________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩
૨૫૫ દેવતાઓ પ્રકાશિત રત્નને હાથમાં લઈ પ્રભુને ઉદેશીને કહેવા લાગ્યા : “હે પ્રભુ! અમે આપની આરતિ ઉતારીએ છીએ.” અને આ શબ્દ “મે આરાઈય” રૂઢ થઈ ગયો. આજે મેરાયાં શબ્દ બોલાય છે તે આનો અપભ્રંશ થયેલો છે.
આ બાજુ શ્રી ગૌતમપ્રભુ દેવશર્માને પ્રતિબોધી ભગવાન પાસે જઈ રહ્યા હતાં. ત્યાં તેમણે દેવતાઓના વિમાન ઘૂમરાતા જોયાં. લોકોને દોડતા અને રડતા જોયાં. ગણધર ભગવંતે કોઈને પૂછ્યું : “ભાઈ તમે અને આ બધા વહેલી સવારમાં શા માટે રડી રહ્યા છો? તમારા ચહેરા આમ નિસ્તેજ અને પ્લાન કેમ છે? અને આ દેવતાઓના વિમાન ક્યાં જઈ રહ્યા છે?”
“ભગવાન શ્રી મહાવીર પરમાત્મા હવે આ લોકમાં નથી. તેઓ નિર્વાણ પામ્યાં છે. આથી અમે શોકાકુળ છીએ.”
આ સાંભળી શ્રી ગૌતમસ્વામીના હૈયે ભારે આઘાત લાગ્યો: “શું પ્રભુ ગયા? મને પણ છોડીને ચાલ્યા ગયાં? હે ભગવંત ! હવે તમારા વિના મને કોણ પ્રતિબોધ કરશે? હે ભગવંત! તમે આમ કેમ કર્યું? આપ તો જ્ઞાની હતાં. નિર્વાણ સમયને જાણતા હતાં. તો એ જ સમયે આપે મને તમારાથી દૂર કેમ મોકલ્યો? શું હું પાસે હોત તો તમને નિર્વાણ પામતાં કંઈ બાધા નડત? આખી જિંદગી આપે મને સાથે રાખ્યો અને અંત સમયે જ આપે મને દૂર કેમ રાખ્યો? શાથી ભગવાન? શાથી? હવે “હે ગૌતમ !” જેવા મધુર વચનથી મને કોણ બોલાવશે? પ્રભો ! થોડાક સમય માટે હું આવું ત્યાં સુધી તો આપે રોકાઈ જવું હતું? મને તમારા અંતિમ દર્શન અને શ્રવણનો લાભ આપવો હતો. આમ ઉતાવળ શા માટે કરી. પ્રભુ?”
શ્રી ગૌતમ આમ વિલાપ કરી રહ્યા હતાં ત્યાં તેમને બીજો વિચાર આવ્યો. શું મને આમ વિલાપ કરવો શોભે છે? પ્રભુને આમ મારાથી આવો ઉપાલંભ અપાય? ભગવાન તો વીતરાગ હતાં. હું જ તેમનો રાગી હતો. મને જ તેમના પર રાગ અને મમત્વ હતાં. સાચે જ પ્રભુ પોતે તરી ગયા અને મને પણ તારતા ગયાં. હું જ તેમના મોહમાં આજ સુધી બંધાયેલો રહ્યો. નહિ, મને આમ રડવું શોભતું નથી. પ્રભુનો રાગ પણ રાખવો યોગ્ય નથી. આમ ક્ષપકશ્રેણીમાં આગળ ને આગળ વધતા ગયા ત્યાં જ એક ઉત્કટ પળે તેમને કેવળજ્ઞાન થયું.
પ્રથમ શક્રેન્દ્ર ભગવાન મહાવીરસ્વામીનો મોક્ષમહિમા કર્યો. પછી પ્રાતઃકાળે શ્રી ગૌતમ ગણધર ભગવંતનો કેવળજ્ઞાન ઉત્સવ કર્યો. તે સમયે શ્રી ગૌતમ પ્રભુએ એક હજાર ને આઠ પાંદડીવાળા સુવર્ણના કમળ ઉપર પદ્માસને બેસીને ધર્મદેશના આપી.
આમ આ ભવ્ય અને દિવ્ય પ્રસંગને અનુલક્ષીને લોકો દીવાળીને પર્વ તરીકે આરાધે છે. આ પર્વમાં એક ઉપવાસ કરવાથી સહસ્રગણું પુણ્ય થાય છે અને અક્રમ કરવાથી કોટિગણું પુણ્ય થાય છે. આ પર્વમાં ચતુર્દશી અને અમાવાસ્યા એ બે દિવસનો સોળ પ્રહરનો પૌષધ કરવો અથવા બે ઉપવાસ કરી ચંદન અક્ષત વગેરેથી અને પુષ્પથી શ્રી વીર પરમાત્મા અને પીસ્તાળીશ આગમની