________________
૧૩૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ ભાવાર્થ:- “આ બાર વ્રત ગ્રહણરૂપ ધર્મ શ્રાવકોને બળાત્કારે પણ આપવો. જેમ પોટિલદેવે તેતલિપુત્રને બળાત્કારે પ્રતિબોધ કર્યો હતો તેમ.”
તેતલિપુત્રની કથા ત્રિવલ્લી નગરી પર કનકરથ રાજાની આણ વર્તતી હતી. આ રાજાને રાજયનો ખૂબ જ મોહ હતો. આથી પોતાની રાણી કમલાવતીને જે પુત્ર થાય તેને તે જન્મતાં જ મારી નંખાવતો.
કમલાવતીથી આ સહન થતું નહિ, પરંતુ શું થાય? સહન કર્યા સિવાય છૂટકો ન હતો. કાળક્રમે તે સગર્ભા થઈ. હવે તે પુત્રને ઝંખતી હતી. જન્મેલો પુત્ર જીવતો રહે તેવી તેની અદમ્ય ઈચ્છા હતી. પુત્ર થાય તો તેને કેવી રીતે જીવાડવો તેનો તે વિચાર કરવા લાગી. આ માટે તેણે રાજાના મંત્રી તેતલિપુત્રને વિશ્વાસમાં લીધો.
તેતલિપુત્ર નગરશેઠની પુત્રી પોટિલા સાથે પ્રેમથી પરણ્યો હતો. રાણીએ મંત્રીને બોલાવીને કહ્યું – “મને જો પુત્ર થાય તો તમે તેની રક્ષા કરવાનું મને વચન આપો.” મંત્રીએ વચન આપ્યું.
એ અરસામાં મંત્રી પત્ની પોટિલા પણ સગર્ભા હતી. દૈવયોગે બંનેને સાથે પ્રસૂતિ થઈ. રાણીએ પુત્રને અને પોટિલાએ પુત્રીને જન્મ આપ્યો. અગાઉ નક્કી કર્યા પ્રમાણે સંતાનોની ફેરબદલી કરી નાંખી. નગરમાં જાહેર થયું કે રાણીને ત્યાં પુત્રીનો જન્મ થયો છે અને મંત્રીને ત્યાં પુત્રનો જન્મ થયો. મંત્રીએ રાણીના પુત્રનું નામ કનકધ્વજ રાખ્યું. કાળક્રમે કનકરથ રાજા મૃત્યુ પામતાં મંત્રીએ અને રાણીએ કનકધ્વજને રાજગાદી ઉપર બેસાડ્યો. આ કનકધ્વજ મંત્રી તેતલિપુત્રનું ખૂબ જ માન જાળવતો અને તેની સલાહ પ્રમાણે જ રાજયનો કારોબાર ચલાવતો.
પુરુષનું મન ભ્રમર જેવું કહ્યું છે. તેતલિપુત્રનું મન સમય જતાં પોટિલા ઉપરથી ઊઠી ગયું. તેના પરનો તેનો પ્રેમ મંદ પડી ગયો. પોટિલાએ પતિનો પ્રેમ પાછો મેળવવા કોઈ એક સાધ્વી પાસે ઉપાય પૂક્યો. સાધ્વી મહારાજે પોટિલાને ધર્મદેશના આપી. એ સાંભળી પોટિલાને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો. દીક્ષા માટે તેણે તેતલિપુત્રની આજ્ઞ માંગી. તેણે કહ્યું - “દીક્ષા લઈને તું સ્વર્ગે જાય અને ત્યાંથી તું મને પ્રતિબોધ પમાડવાનું વચન આપે તો હું તને દીક્ષા લેવાની સંમતિ આપું.” પોટિલાએ વચન આપ્યું.
સમ્યફ રીતે ચારિત્રની આરાધના કરેલી નિષ્ફળ જતી નથી. સાધ્વી પોટિલા કાળધર્મ પામીને સ્વર્ગે ગઈ. અવધિજ્ઞાનનો ઉપયોગ કરી તેણે પોતાનો પૂર્વભવ જોયો. આપેલું વચન યાદ આવ્યું. તેણે તરત જ મંત્રીને ધર્મમાં જોડવા માટે પ્રેરણા કરવાના પ્રયત્નો શરૂ કરી દીધાં. પરંતુ વિષયવિકારમાં લુબ્ધ માણસોને એમ સરળતાથી ધર્મ કરવાનો ઉત્સાહ જાગતો નથી. તેતલિપુત્રને પણ ધર્મ પ્રત્યે કંઈ રસ જાગ્યો નહિ. પોટિલાએ હવે આથી આકરા ઉપાય અજમાવવા માંડ્યાં.
કનકધ્વજને ઉશ્કેરી તેણે મંત્રી તેતલિપુત્રનું ભયંકર અપમાન કરાવ્યું. કનકધ્વજે તેના પર ગુસ્સો કર્યો અને ખૂબ જ કડવા વેણ કહ્યાં. અપમાનની આગથી તેતલિપુત્ર સળગી ઉઠ્યો. તેનું સ્વમાન ઘવાયું, આથી તેણે આવું અપમાનિત જીવન જીવવા કરતાં મરવાનું પસંદ કર્યું.