________________
અહીં સજ્જનોનું સુભાષિત એ છે કે પિતાની વાતનું જ વિધાન કરનારા બાળકની જેમ અહીં સમજી લેવું.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પોતાના પિતાશ્રીની વાતનો અનુવાદ કરનાર બાળક પોતાના પિતાજીની હલના જેમ કરતો નથી તેમ અહીં પણ કવિજનો પૂર્વ પૂર્વ કાળના મહાપુરુષોની વાતને જ વિસ્તારથી નવા ગ્રંથોની રચનાથી સમજાવતા હોય છે, તેથી તેઓશ્રીની હલના થતી નથી. પરંતુ તેથી પૂર્વપૂર્વ મહાપુરુષોની પ્રત્યેનો સમર્પણભાવ વ્યક્ત થતો હોય છે. પૂર્વ પૂર્વ શાસકારપરમર્ષિઓનાં અર્થગંભીર વચનોને ભવ્ય જીવોના હૃદય સુધી પહોંચાડવા માટેનો જ એ એક પરિશ્રમ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩ર-૧પ
આમ છતાં નવા નવા ગ્રંથની રચનાથી થતી સ્વાધ્યાયહાનિથી શું મળવાનું છે, આવી શંકાનું સમાધાન કરાય છે–
किं तथाऽपि पलिमन्थमन्थरैरत्र साध्यमिति दुर्जनोदिते ।
स्वान्ययोरुपकृतिर्नवा मतिश्चेति सज्जननयोक्तिरर्गला ॥३२-१६॥ “તોપણ નવી ગ્રંથરચનાની પ્રવૃત્તિથી થનારી મૂલાગમના સ્વાધ્યાયની હાનિથી શું સિદ્ધ કરવાનું છે? - આ પ્રમાણે દુર્જનો આક્ષેપ કરે છે, ત્યારે તે આક્ષેપનો પ્રતિબંધ કરનાર સજ્જનોની નીતિને અનુસરનારું એ વચન છે કે સ્વપર ઉપકાર અને નવી બુદ્ધિ સાધ્ય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, “જ્યારે મૂળ આગમો વિદ્યમાન છે, ત્યારે તેનો સ્વાધ્યાય કરવાના બદલે નવા નવા ગ્રંથોની રચના કરવામાં સમયનો વ્યય કરી શું સિદ્ધ કરવાનું છે? અર્થાત્ કશું જ સિદ્ધ થવાનું નથી.' - આ પ્રમાણે દુર્જનો કવિઓની પ્રત્યે આક્ષેપ કરે છે. એના પરિવાર માટે સજ્જનોનું નીતિયુક્ત એ વચન છે કે “નવા નવા ગ્રંથની રચનાથી મૂળઆગમમાં વર્ણવેલા તે તે પદાર્થનું જ્ઞાન પોતાને અને બીજાને સ્પષ્ટ રીતે થાય છે. તેવા પ્રકારના સ્વપર ઉપકાર માટે અને નવી નવી પ્રજ્ઞા માટે નવા નવા ગ્રંથની રચના ઉપયોગી બને છે.” - આ સજ્જનોનું વાક્ય દુર્જનના આક્ષેપનો પ્રતિબંધ કરે છે. ૩૨-૧૬ll. ઉપર જણાવેલી વિગતમાં શાસ્ત્રકારપરમર્ષિની સમ્મતિ જણાવાય છે–
सप्रसङ्गमिदमाद्यविंशिकोपक्रमे मतिमतोपपादितम् ।
चारुतां व्रजति सज्जनस्थिति क्षतासु नियतं खलोक्तिषु ॥३२-१७॥ “પ્રસંગવશ ઉપર જણાવેલી વિગત બુદ્ધિમાન સૂરિપુરંદર પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “વિંશતિ વિંશિકા પ્રકરણની પ્રથમવિંશિકાના પ્રારંભે જણાવી છે. ખરેખર જ દુર્જનોની વાતોનું ખંડન ન થાય ત્યાં સુધી સજજનોની સ્થિતિ સુંદર થતી નથી.” - આ પ્રમાણે સત્તરમાં શ્લોકનો અર્થ છે.
૨૬૪
સજ્જનસ્તુતિ બત્રીશી