________________
પરિશીલનની પૂર્વે ચોથી દષ્ટિને પામ્યા પછી પાંચમી દષ્ટિને પામવા માટે જે કુતર્કગ્રહ નડે છે, તેનું સ્વરૂપ વર્ણવીને તેની નિવૃત્તિનો ઉપદેશ આ બત્રીશીમાં કરાયો છે. આ બત્રીશીના નામથી તેમાં વર્ણવેલા વિષયનો સામાન્યથી ખ્યાલ આવી જાય છે.
ચોથી દષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી. કારણ કે ત્યાં અવેદ્યસંવેદ્યપદ હોય છે. તેને જીત્યા વિના પાંચમી દષ્ટિ પ્રાયોગ્ય સૂક્ષ્મ બોધ પ્રાપ્ત થતો નથી. અવેદ્યસંવેદ્યપદને જીતવાના ઉપાય સ્વરૂપે અહીં કુતર્કગ્રહનિવૃત્તિનું નિરૂપણ કરાય છે. આ બત્રીશીના પ્રારંભમાં જ કુતર્કની ભયંકરતા સમજાવતાં જણાવ્યું છે કે શમ, જ્ઞાન અને શ્રદ્ધાનો સર્વથા વિનાશ કરનારો કુતર્ક છે. શમ, જ્ઞાન અને શ્રદ્ધાનું મહત્ત્વ મુમુક્ષુઓને સમજાવવાની ખરેખર જ આવશ્યકતા નથી. તેઓ તે સારી રીતે સમજે છે. મુમુક્ષુ આત્માઓએ કુતર્કમાં અભિનિવેશ રાખ્યા વિના શ્રત, શીલ અને સમાધિમાં તે રાખવો જોઈએ.
અહીં કુતર્કની ભયંકરતા જણાવીને તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. અરસપરસ યુક્તિઓનું આદાન-પ્રદાન કર્યા પછી છેલ્લે સ્વભાવવાદના શરણે કુતર્ક લઈ જાય છે. સ્વભાવવાદના કારણે તદ્દન જ અપ્રતીતિકર સ્વભાવની સિદ્ધિ પણ કુતર્કથી થતી હોય છે... ઇત્યાદિનું વર્ણન સામાન્યથી ૮ થી ૧૨મા શ્લોક સુધીના શ્લોકથી કરવામાં આવ્યું છે. એનાથી કુતર્કની વિષમતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે કુતર્કનો કોઈ જ ઉપયોગ નથી : એ વાતને બારમા શ્લોકથી જણાવીને તેરમા શ્લોકમાં અતીન્દ્રિયાર્થની સિદ્ધિ માટે શાસ્ત્ર જ એક ઉપાય છે – તેમ જણાવ્યું છે.
ત્યાર પછી તાત્ત્વિક રીતે મોક્ષપ્રાપક માર્ગના નિરૂપણને લઈને શાસ્ત્રમાં કોઈ ભેદ નથી, તેથી મોક્ષમાર્ગમાં પણ કોઈ ભેદ નથી અને સર્વજ્ઞ પરમાત્મામાં પણ કોઈ ભેદ નથી... ઇત્યાદિનું વર્ણન લગભગ દશ શ્લોકોથી વિસ્તારપૂર્વક કર્યું છે. તે બધામાં ભેદ ન હોવા છતાં સર્વજ્ઞપરમાત્માઓની દેશનામાં જે ફરક વર્તાય છે; તેનું જ કારણ છે તેનું વર્ણન કરતી વખતે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ: આ ત્રણ પ્રકારના બોધનું નિરૂપણ કર્યું છે. બુદ્ધિ વગેરે પૂર્વકનાં તે તે અનુષ્ઠાનોના ફળનું વર્ણન કરતી વખતે શ્રુતશક્તિને મુક્તિના કારણ તરીકે વર્ણવી છે. સાક્ષાતુ કે પરંપરાએ કોઈ પણ અનુષ્ઠાન મોક્ષનું કારણ બનતું હોય તો તેમાં શ્રુતશક્તિનો સમાવેશ મુખ્યપણે હેતુ હોય છે. શ્રી સર્વજ્ઞપરમાત્માઓની દેશના આ રીતે બુદ્ધિ વગેરેના કારણે ભિન્ન જણાતી હોવા છતાં પ્રાપ્ય મોક્ષ એક હોવાથી તેનો માર્ગ પણ એક છે... ઇત્યાદિ વસ્તુ ખૂબ જ સરસ રીતે વર્ણવી છે. જીવની યોગ્યતા મુજબ બીજાધાનાદિ માટે શ્રી સર્વજ્ઞભગવંતો તે તે નયોની પ્રધાનતાએ દેશના આપતા હોય છે. મોક્ષ કે મોક્ષમાર્ગના ભેદના કારણે નહીં.
૨૩૬
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી