________________
૨૨
પ્રમાદના આસેવનથી ધર્મક્રિયાનો વિનાશ થાય. પછી દુર્ગતિમાં કટુ વિપાકોનો અનુભવ કરે (=અસહ્ય દુઃખોને સહન કરે). પછી જન્માંતરમાં ફરી ધર્મક્રિયાની પ્રાપ્તિ થાય. ફરી ધર્મક્રિયાનો અભ્યાસ અશુભાનુબંધના વિચ્છેદરૂપ ફળવાળો થાય છે. (૩૮૩ થી ૩૯૧) જિનવચનરૂપ ઔષધનો કાળ
અકસીર પણ ઔષધ અકાળે આપવાથી લાભ ન થાય, બલ્કે નુકશાન થાય, એમ આયુર્વેદમાં પ્રસિદ્ધ છે. તે રીતે પ્રસ્તુતમાં જિનવચનરૂપ ઔષધ અકાળે આપવાથી નુકશાન થાય. જિનવચનરૂપ ઔષધના પ્રયોગ માટે ગાઢમિથ્યાત્વ કાળ અકાળ (=અયોગ્ય કાળ) છે. જે કાળમાં મિથ્યાત્વ ગાઢ હોય તે કાળ ગાઢમિથ્યાત્વ કાળ છે. ચરમપુદ્ગલ પરાવર્ત સિવાયના બધા જ પુદ્ગલ પરાવર્તોનો કાળ ગાઢમિથ્યાત્વ કાળ છે. કારણ કે ત્યાં મિથ્યાત્વ ગાઢ હોય છે. આથી અચરમાવર્તકાળ જિનવચનરૂપ ઔષધના પ્રયોગ માટે અકાળ છે.
અચરમાવર્તકાળમાં જીવને જિનવચનની કોઇ અસર ન થાય. અચરમાવર્તકાળમાં રહેલો જીવ ગમે તેટલી વાર જિનવચન સાંભળે તો પણ તેના હૈયામાં તેની અસર ન થાય—જિનવચનને ન માને. આથી અચરમાવર્ત કાળ આજ્ઞાયોગ માટે અયોગ્ય કાળ છે.
ચરમાવર્ત જિનવચનરૂપ ઔષધના ઉપયોગનો કાળ છે. ચરમાવર્તમાં પણ જ્યારે તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાન, અંકુરનો ઉદ્ભવ, અંકુરાદિનું પોષણ વગેરે થઇ રહ્યું હોય ત્યારે કાળ થાય, અર્થાત્ ત્યારે યોગ્ય કાળ છે.
ચાવર્તમાં આવેલો જીવ તથાભવ્યત્વના પરિપાકથી અપુનર્બંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિત અવસ્થાને પામે છે. આ અવસ્થામાં તે જીવ ધર્મબીજની આત્મામાં વાવણી કરે છે. આથી અપુનર્બંધક વગેરે અવસ્થાનો સમય જિનવચનરૂપ ઔષધના પ્રયોગ માટે યોગ્ય કાળ છે. આ કથન વ્યવહારનયથી છે.
નિશ્ચયનયના મતે ગ્રંથિભેદ કાળને જ વચન રૂપ ઔષધના પ્રયોગનો કાળ જાણવો. ગ્રંથિભેદ થયે છતે સદા વિધિથી વચન રૂપ ઔષધનું પાલન થવાના કારણે વચનરૂપ ઔષધથી આરોગ્ય થાય.
ગ્રંથિભેદકાળ- જે કાળે અપૂર્વકરણ-અનિવૃત્તિકરણથી ગ્રંથિ ભેદાણી હોય તે ગ્રંથિભેદ કાળ છે, અર્થાત્ જે કાળે સમ્યગ્દર્શન વિદ્યમાન હોય તે ગ્રંથિભેદકાળ છે. ગ્રંથિભેદકાળ જિનવચન રૂપ ઔષધને આપવાનો યોગ્ય કાળ છે. કારણ કે સમ્યગ્દર્શન હોય ત્યારે જીવ સર્વકાળે અવસ્થાને ઉચિત કાર્ય કરવા રૂપ વિધિથી વચનરૂપ ઔષધનું પાલન કરે છે. એના કારણે વચનરૂપ ઔષધના પ્રયોગથી સંસારવ્યાધિના નાશ રૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.