SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ૪૪ સમ્યક્ત્વનું ચોથું લક્ષણ-અનુકંપા સામાન્ય રીતે પ્રાણીને પોતાના સુખ-દુઃખની જ પડી છે. તેથી સામા જીવના દુઃખનો ખ્યાલ આવતો નથી. સંસારમાં દુઃખીઓનો પાર નથી છતાં તે તરફ ધ્યાન ખેંચાવું કે તેમના દુઃખ દૂર કરવાની વૃત્તિ થવી કઠિન કામ છે. દીન, દુઃખી, દરિદ્ર, ભયભીત, ક્લિષ્ટ કે રોગ-પીડા, વધ, બંધનથી આતંકિત પ્રાણીના દુઃખનો પ્રતિકાર કરવાની સતત વાંછા થવી તે અનુકંપા કહેવાય. અનુકંપા ઇશ્વરીય ગુણ છે. તેથી સામાની પીડા સમજી શકાય છે. અનુકંપાની વ્યાપકતા શુદ્ધ કરુણામાં પરિણમે છે. સામાન્ય કોટિની અનુકંપામાંથી પણ દયાનો મહાસાગર ઉદ્ભવી શકે છે. મોક્ષફળદાયક સુપાત્રદાનના વિષયમાં પાત્ર-અપાત્રની વિચારણા યોગ્ય છે પણ દયા-દાનનો નિષેધ તીર્થંકર પરમાત્માએ ક્યાંય કર્યો નથી. ગુણહીન જીવો ઉપર પણ સત્પુરુષો દયા જ કરે છે. ચંદ્ર કાંઇ પોતાની ચાંદની ચાંડાલના મકાન પરથી ખસેડી લેતો નથી. અર્થાત્ ચંદ્રમા જેમ બધે સરખી જ્યોત્સ્ના રેલાવે છે તેમ સાધુપુરુષો સહુ પર સરખી દયા-અનુકંપા રાખે છે. અપકાર-કનડગત કરનાર ઉપર પણ સારી બુદ્ધિવાળા આત્માઓ વિશેષે કરી કરુણા કરે છે. પોતાને દંશ દેનાર સર્પને પણ પ્રભુ મહાવીરદેવે પ્રતિબોધ આપ્યો તેમ તે ચંડકૌશિકનું વૃત્તાંત આ પ્રમાણે છેચંડકૌશિકની કથા એક બાળમુનિ સાથે એક તપસ્વી મુનિ ગૈાચરી જતા હતા. માર્ગમાં અજાણતાં તેમના પગ તળે દેડકી ચગદાઈ ગઈ. બાળમુનિએ તે વાત તેમને જણાવી. પણ તે વાત તપસ્વીમુનિના માનવામાં ન આવી. ઉપાશ્રયમાં આવ્યા પછી પણ ગૌચરી આલોવતા, પડિલેહણ કરતા અને છેવટે પ્રતિક્રમણ કરતાં એમ ત્રણ વાર બાળમુનિએ તપસ્વીમુનિને પગતળે ચંપાયેલી દેડકીની આલોચના યાદ કરાવી. પણ તપસ્વી મુનિને માનહાનિ જેવું લાગતા નાના મુનિ પર ક્રોધે ચડ્યા અને તે તેમને મારવા દોડ્યા. ચપળ બાળમુનિ તો અંધારામાં ક્યાંક છટકી ગયા. પણ મારવા દોડતા મુનિના કપાળે જોસથી થાંભલો ભટકાતાં તેમનું ત્યાં જ અવસાન થયું. ને તેઓ જ્યોતિષચક્રમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી તે એક કુલપતિના આશ્રમમાં જન્મ્યા, તેનું નામ કૌશિક રાખ્યું પણ અતિક્રોધી હોય તે ચંડકૌશિક તરીકે પ્રસિદ્ધ થયો. મોટો થતાં તે પાંચસો તાપસોનો નાયક બન્યો. એકવાર કેટલાક રાજકુમારોને તેના આશ્રમમાંથી ફળ તોડતા જોઇ તે તેમને કુહાડી લઇ મારવા દોડ્યો પણ માર્ગમાં આવતાં ખાડામાં પડી જતા તે કુહાડીથી જ તેનું મરણ થયું. તે જ જંગલમાં તે વિષસર્પ થયો. તેની દૃષ્ટિમાત્રના વિષક્ષેપથી તેણે ત્યાં જતાં-આવતાં માણસો જ નહીં, પશુ જ નહીં પણ તે ભાગમાં ઉડતા પક્ષીઓને પણ મૃત્યુને આરા પહોંચાડ્યા. પરિણામે તે આખો ભૂભાગ વેરાન અને ઉજ્જડ થઇ ગયો. વનસ્પતિ પણ બળી ગઇ. માણસો કે પશુઓ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy