________________
એનો કહેવાનો આશય એ છે કે પ્રાણાયામની સિદ્ધિ થવાથી ચિત્ત સ્થિર થાય છે અને તેથી સ્થિર થયેલા એ ચિત્તને સુખેથી નિયત કરેલા દેશ(વિષય)માં ધારી શકાય છે. આ રીતે પ્રાણાયામથી ધારણાની યોગ્યતા પ્રાપ્ત થાય છે તેમ જ સાત્ત્વિક સત્ત્વગુણપ્રધાન) ચિત્તમાં જે વિવેકજ્ઞાન સ્વરૂપ પ્રકાશ છે; તેના આવરણભૂત અવિદ્યાદિ ક્લેશોનો ક્ષય થાય છે. આ પ્રમાણે યોગસૂત્રમાં પણ વર્ણવ્યું છે. (જુઓ સૂ.નં. ૨-૫૩ અને ૨-પર)
આવા પ્રકારના પ્રાણાયામને પતંજલિ વગેરેએ યોગની સિદ્ધિ માટે વર્ણવ્યો છે. પરંતુ ભગવાન શ્રી જિનેશ્વર દેવોના પ્રવચનમાં તો એ પ્રાણાયામ વ્યાકુળતામાં કારણ હોવાથી શ્વાસપ્રશ્વાસનો નિરોધ નિષિદ્ધ જ છે. મનવચનકાયાના યોગોની સમાધિ ટકી રહે એવી પ્રવૃત્તિ જ કલ્યાણને કરનારી છે. શ્વાસનો વિરોધ કરવા સ્વરૂપ વ્યાઘાત(સ્વાધ્યાયાદિ વ્યાઘાત)નું કોઈ જ પ્રયોજન નથી. શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિમાં; એ વિષયમાં વર્ણવ્યું છે કે – કાઉસ્સગ્નમાં ઊભો રહેલો નવો સાધક ઉચ્છવાસને રૂંધે નહિ; તો પછી ચેષ્ટા સહિત કાયોત્સર્ગ કરનારની તો વાત જ ક્યાંથી હોય? અર્થાત્ તે તો ઉચ્છવાસને ન જ રૂપે; કારણ કે શ્વાસને સદંતર રોકવાથી તુરંત જ મરણ આવે છે. તેથી કાઉસગ્નમાં રહેલો સાધક સૂક્ષ્મ ઉચ્છવાસને જયણાથી છોડે.
આમ છતાં પતંજલિ વગેરેએ જે જણાવ્યું છે તે કોઈ પુરુષવિશેષમાં તેની યોગ્યતા પ્રમાણે યોગ્ય છે. કારણ કે યોગીઓની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. ઉક્ત પ્રાણાયામની રુચિવાળા જીવોને પ્રાણાયામથી પણ ફળની સિદ્ધિ થાય છે. પોતાની રુચિના કારણે સારી રીતે સિદ્ધ થયેલો ઉત્સાહ યોગનો ઉપાય છે. “યોગબિંદુ(૪૧૧)માં એ અંગે જણાવ્યું છે કે – “ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, સંતોષ, તત્ત્વદર્શન અને જનપદનો ત્યાગ : આ છથી યોગની પ્રાપ્તિ થાય છે. વર્ષોલ્લાસને ઉત્સાહ કહેવાય છે; કર્તવ્યના જ એકમાત્ર પરિણામને નિશ્ચય કહેવાય છે; સંકટ પડે પણ પ્રતિજ્ઞાથી વિચલિત ન થવા સ્વરૂપ ધૈર્ય છે; આત્મામાં રમણતા સ્વરૂપ સંતોષ છે; “યોગ એક જ પરમાર્થ છે – આવી સમાલોચનાને તત્ત્વદર્શન કહેવાય છે અને ભવનું અનુસરણ કરનારા લોકવ્યવહારનો ત્યાગ કરવો - એ જનપદત્યાગ છે. એ છ ઉપાયોથી યોગના અર્થી જનોને યોગની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાશે કે પ્રાણવૃત્તિનિરોધ(પ્રાણાયામ)થી જ જેને ઇન્દ્રિયોની વૃત્તિઓનો નિરોધ પ્રાપ્ત થાય છે; તેને પ્રાણાયામનો ઉપયોગ છે. પરંતુ પ્રાણાયામ વિના જ જેને ઇન્દ્રિયવૃત્તિનિરોધ પ્રાપ્ત થાય છે તેને તેનો (પ્રાણાયામનો) કોઈ જ ઉપયોગ નથી.. ઇત્યાદિ બરાબર સમજી લેવું. ૨૨-૧૮
ભાવને આશ્રયીને પ્રાણાયામનું સ્વરૂપ વર્ણવાય છે–
रेचनाद् बाहाभावानामन्तर्भावस्य पूरणात् । कुम्भनानिश्चितार्थस्य प्राणायामश्च भावतः ॥२२-१९॥
એક પરિશીલન
૨ ૨૧