________________
૨ ૨૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩
અનેક શબ્દાર્થ પર બુઢણઆહિરની સ્ત્રીનું દષ્ટાંત સંગધર નામે એક ગામ હતું. ત્યાં બુઢણ નામે એક આહિર રહેતો. તે સુખી અને સમૃદ્ધ હતો. તેને સોળ પત્ની હતી. પ્રથમ પત્નીનું નામ પુષ્પવતી હતું.
એક સમયની વાત છે. બુઢણ જંગલમાં ગાયો ચરાવી રહ્યો હતો. બપોર થતાં તે ભોજન કરવા માટે બેઠો. પુષ્પવતી પણ તેની સાથે ભોજન કરવા બેઠી. એ પ્રસંગે બીજી પત્નીઓ પણ ત્યાં આવી. એ દરેકે વારાફરતી પુષ્પવતીને પૂછ્યું :
પહેલીએ પૂછયું : “આજે આટલી બધી ખીચડી કેમ રાંધી છે?” બીજી બોલી : “આજે છાશ ખાટી કેમ છે?” ત્રીજીએ પૂછ્યું : “પેલી દાઢી મૂછવાળી સ્ત્રી ઘરે છે?” ચોથી બોલી : “આજે તમને સારું છે ને?” પાંચમીએ પૂછ્યું: “આજે કંકોડાનું શાક આખું કેમ રાંધ્યું છે?” છઠ્ઠી બોલી : “આ કૂતરી કેમ ઘૂરકે છે ?” સાતમી બોલી : “પેલી ભેંસ ગાભણી થઈ ?” આઠમીએ પૂછ્યું : “આ આગળ દેખાતી સ્ત્રી થાકી ગઈ છે કે ?” નવમી બોલી : “આજે સદાવ્રતમાં ભોજન આપે છે ?” દસમીએ પૂછ્યું : “આજે આ જળપ્રવાહમાં પાણી કેમ વધુ વહે છે?” અગિયારમી બોલી : “તમારો ચોટલો તમે વાળ્યો?” બારમીએ પૂછ્યું : “કાનમાં કુંડળ પહેર્યા છે કે નહિ?” તેરમી બોલી : “આ ગલ્ડરમાં કેમ ભય નથી લાગતો?” ચૌદમીએ પૂછ્યું : “આ ફળ લેશો?” પંદરમી બોલી : “આ બકરીઓ ગણી છે કે નહિ?”
આ દરેકે પુષ્પવતીને અલગ અલગ પ્રશ્ન પૂછ્યો હતો છતાંય તે દરેકને તેણે એક જ જવાબ આપ્યો કે પાલી નથી અને આ જવાબથી દરેકને પોતાના પ્રશ્નનો સંતોષકારક જવાબ મળી રહ્યો.
પહેલીને કહ્યું : “ધાન્ય માપવાની પાલી હાથવગે ન મળતાં મારાથી ખીચડી વધારે રંધાઈ ગઈ.”
બીજીને કહ્યું: “છાશ કરવાની આજે પાલી ન હતી (પાલી એટલે વારો) આથી ગઈકાલની છાશ હોવાથી તે ખોટી છે.”
ત્રીજીને કહ્યું : “આજે હજામતની પાલી નથી તેથી તે સ્ત્રી ઘેર જ છે.” ચોથીને કહ્યું: “એકાંતરો તાવ આવે છે. આથી તાવની આજે પાલી ન હોવાથી સારું છે.”
પાંચમીને કહ્યું : “શાક સુધારવાની પાલી (છરી) નથી. આથી આખા કંકોડાનું શાક કર્યું છે.”
છઠ્ઠીને કહ્યું: “કૂતરીને કોઈએ પાલી (પાળી) નથી તેથી તે ઘૂરક છે.”
સાતમીને જવાબ આપ્યો કે: “પાલી નથી.” એટલે કે ગાય ભેંસ વગેરેને ગર્ભ રહેવાના સમયે લોકો પાલી કહે છે તે પાલી નથી.