________________
૩૯૮
ઉપદેશપદ : ભાગ-૨ નિર્જરા થાય છે. પણ સાધુ માટે આરંભ કરે છે માટે કંઈક અશુભ કર્મબંધ પણ થાય.)
“હે ભગવન્! તેવા પ્રકારના અસંયત-અવિરતને પ્રાસુક કે અપ્રાસુક એષણીય કે અષણીય આહારાદિ આપનાર શ્રાવકને શું ફળ મળે? હે ગૌતમ! તેને એકાંતે પાપકર્મ બંધાય છે જરાપણ નિર્જરા થતી નથી.”
| (આનાથી નિશ્ચિત થયું કે દ્રવ્ય સાધુને દાન ન અપાય. કારણ કે દાનથી તેના અસંયમનું પોષણ થાય છે, અને તેથી દાતાને પાપકર્મનો બંધ થાય. આ સામાન્યથી વિધાન છે. આમાં વિશેષ એ છે કે આમને આપવાથી મારો સંસારથી છૂટકારો થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે એમ ભક્તિથી મોક્ષ માટે દ્રવ્યસાધુને દાન આપે છે તો કર્મબંધ થાય. પણ અનુકંપાબુદ્ધિથી દાન આપવામાં કર્મબંધ ન થાય. અથવા ઔચિત્યથી દ્રવ્યસાધુને આપવાથી કર્મબંધ ન થાય.
આ વિશે શ્રાદ્ધવિધિમાં લખ્યું છે કે-“અન્યદર્શની ભિક્ષુકો આપણા ઘેર ભિક્ષા અર્થે આવે તો તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની ભિક્ષાના અર્થે આવે તો તેને વિશેષ કરી દાન અવશ્ય આપવું. જો કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિશે ભક્તિ નથી, તેના ગુણને વિશે પક્ષપાત નથી, તો પણ આવેલાનું યોગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થનો ધર્મ છે.”
ઘરે આવેલાની સાથે ઉચિત આચરણ કરવું. એટલે કે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું, આસન આદિ માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે ઉચિત આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રોગી વગેરે દુઃખી લોકો ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા એ ધર્મ સર્વદર્શનીઓને સમ્મત છે.
શ્રાવકોને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું એનું કારણ એ છે કે-જે માણસો ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકોત્તર પુરુષની સૂક્ષ્મબુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય? માટે ધર્માર્થી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે–“સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવો. દોષને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રુચિ રાખવી, એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે.”
સમુદ્રો પોતાની મર્યાદા મૂકતા નથી, પર્વતો ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો ઉચિત આચરણો છોડતા નથી. જગતના ગુરુ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતા-પિતાના સંબંધમાં અભુત્થાન (મોટા પુરુષ આવે ત્યારે આદરથી ઊભું થવું) વગેરે કરે છે.”
(અહીં શ્રાદ્ધવિધિનો પાઠ પૂર્ણ થયો.)