________________
“ગીતાર્થપાતંત્ર્યનો ત્યાગ કરવાથી સંવિગ્નાભાસીઓની શુદ્ધભિક્ષા ગ્રહણ કરવાદિની પ્રવૃત્તિ ફળથી રહિત છે તેમ જ સમુદ્રમાં નૌકાનો ભંગ થવા સ્વરૂપ વિપરીત ફળવાળી છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ગીતાર્થનું પાતંત્ર્ય છોડીને પોતાની ઇચ્છા મુજબ જેઓ સમુદાયથી જુદા સ્વતંત્રપણે વિચરે છે; તેઓ સંવિગ્નાભાસી છે. આવા સંવિગ્નાભાસીઓ જે કોઈ; શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવી; નવકલ્પી વિહાર કરવા; મલિનવસ્ત્ર ધારણ કરવાં અને અપ્રમત્તપણે બધી ક્રિયાઓ કરવી... વગેરે પ્રવૃત્તિ કરે છે તેનું કોઈ જ ફળ નથી. કારણ કે એ બધી સ્વેચ્છામૂલક છે, પૂ. ગીતાર્થ ગુરુભગવંતની આજ્ઞામૂલક નથી. કોઈ પણ પ્રવૃત્તિની સફળતા તેની ગીતાર્થપરતંત્રતાના કારણે છે. વિહિત હોવા છતાં પણ જે પ્રવૃત્તિ ગીતાર્થની નિશ્રા વિના કરાયેલી છે તેનું કોઈ જ ફળ નથી. એટલું જ નહિ તેનું વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. સમુદ્રને પાર જવા માટે નાવમાં બેસીને નીકળ્યા પછી અધવચ્ચે નાવ ભાંગી જાય તો; ઇષ્ટસ્થાને તો ન જ પહોંચાય પરંતુ મધ્ય દરિયે ડૂબી જવાય. આવું જ સંવિગ્નાભાસીઓના જીવનમાં બને છે. આ સંસારસમુદ્રથી પાર ઊતરવા માટે તેઓએ સંયમનૌકાનો આશ્રય તો લીધો પરંતુ ગીતાર્થ-પારતંત્રનો ત્યાગ કરવાથી તેમની નૌકા જ ભાંગી ગઈ. આવી દશામાં તેમને તેમની પ્રવૃત્તિથી ઇષ્ટ-મોક્ષની પ્રાપ્તિ તો થતી જ નથી, પરંતુ વિપરીત ફળ સ્વરૂપે ભવસમુદ્રમાં ડૂબવાનું જ થાય છે – એ સમજી શકાય છે.
શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ આરાધના કરવાના બદલે પોતે માની લીધેલી આરાધના કરવાથી કેવી સ્થિતિ થાય છે – તે દષ્ટાંતથી ખૂબ જ સ્પષ્ટપણે અહીં વર્ણવી છે. દાંતનો પરમાર્થ સારી રીતે સમજાય છે. મધ્ય દરિયે નૌકાનો ભંગ થાય તો કેવી કરુણ-દયનીય પરિસ્થિતિ સર્જાય - એને આપણે સૌ બરાબર સમજી શકીએ છીએ. એથી પણ ભયંકર સ્થિતિ સંવિગ્નાભાસોની છે. ભવસમુદ્રની ભયંકરતા સમજાયા વગર ગીતાર્થના પાતંત્ર્યનું મૂલ્ય સમજાશે નહિ. આ સંસારસમુદ્રથી તારનારાં બધાં જ સાધનોની તારકતા ગીતાર્થના પારતંત્રને લઇને છે. એ રીતે જોઈએ તો સમજી શકાશે કે ગીતાર્થના પરતંત્રને છોડીને બીજું કોઈ જ સાધન સંસારસમુદ્રથી તારનારું નથી. ગીતાર્થની પરતંત્રતાનો સ્વીકાર કરવા મન તૈયાર થતું નથી - એનું વાસ્તવિક કારણ એક જ છે કે ભવની ભયંકરતાનો હજી ખ્યાલ આવ્યો નથી. આવી સ્થિતિમાં ભવસમુદ્ર કઈ રીતે તરાશે? ભવની નિર્ગુણતાનો વાસ્તવિક રીતે પ્રત્યય (વિશ્વાસ) થાય એ પૂર્વે જ ધર્મક્રિયા કરવાનું ચાલુ કર્યા પછી પણ ભવનિર્ગુણતાની વાસ્તવિક પ્રતીતિ કરવા માટે જે રીતે ઉપેક્ષા સેવાય છે, તે અત્યંત ચિંતાજનક છે. મોક્ષની સાધનાનો છેદ કરનાર સ્વચ્છંદતાને દૂર કરવાનું સામર્થ્ય માત્ર ગુરુપરતંત્રમાં છે. એના ત્યાગથી અહિત જ થશે. ૩-૧૮
यदि नामैतेषां नास्ति ज्ञानं, कथं तर्हि मासक्षपणादिदुष्करतपोऽनुष्ठातृत्वमित्यत आह
૧૦૬
માર્ગ બત્રીશી