________________
વિનયનું સ્વરૂપ જણાવતાં પૂ. સાધુભગવંતોને સંયોગથી મુક્ત વર્ણવ્યા છે. એવા સાધુભગવંતો જ એ સૂત્રમાં જણાવેલા આચારનું પાલન કરી શકે છે. પૂર્વસંયોગોનો ત્યાગ કર્યા પછી પણ દીક્ષા લીધા પછી જે નવા સંયોગો ઊભા કરાય છે, તેથી પૂર્વસંયોગોનો ત્યાગ અર્થહીન બની જાય છે. આ વાતને સંયોગ વિખસ આ પદથી ખૂબ જ ભારપૂર્વક ત્યાં જણાવી છે. સમગ્ર સાધ્વાચારના પાલનનું એ એકમાત્ર કારણ છે. આથી જ પૂર્વકાળમાં પૂ. સાધુભગવંતો નિર્જન ઉદ્યાનાદિમાં રહેતા, જેથી ગૃહસ્થના સંયોગનો પ્રસંગ આવે નહિ. માસકલ્પાદિસ્વરૂપ વિહારની મર્યાદા પાછળ પણ એ ઉદેશ હતો, જેથી એક સ્થાને વધારે રહેવાથી સ્થાનાદિની પ્રત્યે મમત્વ ન બંધાય. આજે તદ્દન જ વિપરીત સ્થિતિ છે. મમત્વના કારણે જ મોટા ભાગે વિહારાદિની પ્રવૃત્તિ થતી હોય છે. મમત્વને દૂર કરવા માટેના આચારો જ જ્યાં મમત્વને લઇને થતા હોય ત્યાં ઉપશમભાવની આશા રાખવાનો કોઈ જ અર્થ નથી.
દીક્ષા લેતાં પૂર્વે આત્માને છોડીને અન્ય સકલ સંયોગોનો ત્યાગ કરવાનો હોવાથી માતાપિતા વગેરે સ્વજનો અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરાય છે. પરંતુ એવી જાતનો સર્વોત્કૃષ્ટ ત્યાગ કરનારા આત્માઓથી પણ આત્માથી અતિરિક્ત એવા શરીરનો ત્યાગ કરી શકાતો નથી. જ્યાં સુધી શરીર સંયમની સાધનામાં બરાબર સહાયભૂત થાય છે ત્યાં સુધી તેનો ત્યાગ કરવાનું વિહિત પણ નથી. અનાદિ-કાળથી શરીરનો અને આત્માનો સંયોગ છે. શરીરની સહાયથી આત્માને અશરીરી થવાનું છે. શરીરની સહાય અશરીરી બનવા માટે લેવાની છે. બીજા શરીરના સંયોગ માટે નહીં. આયુષ્યકર્મનો જ્યાં સુધી યોગ છે; ત્યાં સુધી શરીર છૂટવાનું નથી. તેથી દીક્ષા લેતાં પૂર્વે આત્માને છોડીને અન્ય સઘળા ય સંયોગોનો ત્યાગ કર્યા પછી પણ શરીરના સંયોગનો ત્યાગ કરી શકાતો નથી. અશરીરી બનવાની ભાવના હોવા છતાં શરીરની સાથે જ દીક્ષા ગ્રહણ કરવાની છે. આવી અવસ્થામાં શરીરનો સંયોગ અશરીરી બનવામાં બાધક ન બને અને સહાયક બને એ માટે શ્લોકમાં છેલ્લા બે પાદથી ઉપાય દર્શાવ્યો છે.
આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ દીક્ષા લેતી વખતે માતાપિતાદિના સંયોગના ત્યાગની જેમ આ શરીરના સંયોગનો ત્યાગ કરી શકાતો નથી, તેથી તેની પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવો જોઇએ. વસ્તુનો ત્યાગ શક્ય હોય તો તેનો ત્યાગ કરવાનો જ છે. પરંતુ જયારે તે શક્ય ન હોય તો તે વસ્તુ પ્રત્યેના મમત્વનો તો ત્યાગ કરવો જ જોઈએ. આમ પણ વસ્તુ(પરપદાર્થ)નું અસ્તિત્વ વગેરે મોક્ષનું બાધક બનતું નથી. પરંતુ પરપદાર્થસ્વરૂપ એ વસ્તુની પ્રત્યે જે મમત્વ કે દ્વેષનો પરિણામ છે – એ જ બાધક બને છે. માતાપિતાદિના પૂર્વસંયોગોનો ત્યાગ કર્યા પછી પૂ. સાધુભગવંતોની પાસે માત્ર શરીરનો સંયોગ રહ્યો છે. દીક્ષા પૂર્વેના મમત્વના બધા વિષયોમાંથી માત્ર આ પોતાનું શરીર રહ્યું છે. આથી સઘળું ય મમત્વ હવે દીક્ષા લીધા પછી; શરીરમાં ભરાય નહિ એ માટે શરીરપીડનનો અહીં ઉપદેશ કર્યો છે.
એક પરિશીલન
૧૪૫