________________
૨૩૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ અસંજ્ઞી જીવ પહેલી નરકે, ભૂજપરિસર્પ બીજી નરક સુધી, પક્ષી ત્રીજી નરક સુધી, સિંહ ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી, સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને મનુષ્ય તથા મત્સ્ય સાતમી નરક સુધી જાય છે. આ પ્રમાણે અનંતા જીવો અવિરતિની પંક્તિમાં જ ગણાય છે.
માણસોમાં ભીલ, કસાઈ, માછી, કુંભાર તથા યવનાદિ અધર્મીઓ તથા રાજા, મંત્રી વગેરે ઉત્તમ છતાં જૈનધર્મથી વિમુખ હોય તો તેઓ અવિરત જ ગણાય.
દ્વીપાયન વગેરે દેવતા હિંસાદિક આશ્રવના કરનારા હોવાથી અવિરત જ છે. દેવતાઓ સુવર્ણાદિકના લોભથી અસત્ય બોલે છે. અદત્ત એવા પારકા નિધાન પ્રમુખના અધિષ્ઠાયક થાય છે. મૈથુનમાં પારકી દેવાંગનાની કામના રાખે છે અને પરિગ્રહમાં તો વિમાન વગેરે અપરિમિત તેમની સમૃદ્ધિ હોય છે. આથી દેવતાઓ પણ અવ્રતી છે.
શિવ-શંકરને જગતના સંહારક કહ્યા છે. કૃષ્ણ, બ્રહ્મા આદિ પણ આશ્રવપરાયણ છે. લૌકિક ઋષિઓ પણ શાપ, અનુગ્રહ અને સ્ત્રી પરની આસક્તિના કારણે અવિરતિની પંક્તિમાં જ ગણાય. અભવ્ય એવા તિર્યંચ તથા મનુષ્યો કેટલાક દ્રવ્યથી દેશવિરતિ તથા સર્વવિરતિ લાગે પણ તે બધા અવિરતિ જ ગણાય.
નારકીના જીવો પણ ગુસ્સાથી રાતાપીળા થઈને વૈક્રિયશક્તિથી અનેક પ્રકારના શસ્ત્રો વિદુર્વાને પરસ્પર અસહ્ય વેદના આપે છે. તેઓ પણ અવિરતિ ગણાય. એ પ્રમાણે ત્રસ અને સ્થાવર જીવો મોટા ભાગે પ્રત્યાખ્યાન (નિયમ) વગરના જ હોય છે. આમ સૌથી વધુ સંખ્યા અવિરતિ જીવોની જ છે.
બીજી પંક્તિ અવિરત સમ્યગુદૃષ્ટિ જીવોની છે. શ્રેણિક રાજા, સત્યકિ તથા કૃષ્ણ વગેરે કેટલાક મનુષ્યો, દેવતા તથા નારકનો અસંખ્યાતમો ભાગ અને તિર્યંચનો અનંતમો ભાગ એ બધા અવ્રતી છે. પરંતુ તેમનામાં મિથ્યાત્વ ન હોવાથી અવિરત કરતાં વધુ શ્રેષ્ઠ છે. કેટલાંક સમકિતી દેવતાઓ આ પંક્તિમાં ગણાય છે. છતાંય આવા જીવોની સંખ્યા અગાઉ કહેલ અવિરતિ જીવોની સંખ્યાથી અલ્પ છે.
વિરત-અવિરત એ ત્રીજી પંક્તિ છે. વિરત-અવિરત એટલે દેશવિરતિમય ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનો અસંખ્યાતમો ભાગ આ પંક્તિમાં આવે છે. ચંડકૌશિક સર્પ, સમલીકા વિહારવાળી સમળી, બળભદ્રનો ભક્ત મૃગ તથા મેઘકુમારનો પૂર્વભવ હાથી જાતિસ્મરણ જ્ઞાનથી શ્રાવકધર્મ પામ્યા હતાં. આથી તેઓ ત્રીજી પંક્તિના દેશવિરતિમય જીવો ગણાય છે. બીજા જીવો આ પંક્તિમાં આવતા નથી. આ અંગે એવું કથન છે કે - “સમકિતી દેશવિરતિ જીવો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે છે.” પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલો સમય હોય છે તેટલા દેશવિરતિ લભ્ય થાય છે. તેનો અસંખ્યાતમો ભાગ તે સર્વવિરતિ મનુષ્યમય ચોથી પંક્તિ છે. કારણ ઉત્કૃષ્ટ પંદર કર્મભૂમિમાં બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ સુધી જ યતિ હોય છે. વધુ નથી હોતાં.