________________
ઉપદેશપદ : ભાગ-૨
૫૨૫
ગાથાર્થ—ગુણાનુરાગ કરવો. કુશીલ લોકની સોબત ન કરવી. ક્રોધાદિનો ત્યાગ કરવો. સતત પ્રમાદનો ત્યાગ કરવો.
ટીકાર્થ—ગુણાનુરાગ કરવો—ઉદારતા અને દાક્ષિણ્ય વગેરે ગુણો પ્રત્યે બહુમાન ભાવ કરવો. કોઇપણ ન્યૂનતાથી સ્વયંગુણને આચરી ન શકે તો પણ ગાઢ ગુણાનુરાગથી થતા અતિશય ભાવથી જીવોને ગુણના આચરણનું ફળ મળે છે. (ગુણો પ્રત્યે બહુમાન કરવાથી ગુણી પ્રત્યે બહુમાન ભાવ થાય. ગુણી પ્રત્યે બહુમાન ભાવ થાય એટલે ગુણીમાં રહેલા ગુણોની અનુમોદના થાય. ગુણની અનુમોદનાથી ગુણનું ફળ પ્રાપ્ત થાય. આથી શક્તિના અભાવે ગુણનું આચરણ ન કરી શકનાર પણ જીવ જો અન્ય જીવના ગુણના આચરણની અનુમોદના કરે તો ગુણનું આચરણ કરનારને જેટલું ફળ મળે તેટલું જ ફળ તેને પણ મળે. કારણ કે ફળ અધ્યવસાયથી મળે છે. આચરણ કરનારને આચરણથી જેવો અધ્યવસાય થાય, તેવો જ અધ્યવસાય શક્તિના અભાવે આચરણ નહિ કરનારને આચરણ કરનારની અનુમોદનાથી થાય.) કહ્યું છે કે—“તપ, સંયમ વગેરે આત્મહિતનું સ્વયં આચરણ કરનાર જીવ સદ્ગતિ પામે છે. (શક્તિના અભાવે સ્વયં ન કરી શકે તો) અન્યના ધર્મની અનુમોદના કરનાર પણ સદ્ગતિ પામે છે. આ વિષયમાં તપ-સંયમનું આચરણ કરનાર બલદેવમુનિ અને રથકારના દાનની અનુમોદના કરનાર હરણનું દૃષ્ટાંત છે.” [ઉપદેશમાલા ૧૦૮]
કુશીલલોકની સોબત ન કરવી—અસદાચારી લોકની સાથે ન બોલવું, તેમની નજીકમાં ન રહેવું વગેરે રીતે કુશીલ લોકની સોબતનો ત્યાગ કરવો. કારણ કે કહેવાય છે કે—“કડવા લીમડાના પાણીથી વાસિત ભૂમિમાં આમ્રવૃક્ષ ઉત્પન્ન થયું. એ બંને વૃક્ષનાં મૂળિયાં ભેગા થયાં. તેથી આંબો લીમડાના સંગથી કડવો (=કડવા ફળવાળો) થયો.” [પંચવ.૭૩૬]
ક્રોધાદિનો ત્યાગ કરવો—ક્રોધ, માન, માયા અને લોભનો અનુક્રમે ક્ષમા, માર્દવ, સરળતા અને સંતોષનું આલંબન લઇને ત્યાગ કરવો.
પ્રમાદનો ત્યાગ કરવો—અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન વગેરે આઠ પ્રકારના પ્રમાદનો નિરંતર ત્યાગ કરવો. કારણકે પ્રમાદ જ સર્વ અનર્થોનું મૂળ છે. કહ્યું છે કે—“પુરુષો સ્વર્ગમાં જતા નથી અને પતનને પામે છે તેનું કારણ દુષ્ટ પ્રમાદ છે એમ આ મારો નિશ્ચય છે.” (૧૦૩૭)
अथोपसंहरन्नाह
लेसुवएसेणेते, उवएसपया इहं समक्खाया । समयादुद्धरिऊणं, मंदमतिविबोहणट्ठाए ॥१०३८ ॥