________________
“અહિત, અકાળ, સુખ અને સર્વત્ર અસારને વિશે કરુણાથી, અનુબંધથી, નિર્વેદથી અને તત્ત્વચિંતનથી માધ્યસ્થ સ્વરૂપ ઉપેક્ષાભાવના કહેવાય છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે માધ્યશ્મસ્વરૂપ ઉપેક્ષાભાવના છે. તે પણ ચાર પ્રકારની છે. જેના અનુક્રમે અહિત, અકાળ, સુખ અને અસાર વિષય છે અને કરુણા, અનુબંધ, નિર્વેદ અને તત્ત્વચિંતન પ્રયોજક છે.
પહેલી ઉપેક્ષાભાવના કરુણાને લઇને અહિતના વિષયમાં થતી હોય છે. જેમ કોઈ માણસ પોતાની ઇચ્છાથી અપથ્યનું સેવન કરતો હોય ત્યારે તેનું નિવારણ કરવાના બદલે, હશે ! બિચારાને સેવવા દો.. ઇત્યાદિ સ્વરૂપ કરુણાને લઇને તેની ઉપેક્ષા કરાય છે. તે પહેલી ઉપેક્ષાભાવના છે. અનવસરે ભવિષ્યનો વિચાર કરવા સ્વરૂપ અનુબંધને લઇને બીજી ઉપેક્ષાભાવના થાય છે. જેમ કોઇ માણસ આળસના કારણે અર્થ(ધન)ના ઉપાર્જન વગેરેમાં પ્રવૃત્તિ કરતો નથી ત્યારે અર્થોપાર્જનાદિમાં અપ્રવર્તમાન એવા તેને જોઇને તેના હિતના અર્થી તેને હિતમાં (અર્થોપાર્જનાદિમાં) પ્રવર્તાવે છે. પરંતુ કોઈ વાર પરિણામ સારું નહીં આવે, એમ ધારીને એવા વખતે માધ્યશ્મ ધારણ કરે છે. તે બીજી ઉપેક્ષાભાવના છે.
સંસારના સુખના વિષયમાં નિર્વેદને લઈને ત્રીજી ઉપેક્ષા ભાવના થતી હોય છે. સંસારના સુખ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે સંસારના સુખ પ્રત્યે ઉપેક્ષાભાવના પ્રગટે છે, તે ત્રીજી ઉપેક્ષાભાવના છે. સંસારનું સુખ બહુતરદુઃખથી અનુવિદ્ધ હોવાથી દુઃખમાં અને સંસારના સુખમાં કોઈ અત્યંત વિશેષતાને નહિ માનવાથી અસાર એવા તે સુખમાં નિર્વેદ જાગે છે અને તેથી તેમાં ઉપેક્ષાભાવ આવે છે; જે, બધીય ઇન્દ્રિયોને આલ્હાદકર હોવા છતાં સાંસારિક સુખને દુઃખસ્વરૂપ માનતા યોગીજનોમાં જોવા મળે છે. સર્વત્ર અસાર એવા પદાર્થોને વિશે તત્ત્વની વિચારણાને લઈને ચોથી ઉપેક્ષાભાવના થતી હોય છે. મનોજ્ઞ(ગમતી) કે અમનોજ્ઞ(અણગમતી) વસ્તુઓમાં વાસ્તવિક રીતે રાગ કે દ્વેષનું ઉત્પાદત્વ નથી અર્થાત્ કોઈ પણ વસ્તુ રાગ-દ્વેષનું કારણ નથી. પરંતુ મોહનીયાદિ ઘાતિ કર્મોના વિકાર(વિપાક)ના કારણે ઉત્પન્ન થયેલા પોતાના અશુભ ભાવ સ્વરૂપ(સ્વાપરાધ) દોષના કારણે જ મનોજ્ઞ કે અમનોજ્ઞ વસ્તુઓમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન થાય છે... આવી ભાવના ભાવવા સ્વરૂપ તત્ત્વચિંતનના કારણે પોતાને છોડીને (મોહાધીનતાને છોડીને) કોઈ પણ વસ્તુમાં સર્વત્ર સુખ કે દુઃખની કારણતાને ન માનવાના કારણે સ્વાતિરિક્ત વસ્તુમાત્રમાં જે ઉપેક્ષાભાવ આવે છે, તેને ચોથી ઉપેક્ષાભાવના કહેવાય છે. આ વાતને જણાવતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે કરુણા, અનુબંધ, નિર્વેદ અને તત્ત્વ છે સારભૂત જેમાં તેને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ઉપેક્ષાભાવના કહેવાય છે. એનો આશય સ્પષ્ટ છે, જે ઉપર જણાવ્યો છે. ૧૮-૬ll.
७४
યોગભેદ બત્રીશી