________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૭
આકંઠ અચરજમાં મગ્ન થયા. અને...અને પ્રભુની આજ્ઞા લઈ ઉપડ્યા તેને જોવા, રાજાને ઘેર. ગુરુ ગૌતમને પોતાના મહેલમાં પધારેલા જોઈ રાજરાણી મૃગાદેવી અડધી-અડધી થઈ ગઈ, આનંદ પ્રગટ કરતાં બોલી – ‘અહો ભાગ્ય મારા, ભગવન્ ! કાંઈ અચાનક કૃપા થઈ ?’ ગુરુ બોલ્યા - ‘રાણી ! તમારા કુમારને જોવા આવ્યો છું.' સાંભળી રાણી ઘણાં રાજી થયાં. શ્રી ગૌતમને આસન આપી તે પુત્રને લેવા ગઈ. થોડી જ વારમાં દેવ જેવા પુત્રોને સજાવી-ધજાવી લઈ આવી. પરાણે વહાલ ઉપજે એવા સુંદર પુત્રો પણ ગણધરની આંખ એકે પર ન ઠરી.
રાણી વિમાસણમાં પડી. શ્રી ગૌતમ બોલ્યા - ‘ભગવાને જુદા જ પુત્રની વાત કરી છે. તમારું પ્રથમ સંતાન રાણી ! તે ક્યાં છે ?' ને રાણીનું મુખ વિષાદ-ગ્લાનિથી ખરડાઈ ગયું. સ્વસ્થતા મેળવી તરત મૃગાદેવીએ કહ્યું - ‘ભગવન્ ! તે મહેલ નીચેના ભોંયરામાં છે. ક્ષણવાર પછી આપ મુખે વસ્ત્ર બાંધી પધારો. કારણ કે તે દુર્ગંધ સહી શકાય તેવી નથી. હું ભોંયરાના દ્વાર ઉઘડાવું પછી થોડી વારે દુર્ગંધ ઓછી થતાં આપશ્રીને બોલાવું. કરુણાળુ ગૌતમ સાંભળી રહ્યા. રાણી સાથે જઈને સમીપથી જોયો.
હાથ-પગ-પેટ-પીઠ-છાતી-આંગળાં-મુખ-માથું-નાક-કાન આદિથી સાવ રહિત, જન્મથી જ બહેરો, મૂંગો ને નપુંસક. અસહ્ય વેદનાનું સ્થાન. શરીરની અંદરની તેમજ બાહ્ય નાડીમાંથી રુધિરાદિનો નિરંતર સ્ત્રાવ થઈ રહ્યો હતો. ઘેંસ કે ભડકા જેવો ખાદ્યપદાર્થ તેના પિંડ જેવા શરીર પર પાથરતા તે શરીરના છિદ્રો તેને શોષી લેતા ને થોડી જ વારમાં વિપરિણામ (વિષ્ઠા જેવું) પમાડી પાછું કાઢી નાખતા. સૂત્રની સીમારેખા, મૂર્તિમાન પાપ જ જોઈ લો. શ્રી ગૌતમ તેવા મૃગાપુત્ર લોઢીયાને જોઈ પ્રભુ પાસે આવ્યા. તેઓ પણ જાણે ખિન્ન થઈ ગયા હતા. તેમની વિચારસૃષ્ટિને મૃગાપુત્રનું દુઃખ દરિયો થઈ વીંટળાઈ વળ્યું હતું. આખરે તેઓ પ્રભુજીને પૂછી જ બેઠા – ‘દયાળ ! આ કયા પાપનું ફળ બિચારો ભોગવતો હશે ?' પ્રભુએ કહ્યું - ‘ગૌતમ ! આ સંસારમાં બધું સુનિશ્ચિત જ થાય છે. નિરપરાધીને અહીં દંડ નથી. કરેલ અપરાધની જ સજા ભોગવે છે.
શતદ્વારનગરના સ્વામી ધનપતિ નામક રાજાનો ઈક્કાઈ રાષ્ટ્રકૂટ નામનો સામંત પાંચસો ગામનો ધણી હતો. તે લંપટ અને વ્યસની હોઈ તેને પૈસાની જરૂર પડતી. પૈસા માટે તેણે લોકો ઉપર આકરા કરો નાંખ્યા હતા. કર વસુલીમાં તેણે ઘણા કઠોર કાયદા ઘડ્યા હતા. પ્રજાને રંજાડીને પણ મોજ માણતો. વેપારીઓ ત્રાસી ગયા હતા. દંડ કરવામાં તે ઘણો ક્રૂર હતો. તેથી કોઈની આંખો ફોડાવવી, કાન કે નાક કપાવવા તેના માટે સાવ સામાન્ય વાત હતી. એના નામથી લોકો ધ્રુજી ઉઠતાં. માણસ પોતાના જ આવતા દિવસોનો વિચાર કરતો નથી ને દિવસો આવ્યા વિના રહેતા નથી. એમ કરતા તેનું શરીર ક્ષીણ થઈ વ્યાધિગ્રસ્ત થવા લાગ્યું. જોતજોતામાં તેને અનેક (સોળ) રોગોએ ઘેરી લીધો. શ્વાસ, ઉધરસ, તાવ, બળતરા, પેટનું શૂળ, ભગંદર, મસા, અજીર્ણ, આંખનો પડદો ફરી જવો, શરીરે સોજા, અન્ન૫ર અત્યંત અરુચિ, આંખનો દુઃખાવો, ખસ,