________________
ગુરુદેવાદિસંબંધી ગોચરી, પાણી, ઓઘા વગેરેની પ્રતિલેખના અને કાપવિશ્વ-પ્રક્ષાલન) વગેરે કાર્ય કરતાં પૂર્વે અને કાર્ય કર્યા પછી પણ એવી ગંભીરતા રખાતી નથી. કામ કરીએ અને એની બીજાને જાણ ન થાય તો કામ કરવામાં મજા જ ન આવે – એ સ્પષ્ટ રીતે આજે જોવા મળે. આ બધાના મૂળમાં વાસ્તવિક રીતે સુદાક્ષિણ્યગુણનો અભાવ છે. યોગની પૂર્વસેવામાં જ ભલીવાર ના હોય તો યોગની સાધનામાં ભલીવાર ન જ હોય - એ સમજી શકાય છે.
યોગની પૂર્વસેવામાં બીજા સદાચાર તરીકે “દયાલુત્વને વર્ણવ્યો છે. કોઈ પણ જાતની માયા વિના બીજાના દુઃખને દૂર કરવાની ઇચ્છાને દયાળુતા કહેવાય છે. દયાળુતા-દયા આજ સુધી આપણે કરતા જ આવ્યા છીએ. પરંતુ એ સદાચારરૂપે પરિણમી છે કે નહિ - તે વિચારવું જોઈએ. સામી વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુના લાભની અપેક્ષાને રાખીને મોટા ભાગે બીજાના દુઃખને દૂર કરવાની ઇચ્છા સેવાય છે. ભાવના ખરેખર તો પોતાના દુઃખને દૂર કરવાની હોય છે. પરંતુ દેખાવ બીજાના દુઃખને દૂર કરવાનો થતો હોય છે. જીવજંતુને કોઈ મારી નાખે નહિ તેથી તેને સુરક્ષિત સ્થાને રાખતી વખતે ભાવ તો લગભગ તે આપણને કરડે નહિ - તેનો હોય તો દયાનો પરિણામ વાસ્તવિક નથી, માયાપૂર્વકનો છે. સાચી દયાળુતા પણ સરળતાથી પ્રાપ્ત કરી શકાય એવી નથી. અનાદિકાળથી દઢ થયેલા કુસંસ્કારો ભૂંસાય નહિ તો સદાચારસ્વરૂપ દયાને પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને. ગમે ત્યાંથી ગમે તે રીતે પણ લાભ મેળવવાની વૃત્તિ જ ખરેખર તો માણસને માયાવી બનાવે છે. માયાથી રહિત એવી બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છાને અહીં દયાલુત્વ સ્વરૂપ સદાચાર તરીકે વર્ણવી છે. શક્તિ કે સંયોગો ન હોય તો બીજાના દુઃખને દૂર કરવાનું શક્ય ન બને તોપણ એ વિષયની ઇચ્છા અશક્ય નથી. એવી ઇચ્છાને સેવતી વખતે માયા ન કરીએ તો દયાસ્વરૂપ બીજો સદાચાર સરળતાથી પામી શકાય છે.
દીનોદ્ધાર સ્વરૂપ ત્રીજા આચારનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કે દીનના ઉપકાર માટે પ્રયત્ન કરવો. અહીં “દીન' પદથી દીન, અનાથ, દરિદ્ર, પંગુ અને અંધ વગેરે જીવો સમજવાના છે. દિન, અનાથ વગેરે જીવોને ઉપકારનું કારણ બની શકે એવી પ્રવૃત્તિમાં પ્રયત્ન કરવા સ્વરૂપ અહીં દીનોદ્ધાર છે. દિનાદિ ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી આ પ્રયત્ન નથી. આ પ્રયત્ન એવો છે કે જેથી દીનાદિ જીવોને ઉપકારનું એ કારણ બને છે. ઉપકાર કરવા માટે પ્રવૃત્તિ કરવી અને પ્રવૃત્તિથી ઉપકાર થવો - એ બંન્નેમાં જે ફરક છે તેને યાદ રાખવો જોઇએ. અહીં યોગની પૂર્વસેવામાં વર્ણવતા સદાચારો કોઈની ઉપર ઉપકાર કરવા માટે વિહિત નથી. યોગની પ્રાપ્તિ દ્વારા પોતાના કલ્યાણ માટે તે વિહિત છે. તેથી દીનાદિનો ઉદ્ધાર પણ તેમની ઉપર ઉપકાર કરતા હોઈએ તે રીતે કરવાનો નથી. યોગની પ્રાપ્તિ માટેની એ એક અપૂર્વ સાધના છે – એમ સમજીને સદાચારો સેવવા જોઇએ.
એક પરિશીલન
૧૭૧