________________
38 હીં અહં નમઃ કાંઈક પ્રાસ્તાવિક
પરમ ઉપકારી તીર્થંકર પરમાત્માએ વિશ્વના એકાંતહિતને માટે જે કલ્યાણકારી વાણી ફરમાવી, તે અનેક પાત્રોમાં ઝીલાઈ આજે પણ કલ્યાણમાર્ગને પ્રશસ્ત કરી રહી છે.
ઉપદેશ વિના-બોધ વિના અંધારું છે. મુખ્યતાએ બોધ આપવાના અધિકારી ગીતાર્થ ગુરુ મહારાજો છે. ઉપદેશ આપવાની કળામાં સાધુઓ નૈપુણ્ય અને જ્ઞાન મેળવે એ ઉદ્દેશથી વ્યાખ્યાનલેખનના કુશળ આલેખનકાર આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયલક્ષ્મસૂરીશ્વરજી મહારાજાએ ઉપદેશપ્રાસાદ એટલે ઉપદેશનો મહેલ નામનો આ મહાગ્રંથ વરસ દિવસના વ્યાખ્યાનોની ગોઠવણપૂર્વક રચ્યો છે, આ ગ્રંથને મહેલની ઉપમા લઈ યથાર્થ નામાભિધાન આપ્યું છે. આ મૂળગ્રંથ સરળ સંસ્કૃતમાં છે. તેમાં વિપુલ સાહિત્યનું સંકલન અને ઘણું બધું તત્ત્વ ભર્યું છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજીની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી ઘણો ઉપકાર કર્યો છે, કેમકે વર્તમાનમાં પણ ઘણા સાધુ-મુનિરાજો આદિ આ ગ્રંથના આધારે વ્યાખ્યાન વાંચવાની શરૂઆત કરી શક્યા છે. ઘણી જરૂરી હોઈ આ પાંચમી નવી આવૃત્તિ છપાવાઈ. પ્રસ્તુત ગ્રંથની આ પાંચમી આવૃત્તિ જ આ ગ્રંથની લોકપ્રિયતાનું પ્રતિક છે.
મુખ્ય ગ્રંથ પણ ખંડમાં વહેંચાયેલા છે. પ્રથમ ખંડમાં સમ્યકત્વનું સ્વરૂપ, બીજા ખંડમાં દેશવિરતિ-શ્રાવકધર્મનું સ્વરૂપ અને ત્રીજા ખંડમાં સર્વવિરતિ-મુનિધર્મનું સ્વરૂપ વર્ણવેલું છે, આ ત્રણે ખંડને પાંચ ભાગમાં વહેંચી ગુજરાતી ભાષાંતર રૂપે જૈનધર્મ પ્રસારક સભાએ વર્ષો પહેલા છપાવેલ, જે આજે દુષ્માપ્ય છે. ભાષાનું સૌષ્ઠવ ને વિષયનું સરલ-વિશિષ્ટ નિરૂપણ થાય, કથાઓને થોડી મઠારવામાં આવે તો ગ્રંથ વધારે ઉપકારક થાય એ ઉદ્દેશથી આ પાંચે ભાગો અમે નવેસરથી લખ્યા છે, આમાં વધારે કાંઈ કહેવાપણું રહેતું નથી. કારણ કે ગ્રંથ પોતે જ પોતાની વાત કહેશે. શ્રાવક માત્રના ઘરમાં આ પાંચે ભાગ હોવા જરૂરી છે. એક આખા વરસનો આમાં નિત્ય નવો સ્વાધ્યાય છે, ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વિષયો-તેનું નિરૂપણ અને તે પર ૩૬૦ જ્ઞાનબોધવર્ધક આકર્ષક કથાઓ છે, જે ઘણો બોધ આપશે ને ઉપકાર કરશે. ૧૦ વર્ષ પૂર્વે છપાયેલા આ પાંચ ભાગોની ઘણા વખતથી ઘણી માંગણી હતી, સ્થાનકવાસી-તેરાપંથી ઘણાં સાધુ-સાધ્વીજીની પણ માંગ હતી.
સાચા અર્થમાં આ ગ્રંથો સાચા ગ્રાહકનાં હાથમાં પહોંચે તેવા ગૌરભર્યા આશયથી આ ગ્રંથોનું પડતર ભાવે વેચાણ રાખેલ છે.
શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિવસ
લિ. આ. વિશાલસેનસૂરિ (શ્રી વિરાટ)
પાલીતાણા