________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૮૯
આ અસત્ય છે. કારણ કે ઘટ વગેરેના કુંભાર વગેરે કારણ છે એમ પ્રત્યક્ષ દેખાય છે. પ્રત્યક્ષ કારણને છોડીને અપ્રત્યક્ષ કારણની કલ્પના કરવાથી અનવસ્થાનો પ્રસંગ આવે, અને એથી ક્યાંય પણ કારણનો ચોક્કસ નિયમ ન ઘટે=અમુક કાર્યનું અમુક કારણ છે એમ ચોક્કસ નિયમ ન રહે.
વળી બીજી વાત. સ્વતંત્ર (=એકલું) કર્મ જગતની વિચિત્રતાના કારણ તરીકે ન ઘટી શકે. કારણ કે કર્મ કર્તાને આધીન છે. એકસ્વભાવવાળા તેનાથી જગતની વિચિત્રતા ઘટી શકે નહીં. કારણ કે કારણમાં વિચિત્રતા વિના કાર્યમાં વિચિત્રતા આવે નહિ. હવે જો કર્મ અનેક સ્વભાવવાળું છે એમ જો તમે માનતા હો તો નામમાત્રથી જ વિવાદ છે. કારણકે (કર્મને અનેકસ્વભાવવાળું માનવાથી) પરમાર્થથી પુરુષ, કાળ અને સ્વભાવ વગેરેનો પણ જગતની વિચિત્રતાના કારણ તરીકે સ્વીકાર થઈ જાય છે. આ પ્રમાણે કર્મરૂપ એકાંતવાદ પણ તત્ત્વનિર્ણય કરવા માટે સમર્થ નથી. .
પુરુષવાદ બીજાઓ તો કહે છે કે- એક પુરુષ જ સંપૂર્ણ લોકના સ્થિતિ-સર્જન-વિનાશનું કારણ છે. પ્રલયમાં ( જગતના વિનાશમાં) પણ પુરુષના જ્ઞાનાતિશયનો વિનાશ થતો નથી. કહ્યું છે કે“જેવી રીતે કરોળિયો તાંતણાઓનું કારણ છે, ચંદ્રકાંત મણિ પાણીનું કારણ છે, વૃક્ષ (બીજ) અંકુરાઓનું કારણ છે, તેવી રીતે ઇશ્વર બધા પદાર્થોની ઉત્પત્તિનું કારણ છે.” (ઈશ્વર જ જગતના સર્જન-પ્રલય-સ્થિતિનું કારણ છે. ઈશ્વર સિવાય બીજું કશું કારણ નથી. કારણરૂપે બીજું જે દેખાય છે તે પણ ઇશ્વરને જ આધીન છે.)
આ પણ ઘટતું નથી. કારણકે વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારાઓની પ્રવૃત્તિ પ્રયોજનવાળી હોય છે. આથી અહીં પ્રશ્ન થાય કે પુરુષ કયા પ્રયોજનથી વિશ્વનિર્માણમાં પ્રવર્તે છે ? અહીં જો એમ કહેવામાં આવે કે ઈશ્વર આદિની પ્રેરણાથી પુરુષ વિશ્વનિર્માણમાં પ્રવૃત્તિ કરે છે તો પુરુષ પરાધીન થયો. (જ્યારે તમે તો તેને સ્વતન્ત્ર માનો છો.).
પૂર્વપક્ષ– દયાથી અન્યના અનુગ્રહ માટે વિશ્વનિર્માણમાં પ્રવૃત્તિ કરે છે.
ઉત્તરપક્ષ– જો પુરુષ દયાથી વિશ્વનિર્માણ કરતો હોય તો દુઃખી જીવોનું નિર્માણ ન કરે. (તમે માનેલો પુરુષ તો દુઃખી જીવોનું પણ નિર્માણ કરે છે.) આથી દયાથી વિશ્વનિર્માણ કરે છે એ ઘટી શકતું નથી.
પૂર્વપક્ષ– દુ:ખી જીવોનાં કર્મોનો ક્ષય થઈ જાય એ માટે દુઃખી જીવોનું નિર્માણ કરે છે.