________________
रागो गुणिनि सर्वत्र निन्दात्यागस्तथाऽऽपदि ।
अदैन्यं सत्प्रतिज्ञत्वं सम्पत्तावपि नम्रता ॥१२-१४॥ राग इति-गुणिनि गुणवति पुंसि रागः । सर्वत्र जघन्यमध्यमोत्तमेषु निन्दात्यागः परिवादापनोदः । तथा आपदि विपत्तौ अदैन्यमदीनभावः । सत्प्रतिज्ञत्वं प्रतिपन्नक्रियानिर्वाहणं । सम्पत्तावपि विभवसमागमेऽपि नम्रता औचित्येन नमनशीलता ।।१२-१४।।
ગુણવાન પુરુષોમાં રાગ; સર્વત્ર નિંદાનો ત્યાગ; આપત્તિમાં અદીનતા, પ્રતિજ્ઞાનું પાલન અને સંપત્તિમાં પણ નમ્રતા - આ સદાચાર છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સુદાક્ષિણ્ય વગેરેની જેમ જ ગુણવાન પુરુષોમાં રાગ વગેરે, ઉપર જણાવેલા પણ સદાચારો છે. ગુણવાન પુરુષોની પ્રત્યે જે રાગ છે – તેને છઠ્ઠા સદાચારસ્વરૂપે અહીં વર્ણવ્યો છે. જ્ઞાનાદિગુણસંપન્ન પુરુષો પ્રત્યે રાગ ધરવો જોઇએ. આ અપારસંસારથી પાર ઊતરવા માટે જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ વિના બીજો કોઈ ઉપાય નથી. એ ગુણોને પ્રાપ્ત કરવા માટે ગુણસંપન્ન પુરુષોનું સાંનિધ્ય નિરંતર હોવું જોઇએ. કારણ કે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ તે પુણ્યપુરુષોને આધીન છે. ગુણવાન પુરુષો; વિના સ્વાર્થે પોતાના સાંનિધ્યમાં રહેનારા જીવોને ગુણસંપન્ન બનાવવામાં પ્રયત્નશીલ હોય છે. આજ સુધીની આપણી નિર્ગુણ અવસ્થાનો વિચાર કરીએ તો સમજાશે કે ગુણસંપન્ન પુરુષોનું સાંનિધ્ય આપણે પ્રાપ્ત કર્યું ન હોવાથી એ નિર્ગુણ-અવસ્થા છે, અને ગુણસંપન્ન આત્માઓ પ્રત્યે રાગ ન રાખવાથી ગુણીજનોનું સાંનિધ્ય આપણે મેળવી શક્યા નહિ. અનાદિકાળના કુસંસ્કારોના કારણે લગભગ દુષ્ટ પુરુષોની પ્રત્યે જ રાગ કરવાનું બનતું આવ્યું છે. ગુણ અને ગુણીજનો પ્રત્યે રાગ કેળવવાનું ખૂબ કપરું છે. દોષ પ્રત્યે દ્વેષ જાગે અને ગુણની ઉત્કટ ઇચ્છા જાગે તો ગુણવાન પુરુષો પ્રત્યે રાગ જન્મ. ગુણીજનોની સંખ્યા ખૂબ જ અલ્પ છે. ગુણીજનોનો સમાગમ મહામુસીબતે થતો હોય છે અને એ વખતે તેમની પ્રત્યે રાગ થાય - એવું ભાગ્યે જ બનતું હોય છે. યોગના અર્થી જનોને લોકોત્તર ગુણસંપન્ન આત્માઓના સાંનિધ્યમાં રહેતી વખતે તેઓશ્રીની પ્રત્યે જો રાગ ન હોય તો ભારે કરુણ પ્રસંગ સર્જાય, તેથી યોગની પૂર્વસેવામાં ગુણીજનો પ્રત્યે રાગ કેળવી લેવાનું ખૂબ જ આવશ્યક છે.
આ રીતે ગુણવાન પુરુષો પ્રત્યે જેમ રાગ રાખવાનો છે તેમ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કોટિના જીવો પ્રત્યે નિંદાનો ત્યાગ કરવાનો છે. સર્વત્ર (જીવમાત્રમાં) નિંદાત્યાગ સ્વરૂપ સાતમો સદાચાર છે. આ સદાચારનું પાલન કરવાનું લગભગ અશક્ય છે. બીજાના અવર્ણવાદ સ્વરૂપ નિંદાનું દૂષણ ક્યાં નથી – એ શોધવા નીકળવું પડે એવું છે. જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ એવા કોઈ પણ માણસની નિંદા ન કરવી – એ યોગની પૂર્વસેવાવિશેષ છે. લોકોત્તર માર્ગની જેઓ આરાધના કરી રહ્યા છે – એવા આત્માઓ માટે પણ આ સદાચારનું પાલન આજે જરૂરી હોય
એક પરિશીલન
૧૭૩