________________
૨૦૮
ઉપદેશપદ : ભાગ-૨
હવે કોઈક વખત દાસીઓના સમૂહથી વીંટળાયેલી સ્નાન અને શૃંગાર કરીને પોતાના ઘરની અગાશી ઉપર ક્રીડા કરતી જિનદત્ત સાર્થવાહ વડે જોવાઈ. તેના રૂપમાં અને યૌવનના ઉત્કર્ષમાં અંજાઈ ગયેલો જિનદત્ત મનમાં વિચારે છે કે ખરેખર આને છોડીને બીજી કોઈ યુવતી ભદ્રાના અંગથી ઉત્પન્ન થયેલા મારા પુત્ર સાગરની સ્ત્રી થવા યોગ્ય નથી. પાસે રહેલા લોકને પૂછે છે કે આ ઉત્તમ પુત્રી કોની છે? જે સર્વ સ્ત્રીઓના શરીરની શોભાને ઝાંખી પાડે છે. લોકે કહ્યું: આ સાગરદત્ત સાર્થવાહની પુત્રી છે. પછી ઘરે જઇને સ્નાન કરીને, શણગાર કરીને પોતાના પરિવારથી વીંટળાયેલો જ્યાં સાગરદત્તનું ઘર છે ત્યાં જવા તૈયાર થયો. તેને ઘરે આવતો જોઈને સાગરદત્ત એકાએક ઊભો થાય છે અને સુખાસન પર બેસવા વિનંતિ કરે છે અને આગમનનું પ્રયોજન પૂછે છે. પછી તે કહે છે કે સુકુમાલિકા નામની તારી જે પુત્રી છે તે સમાનરૂપવાળા મારા પુત્ર સાગરને વરે તે માટે અમો અહીં આવ્યા છીએ. અહીં બંને સમાન લાવણ્યાદિ ગુણોના ભંડાર છે, તેથી જો તને યોગ્ય પાત્ર જણાય તો આ પ્રમાણે કર. પ્રસ્તાવમાં ઊડાવી દેવાયેલા કાર્યની ફરી કોઈ ગતિ નથી. અર્થાત્ યોગ્ય પ્રસ્તાવ આવ્યો હોય તો તેને વધાવી લેવો જોઇએ. જો તે સમયે પ્રસ્તાવને ઊડાવી દેવામાં આવે તો ફરી તે કાર્યની સિદ્ધિ થતી નથી. જિનદત્તે આમ કહ્યું ત્યારે સાગરદત્ત આને કહે છે કે અમારે ઘરાંગણે આવેલાઓને અદેય શું છે? પરંતુ મારે એક જ પુત્રી છે. ઉદ્બરના પુષ્પની જેમ મારે દુર્લભ છે. ક્ષણ પણ મનોનયન પુત્રીનો વિરહ સહન કરવા શક્તિમાન નથી. તેથી જો તારો સાગરપુત્ર મારો ઘરજમાઈ થાય તો હું સુકુમાલિકાને આપું અન્યથા નહીં. (૯૭)
ઘરે જઈને પિતાએ સાગરને પૂછ્યું: હે વત્સ! જો તું ઘરજમાઈ થઇશ તો સુકુમાલિકા પુત્રીને મેળવીશ. તેણી ઉપરના દઢ અનુરાગથી સાગર સર્વને સર્વથા સ્વીકારે છે. પછી જિનદત્ત સર્વ આદરથી પરમ ઉત્સવને કરે છે. એકહજાર પુરુષો ઊંચકી શકે તેવી શિબિકામાં સાગર આરૂઢ થયો અને હર્ષોલ્લાસપૂર્વક સાગરદત્તના ઘરે આવ્યો. તેણે પણ ગૌરવસહિત મહાવિભૂતિથી તેનો સત્કાર કરી સ્વીકાર કર્યો. પછી પુત્રીની સાથે તેનો વિવાહ કર્યો. જે સમયે તેનો કંઈક કર સ્પર્શ થયો ત્યારથી દાહકવર સહિત મસ્તક શૂળ ઉપડ્યું. જેમ દારૂણ સર્પથી અથવા વીંછીથી ડસાયો હોય અને જેમ અંગારાથી સિંચાયો હોય ત્યારે જેવો દાહજ્વર થાય તેવો દાહજવર થયો. મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરતો તત્પણ કોઈપણ રીતે મૌન રહ્યો. શયન સમય થયો ત્યારે શૈધ્યામાં રહેલા સાગર પાસે જેનો રાગરૂપી સમુદ્ર ક્ષોભ પામ્યો છે, સર્વાગથી શૃંગાર સજેલી તે ધીમે ધીમે તેની પાસે બેઠી. જાણે સ્વર્ગમાંથી અપ્સરા ન ઉતરી હોય! હવે ફરી પણ તેના અંગના સ્પર્શથી પૂર્વની વેદના અનુભવી અને વિષાદને પામેલો સાગર વિચારે છે કે આનાથી મારો ૧. ઉદંબરનું વૃક્ષ થાય છે તેને કયારેય પુષ્પ થતા નથી. ઉદુંબરનું ફળ થડમાં થાય છે જે અભક્ષ્ય છે.