________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
ભાવાર્થ :- “નિર્દય લોકો નવરાત્રિના દિવસોમાં બકરા, કુકડા વગેરેનો વધ કરી દુર્ગા વગેરેની પૂજા કરે છે. પરંતુ યશોધરે માતાની આજ્ઞાથી માત્ર લોટના બનાવેલા કૂકડાનો વધ કર્યો હતો તેથી પણ તેને માતા સહિત અનેક ભવમાં ભટકવું પડ્યું હતું.”
યશોધર રાજાની કથા
મારીદત્ત રાજપુર નગરનો રાજા હતો. તેની ગોત્રદેવીનું નામ ચંડમારી હતું. મારીદત્ત રોજ આ દેવીની પુષ્પાદિકથી પૂજા-સ્તવના કરતો. આસો માસમાં શુકલ પડવેથી તે નોમ સુધી કંદમૂળ, ઘી, દૂધ અને ફળાદિકનો જ આહાર કરી આ દેવી સમક્ષ બેસતો. નવરાત્રિના તહેવારમાં મારીદત્ત ગોત્રદેવીની તૃપ્તિ માટે હોમ બલિદાન માટે એક લાખ બકરાનો વધ કરતો. બે માણસનો પણ બલિ દેવીને ધરતો. આઠમને દિવસે વિશેષ પ્રમાણમાં જીવોનું બલિદાન દેતો.
૧૭૬
એક સમયે રાજપુર નગરમાં ગણધર નામે આચાર્ય શિષ્ય પરિવાર સાથે પધાર્યા. આ આચાર્યને અભયરુચિ નામે એક શિષ્ય સાધુ અને અભયમતિ નામે એક શિષ્યા સાધ્વી હતી. અભયરુચિ મુનિ એક દિવસ ચાર પ્રકારનો અભિગ્રહ કરી નગરમાં ગોચરી માટે ફરી રહ્યા હતાં. ત્યાં રાજપુરુષો તેમને પકડીને મારીદત્ત રાજા પાસે લઈ ગયાં. રાજાએ મુનિને પૂછ્યું : “હે મુનિ ! તમારા શાસ્ત્રમાં નવરાત્રિના દિવસોમાં ગોત્રદેવીની પૂજાનું શું ફળ કહ્યું છે અને હોમક્રિયાની વિધિ શું બતાવી છે ?”
સંયમી મુનિ અભયરુચિએ શાંતિથી કહ્યું : “રાજન્ ! તમારો આ પ્રશ્ન સાંભળીને મને મારી વાત યાદ આવે છે. એક ભવમાં મેં લોટના બનાવેલ કુકડાનો વધ કર્યો હતો. એ પાપથી સાત સાત ભવ સુધી હું ભયાનક દુઃખ પામ્યો હતો. જ્યારે રાજન્ ! તમે તો જીવતા જીવત લાખો જીવોનો સંહાર કરો છો. તો મને ચિંતા થાય છે કે તમારી ગતિ શું થશે ?”
રાજાએ એ જાણી મુનિને તેમનાં સાત ભવ કહેવાની વિનંતી કરી એટલે અભયરુચિ મુનિએ આ પ્રમાણે પોતાના સાતેય ભવો કહ્યાં :
અવંતી નગરીમાં યશોધર રાજા રાજ્ય કરતો. તેની માતાનું નામ ચંદ્રવતી. યશોધરની પત્નીનું નામ નયનાવલી હતું. વિષયસેવન કરતાં યશોધરને ગુણધર નામે પુત્ર થયો.
સમય જતાં યશોધરને સંસાર પરથી વૈરાગ્ય આવ્યો. તેણે નયનાવલીને કહ્યું : “હવે મને આ સંસારમાં રસ નથી રહ્યો. ભોગોથી મારું મન ઊઠી ગયું છે. હું હવે દીક્ષા લેવા માગું છું.” દૈવયોગે તે જ રાતે યશોધરને સપનું આવ્યું કે તેની માતાએ તેને સાતમા માળેથી નીચે પાડી નાંખ્યો.’ સવારે યશોધરે આ વાત પોતાની માતા ચંદ્રવતીને કહી. માતાએ કહ્યું : “વત્સ ! આવા માઠા સ્વપ્નના નિવારણ માટે તું આપણી ગોત્રદેવી ચામુંડા દેવીને બકરા વગેરેનું બલિદાન આપ.”
રાજાએ કહ્યું : “માતાજી ! મને ક્ષમા કરો. મારાથી કોઈ જીવની હિંસા નહિ થઈ શકે. જીવહિંસા કરી મારે કોઈ પાપ બાંધવું નથી.”