________________
૩૯
ભવ્યત્વ એટલે જ તથાભવ્યત્વ. આ તથાભવ્યત્વ કર્મનિર્મિત નથી, કિંતુ જીવના જ્ઞાનોપયોગ વગેરેની જેમ સ્વભાવરૂપ છે.
તથાભવ્યત્વ કાર્ય કરવા માટે ઉપસ્થિત થાય ત્યારે તે બીજાં કાળ વગેરે કારણોને નજીકમાં કરે છે, એટલે કે કાર્યને અનુકૂળ કરે છે. પુરુષાર્થ પણ તથાભવ્યત્વ ભિન્ન હોય તો સફળ બને. કારણ કે ભિન્નભવ્યત્વ=તથાભવ્યત્વ વિવિધરૂપે પુરુષાર્થને ખેંચી લાવે છે. મોક્ષ માટે જીવો જે ભિન્ન ભિન્ન પુરુષાર્થ કરે છે તેનું કારણ પણ તે તે જીવનું તથાભવ્યત્વ છે. તથાભવ્યત્વના પરિપાક વિના જીવ મોક્ષ માટે પુરુષાર્થ કરી શકે જ નહિ.
' અપુનબંધક વગેરે ધર્માધિકારીને યોગ્ય છે તે શાસ્ત્રમાં જણાવેલ ઉપદેશની સફળતા પણ જો ઉપદેશ તથાભવ્યત્વની અપેક્ષાવાળો હોય તો જ થાય. જેના તથાભવ્યત્વનો પરિપાક થયો હોય તે જ જીવ ઉપદેશને યોગ્ય છે.
આમ અનેક દલીલો દ્વારા ભવ્ય દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન છે એમ સિદ્ધ કર્યું છે.
પ્રશ્ન- ભવ્ય જીવોને બીજાધાન (=ધર્મબીજની વાવણી) વગેરે ગુણોનો લાભ તથાભવ્યત્વના આકર્ષણથી થાય છે, અર્થાત્ તથાભવ્યત્વ ગુણોને ખેંચી લાવે છે એમ અહીં કહ્યું છે. આ કથનના આધારે તો પુરુષાર્થ કરવાનું રહેતું નથી. કેમકે તથાભવ્યત્વથી જ ગુણોની પ્રાપ્તિ અને ક્રમે કરીને મોક્ષ થઈ જાય.
ઉત્તર- પુરુષાર્થ વિના તથાભવ્યત્વ સ્વકાર્ય કરવા માટે સમર્થ બનતું નથી. કારણ કે જૈનશાસનમાં કોઈપણ કાર્ય પુરુષાર્થ વગેરે પાંચેય કારણોથી થાય છે, કોઈ એક કારણથી નહિ. આથી તથાભવ્યત્વ પણ પુરુષાર્થ વગેરે કારણસમૂહ વિના સ્વકાર્ય કરવા સમર્થ બનતું નથી. માટે પુરુષાર્થ પણ જરૂરી છે જ. (૯૯૯ થી ૧૦૧૧)
અતિચારસહિત અનુષ્ઠાનનું ફળ મલિન મળે છે અને નિરતિચાર અનુષ્ઠાનનું ફળ નિર્મલ મળે છે, માટે શાશ્વત સુખના અર્થી મનુષ્ય દેવપૂજા વગેરે શુદ્ધયોગોમાં સમ્યમ્ (=અતિચાર ન લાગે તેમ) પ્રયત્ન કરવો જોઈએ એમ ૧૦૩૨મી ગાથામાં કહ્યા પછી ગ્રંથકારે શુદ્ધયોગોમાં પ્રયત્ન કરવાના ઉપાયો કલ્યાણમિત્ર વગેરે છે એમ કહીને ચાર ગાથાઓથી કલ્યાણમિત્રયોગ વગેરેનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ ગ્રંથરચનાનું પ્રયોજન જણાવ્યું છે. છેલ્લી ગાથામાં પોતાના ઉપકારી સાધ્વીજી યાકિની મહત્તરાને યાદ કરવા માટે પોતાને યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે ઓળખાવીને ગ્રંથકર્તા તરીકે પોતાનું નામ જણાવીને ગ્રંથને પૂર્ણ કર્યો છે.