________________
ઉદાયન કથા
હવે ઉદાયને પ્રદ્યોત રાજાને અવંતિ દેશમાં પૂર્વના પોતાના કીર્તિસ્તંભ જેમ સામંત કરીને સ્થાપ્યો. (૪૧૯) હવે વર્ષાકાલ પૂર્ણ થયે છતે ગયેલો છે ભય જેણે એવો વીતભય નગરના અધિપતિ સ્વયં વીતભય નામના પોતાના નગરમાં ગયો. (૪૨૦) વણિ; આદિ ઘણાં લોકો વળી ત્યાં જ રહ્યા અને વ્યાપારને માટે બીજા પણ લોકો ત્યાં આવીને વસ્યા. (૪૨૧) જ્યાં ઉદાયન રાજા દશ રાજાઓ વડે યુક્ત રહ્યો હતો, તે શિબિરના સ્થાને ત્યારપછી દશપુર નગર થયું. (૪૨૨)
હવે દૈત્ય વગર થયેલા સમૃદ્ધ ઈન્દ્રની જેમ ઉદાયન પોતાના વિસ્તૃત રાજ્યને લાંબો કાળ ભોગવતો હતો. (૪૨૩) એક વખત ઉદાયન રાજાએ શુદ્ધ પખી પર્વમાં પૌષધશાળામાં રહીને પૌષધ વ્રતને ગ્રહણ કર્યું. (૪૨૪) રાત્રિમાં ધર્મજાગરિકા વડે જાગતા તે રાજાને પરિણામિક સુખને આપનાર આવા પ્રકારનો પરિણામ થયો. (૪૨૫)
તેઓ ધન્ય છે, જેઓ વડે બાળપણમાં જ સંયમ સ્વીકારાયું અને તેઓ કોઈના પણ કર્મબંધના કારણ ન થયા. (૪૨૭) હમણાં તે રાષ્ટ્રદેશ, ગામ, નગરાદિ ધન્ય છે, જેને વિષે શ્રી વીર સ્વામી સ્વયં વિચરે છે. (૪૨૭) વળી જેઓના મસ્તક પર શ્રી વીર પ્રભુના કમળરૂપી હાથ પડ્યા છે. તેવા ભવસમુદ્રના કિનારાને પ્રાપ્ત થયેલા તેઓનું તો વળી શું કહીએ ? (૪૨૮) હું પણ ધન્ય થાઉં, જો અહીં સદ્ધર્મરૂપી બગીચાને વિકસિત કરવા મેઘ સમાન ભગવાન વીર પધારે, (૪૨૯) એ પ્રમાણે રાત્રિને ઓળંગીને સવારે પારેલા પૌષધવાળા દેવપૂજાને કરીને જેટલામાં સભાને પ્રાપ્ત કરી, (૪૩૦) તેટલામાં ઉદ્યાનપાલકે આવીને જણાવ્યું કે, હે દેવ ! પૂર્વ દિશાના ઉદ્યાનમાં આજે શ્રીવીરસ્વામી સમવસર્યા છે. (૪૩૧) ત્યારે તે સાંભળીને જલદીથી પ્રમોદને ભજનારા ઉદાયન રાજાએ વિચાર્યું કે, મારા થનારા ભાવને જાણીને નિચ્ચે ભગવાન આવ્યા. (૪૩૨) પ્રિય વાતને જણાવનાર તેને ઈનામમાં સર્વે પણ અંગ પર લાગેલા વસ્ત્ર અને આભરણો આપ્યા. (૪૩૩) રાજાએ પોતાના નગરને ઊંચી ધજાઓવાળું કરાવ્યું અને પ્રભુના આગમનના ઉત્સવમાં કેદીઓને છોડાવ્યા. (૪૩૪) ત્યારપછી અંતઃપુર પરિવાર સહિત ઉદાયન રાજા આનંદ સહિત શ્રીમહાવીર પ્રભુને વંદન કરવા માટે ગયો. (૪૩૫) પ્રભુને જોઈને પ્રફુલ્લિત થયેલા નેત્રવાળા, અંજલિ જોડેલા હાથવાળા, જય જય અવાજને કરતા સ્વામીની પાસે ગયા. (૪૩૩) ત્રણ પ્રદક્ષિણા કરીને ભૂમિ પર સ્થાપેલા મસ્તકવાળો નમીને એકાગ્રમનથી પ્રભુની સ્તુતિ કરે છે. (૪૩૭) સ્વામીના ઐશ્વર્ય વડે વિસ્મિત થયેલો વિકસિત નેત્રથી જોતો રાજા હવે ઉચિત ભૂમિપ્રદેશમાં બેઠો. (૪૩૮) કલ્યાણકારી ભક્તિવાળા આનંદના અશ્રુથી પ્લાવિત નેત્રવાળા, સાવધાન એવા તેણે દૂધ, ગોળ અને દ્રાક્ષથી અતિ મનોહર સ્વામીની વાણીને સાંભળી (૪૩૯) અને સાંભળવાથી રાજાને તેવા પ્રકારનો કોઈ સંવેગ ઉત્પન્ન થયો કે, જેના વડે તે ક્ષણે જ વ્રતને ગ્રહણ કરવાનો મનોરથ થયો (૪૪૦) અને દેશનાને અંતે પ્રભુને નમીને, મહેલમાં જઈને વિચાર્યું. આ રાજ્ય કોને આપીને હું પોતે વ્રતને સ્વીકારું ! (૪૪૧)
ખરેખર, રાજ્ય આ જન્મમાં અનેક અનર્થના મૂલવાળુ અને જન્માંતરમાં દુર્ગતિ માટે છે. તેથી પુત્રને રાજ્ય આપીશ નહીં. (૪૪૨) મહાસતી પ્રભાવતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલો મારો આ પુત્ર આ રાજ્ય વડે ભવભ્રમણનો ખેપીઓ ન થાઓ (૪૪૩) અને વળી મારા ગયા પછી મારું આ નગર ઉપસર્ગ સહિત થશે એમ દેવતા વડે કહેવાયેલું છે અને તે અન્યથા થતું નથી. (૪૪૪) તેથી ખરેખર અભીચિકુમારને ભોગ માટે આપેલા પોતાના દેશાદિને સુખે પાલન કરતો યુવરાજપણા વડે રહો. (૪૪૫)
• હાલ તે દશપુર એ મદેસોર તરીકે મધ્યપ્રદેશમાં પ્રચલિત છે.