃત્ય કરી રહી હતી. રાજા વીણાવાદનથી રાણીને ભક્તિનૃત્યમાં સાથ આપતો હતો. રાણીનું સમગ્ર ચિત્ત જિનેન્દ્રભક્તિમાં હતું. રાજા પ્રતિમાને પણ જોતો હતો અને રાણીને પણ જોતો હતો ત્યાં એક ક્ષણ તેણે રાણીને માથા વિના ધડથી જ નૃત્ય કરતી જોઈ.
રાજાના હૈયે ધ્રાસ્કો પડ્યો. રાણીનું મસ્તક ક્યાં? વિણાના તાર તૂટી ગયાં.
રાજાના હાથમાંથી વિણા પડી ગઈ. નૃત્યમાં એથી વિક્ષેપ પડ્યો. તે ગુસ્સાથી બોલી ઉઠી - “વીણા કેમ ફેંકી દીધી?” રાજાએ સત્ય વાત જણાવી. એ જાણી રાણીએ કહ્યું – “આ અમંગળ એંધાણ છે. હવે મારું મૃત્યુ નજદીકમાં જ છે.”
થોડા જ સમયમાં આવી બીજી ઘટના બની. રાણી પ્રભાવતીએ દેવપૂજા માટે દાસી પાસે શ્વેત વસ્ત્રો મંગાવ્યાં. દાસી તે વસ્ત્રો લઈને આવી. રાણીએ તે જોઈ ગુસ્સાથી પૂછ્યું - “શું આ સફેદ વસ્ત્રો છે? લાલ રંગને શું તું સફેદ રંગ કહે છે?” અને તેણે દાસી સામે દર્પણનો ઘા કર્યો. દર્પણનો ઘા જીવલેણ નીકળ્યો. દાસીનું તુરત જ મૃત્યુ થયું. ગુસ્સો ઉતરતાં પ્રભાવતીએ જોયું તો લાગ્યું કે પોતાને ભ્રમ થયો હતો. વસ્ત્રો તો સફેદ હતાં પણ પોતાને લાલ રંગના દેખાયા હતાં. પરંતુ ત્યારે તો ઘણું મોડું થઈ થઈ ગયું હતું. એ સમયે ગુસ્સાના આવેશમાં પ્રભાવતીથી જીવહિંસા થઈ ગઈ હતી. આ મહાપાપ માટે તેને પસ્તાવો થયો. એ પાપનો ક્ષય કરવા તેણે દીક્ષા લઈ લીધી.
રાજાએ રાણીને દીક્ષાની અનુમતિ આપતાં કહ્યું – “દેવી! તમે ચારિત્રની આરાધનાથી દેવપણું પામો તો મને પ્રતિબોધ પમાડજો.”
ઉ.ભા.-૨-૫