________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
સમય વીત્યો પણ વાઘ ત્યાંથી ખસ્યો નહીં. કુમાર એક ઊંઘ લઈને જાગ્યો. જાણે મહેલમાં સૂતો હોય તેવી વાંદરાની હુંફાળી ગોદમાં તેને ઊંઘ આવી ગયેલી. હવે કુમારના જાગવાનો ને વાનરનો ઊંઘવાનો વારો હતો. કુમારના સાથળ પર માથું મૂકી વાંદરો નિરાંતે સૂઈ ગયો. નીચે આંટા મારતા વાઘે કહ્યું – “કુમાર ! મને ઘણી ભૂખ લાગી છે. હવે કશી આશા દેખાતી નથી. આ વાનર મને આપી દેવાંદરાની જાતનો શો વિશ્વાસ? કહ્યું છે ને “રાજા, વાજા અને વાંદરા, વાંકા ચાલે તો કોઈના નહીં. વળી નદી તેમજ નખવાળા પ્રાણીથી સદા દૂર રહેવું, એમ નીતિકારોએ ભારપૂર્વક કહ્યું છે. ક્ષણમાં રાજી થાય ને ક્ષણમાં રીસાઈ જાય, ક્ષણમાં ખુશ થાય ને ક્ષણમાં વિફરી બેસે. તેમનો ભરોસો શો? જેનું ચિત્ત જ અવ્યવસ્થિત ને અસ્થિર છે, તેમની કૃપા પણ ભયંકર છે, માટે તું આ વાંદરાને નીચે નાંખ. આમ કરવાથી મારી ભૂખ સંતોષાશે અને તારો માર્ગ નિરાપદ બનશે.” વાઘની વાત સ્વાર્થી કુમારના હૈયે વસી ગઈ.
કુમારે પોતાના ખોળામાં વિશ્વાસે સૂતેલા વાનરને નીચે પાડવા જોરથી ધક્કો માર્યો. ચપળ વાંદરો નીચે પડતાં વચમાં જ બીજી ડાળે જઈ વળગ્યો ને કુમાર અચંબાથી જોઈ રહ્યો. વાંદરો ધીરજથી બોલ્યો - “તું રાજાનો કુમાર થઈને આવું દુષ્ટ કાર્ય અને વિશ્વાસઘાત કરી શકે છે? તને ખબર છે કે વિશ્વાસઘાત મોટું પાપ છે અને આ પાપથી હેજે છુટાતું નથી. તેને આ અપરાધની શિક્ષા હમણા જ થવી જોઈએ. લે ! એમ કહી વાનરમાં રહેલા વ્યંતરે કુમારને વિસેમિરા કહી ગાંડો કરી નાખ્યો. વાઘ ત્યાંથી ચાલતો થયો. વાનર પણ હુપ...હુપ કરી વન ગજવતો વનની ગહરાઇમાં ઉતરી ગયો. પાગલ થયેલો રાજકુમાર વૃક્ષ પરથી ઉતરી “વિસેમિરા’ ‘વિસેમિરા' બોલતો ને જાતજાતના ચાળા કરતો-વનમાં ફરવા લાગ્યો. જંગલમાંથી ત્રાસીને ભાગી આવેલા ઘોડાને જોઈ રાજપરિવાર ચિંતામાં પડ્યો કે “કુમાર ક્યાં ગયો? તેનું શું થયું. રાજપુરુષો શોધ કરવા ચારે તરફ નિકળી પડ્યા. અંતે વનમાં ભટકતો પાગલ કુમાર મળી આવ્યો. તેને રાજમહેલમાં લાવવામાં આવ્યો.
તેની આ દશા જોઈ સહુ વિમૂઢ થઈ વિમાસણમાં પડ્યા. બધા જાતજાતના પ્રશ્નો પૂછતા હતા પણ કુમાર પાસે પ્રશ્નોનો ‘વિસેમિરા' એ એક જ ઉત્તર હતો. તે વિના કારણે પણ “વિસેમિરા બોલ્યા કરતો. સહુને ખેદ સાથે વિસ્મય પણ થતું. તેનું આ ગાંડપણ દૂર કરવા રાજાએ ઘણા ઉપચાર કર્યા પણ કશો ફાયદો થયો નહીં. નિરાશ થયેલા રાજાને આજે પોતાના ગુરુ શારદાનંદ યાદ આવ્યા. “એ હોત તો અવશ્ય કાંઈક માર્ગ કાઢી આપત, પણ મેં તો તેમને મરાવી નાંખ્યા ! હવે શું થાય?” અંતે પોતાના એકના એક દીકરા માટે રાજાએ ઘોષણા કરાવી કે “રાજકુમારને જે સાજો કરી દેશે તેને અડધું રાજ્ય આપવામાં આવશે.” થોડો સમય વીતતા મંત્રીએ એકાંતમાં રાજાને કહ્યું, “મારી પુત્રી રાજકુમારને સ્વસ્થ કરવાની શ્રદ્ધા રાખે છે. આપ કહો તો...'
રાજા બોલ્યા – “ઘરમાં જ ઉપાય છે તો તમે બોલતા કેમ નથી? ચાલો આપણે કુમારને તમારે ઘેર લઈ જઈએ, તમારી દીકરી જરાય ખચકાયા વિના ભલે ઉપચાર કરે.”