________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ પાંચે મિત્રો આયુષ્ય પૂર્ણ કરીને બારમા દેવલોકમાં દેવતા થયાં. ત્યાંથી ચ્યવીને જીવાનંદનો જીવ ચક્રવર્તી થયો. ચાર મિત્રોના જીવ બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ નામે તેના નાના ભાઈઓ થયાં. ત્યાંથી મરીને આ પાંચેય સર્વાર્થસિદ્ધ વિમાને ગયાં.
૧૧૪
ધનાવહનો ઉત્તમ જીવ દેવલોકમાંથી આવીને મરુદેવા માતાની કુક્ષિએ પુત્રરૂપે ઉત્પન્ન થયો. તે જીવ ઋષભદેવ પ્રભુ થયો. બાહુનો જીવ ભરત, સુબાહુનો જીવ બાહુબળ થયો અને કોઈ એક પૂર્વભવમાં દંભપૂર્વક તપ કર્યો હોવાથી પીઠ અને મહાપીઠ અનુક્રમે બ્રાહ્મી અને સુંદરીરૂપે સ્ત્રીપણું પામ્યાં.
ધનાવહની આ કથામાંથી ભવ્ય જીવોએ શીખવાનું છે કે ભોજન સમયે મુનિઓને યાદ કરવા જોઈએ. યાદ કરી તેમને ગોચરી માટે ઘરે તેડી લાવવા જોઈએ અને ભક્તિથી પ્રથમ તેમને નિર્દોષ આહાર વ્હોરાવીને પછી પોતે ભોજન લેવું જોઈએ.
©
૧૬૯
સાધર્મિક-ભક્તિ
राजपिंडं न गृह्णति, आद्यांतिमजिनर्षयः । भूपास्तदा वितन्वंति, श्राद्धादिभक्तिमन्वहम् ॥
ભાવાર્થ :- “પહેલા અને છેલ્લા તીર્થંકરના મુનિઓ રાજપિંડ ગ્રહણ કરતા નથી. આથી તે સમયના જૈન રાજાઓ હંમેશાં શ્રાવકોની ભક્તિ કરતા.” આ અંગે શ્રી કુમારપાળ રાજાની કથા જાણવા જેવી છે.
કુમારપાળ રાજાની કથા
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ રાજા કુમારપાળને રોજ વિવિધ પ્રકારે વીતરાગ પ્રભુની સુંદર વાણી સંભળાવતાં. એક દિવસ તેઓશ્રીએ મુનિઓને રાજપિંડ કલ્પતો નથી (મુનિઓને રાજમહેલની ગોચરી ખપે નહિ.) તે સંબંધમાં પ્રવચન કર્યું. આ સાંભળી કુમારપાળે વિનયથી પૂછ્યું :
“ભગવન્ ! જૈન મુનિઓ જો મારા મહેલની ગોચરી સ્વીકારે નહિ તો મેં જે શ્રાવકના બાર વ્રત લીધા છે તેનું સંપૂર્ણ પાલન કેવી રીતે થઈ શકે ? અને વ્રતોની આરાધના અધૂરી રહે તો હું શ્રાવક કેવી રીતે થઈ શકું ?”
કુમારપાળની શંકાનું નિવારણ કરતાં કલિકાલસર્વજ્ઞે કહ્યું : “રાજન્ ! એવું શાસ્રવચન છે કે પહેલાં અને છેલ્લા તીર્થંકરના સમયનાં મુનિઓને રાજાના ઘરનું અન્ન ખપે નહિ. આથી કે દેવાનુપ્રિય ! તારે શ્રાવકોની આત્માના ઉલ્લાસથી ભક્તિ કરવી જોઈએ.